ભાસ્કર EXPLAINER:પગારમાંથી 50%ને બદલે માત્ર 10% પેન્શનની નવી યોજના સામે 4 લાખ સરકારી કર્મીનો વિરોધ

ગાંધીનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • જૂની પેન્શન યોજનામાં અડધો પગાર, નવીમાં માત્ર 2500થી 7500 પેન્શન
 • જૂની પેન્શન યોજનાની માંગણી સાથે કર્મચારીઓની આજે મહાસભા

રાજ્યભરના અંદાજે ચાર લાખ કર્મચારીઓને નવી પેન્શન યોજના લાગુ પડનારી છે. જોકે જુની પેન્શન યોજનામાં કર્મચારીને અડધો પગારની સામે નવી પેન્શન યોજનામાં માસિક રૂપિયા 2500થી રૂપિયા 7500નું પેન્શન મળવા પાત્ર થાય છે. નિવૃત્તિ જીવનમાં આર્થિક રીતે દિવ્યાંગ બનાવતી નવી પેન્શન યોજના રદ કરીને જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુન:સ્થાપન સંયુક્ત મોરચો અમદાવાદ દ્વારા તારીખ 6ઠ્ઠી, શુક્રવારે સત્યાગ્રહ છાવણી ખાતે અલગ અલગ વિભાગના હજારો કર્મચારીઓની મહાસભા યોજાશે.

જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગણીએ જોર પકડ્યું
​​​​​​​
જોકે રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોએ જુની પેન્શન યોજના લાગુ કરતા રાજ્યભરના કર્મચારીઓમાં જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગણીએ જોર પકડ્યું છે. નવી અને જુની પેન્શન યોજના અંગે રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના સંયોજક ભીખાભાઇ પટેલે જણાવ્યું છે કે હાલમાં શેરબજાર તેજીમાં હોવા છતાં નિવૃત્ત થયેલા એક કર્મચારીને માસિક રૂપિયા 7500નું પેન્શન બંધાયું છે. આથી નિવૃત્ત કર્મચારીને માસિક 2500થી 7500 જેટલું નજીવું પેન્શન મળે છે. જે વર્તમાન કારમી મોંઘવારીમાં નિવૃત્ત કર્મચારીની આર્થિક હાલત કફોડી બની રહે છે.

શું છે જૂની પેન્શન યોજના

 • નિવૃત્તિ સમયે કર્મચારીનો જે પગાર હોય તેની 50 ટકા રકમ પેન્શન તરીકે દર મહિને મળે છે.
 • નિવૃત્ત થતાં કર્મચારીને 300 રજાનું રોકડમાં રૂપાંતર થાય છે. (પગાર મળે છે)
 • ગ્રેજ્યુએટીનો લાભ નિવૃત્ત કર્મચારીને મળે છે.
 • જીપીએફમાં કર્મચારીની જમા થયેલી કુલ રકમમાંથી 80 ટકા રકમ ઉપાડી શકે છે.
 • જીપીએફના નાણાં ઉપર સરકાર નક્કી કરે તે વ્યાજદર મળે છે.
 • પેન્શન યોજનામાં કર્મચારીઓને મોંઘવારી સહિતના લાભો મળે છે.

શું છે નવી પેન્શન યોજના

 • કર્મચારીના માસિક પગારમાંથી 10 ટકા રકમ કપાય તેટલી જ રકમ રાજ્ય સરકાર જમા કરે છે.
 • કર્મચારીના પગારમાંથી કપાયેલી રકમને શેરબજારમાં રોકાણ કરવામાં આવે છે.
 • જમા થયેલી રકમમાંથી 60 ટકા રકમ નિવૃત્ત કર્મચારીને આપી દેવામાં આવે છે.
 • બાકી રહેલી 40 ટકા રકમમાંથી નિવૃત્ત કર્મચારીને પેન્શન આપવામાં આવે છે.
 • લાઇફ ટાઇમ સુધી પેન્શનમાં વધારો થતો નથી.
 • નવી પેન્શન યોજના માર્કેટના આધારે નક્કી કરાય છે.
 • જીપીએફનો કોઇ લાભ મળતો નથી.

ફિક્સ પગારના પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ લાગુ કરાય છે
જુની પેન્શન યોજનાને રદ કરીને નવી પેન્શન યોજના લાગુ વર્ષ-2004થી કરવામાં આવી છે. ત્યારે જે કર્મચારીઓની નિમણુંક વર્ષ-2004 પહેલાં થઇ હોય તેમ છતાં આવા કર્મચારીઓના ફિક્સ પગારના પાંચ વર્ષ જો વર્ષ-2004 પછી થાય તો તેવા કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ મળતો નથી. પરંતુ નવી પેન્શન યોજનાનો લાભ આપવામાં આવતો હોવાનું કર્મચારીઓએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...