ગાંધીનગર ખાતે મેટ્રો ફેઝ-2ની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે કોબા સર્કલથી કોબા ગામ સુધીનો અંદાજે 4 કિલોમીટર સુધીનો રસ્તો મેટ્રો માટે ખોલવામાં આવ્યો છે. ટીપી-1 અને 2 અને 21માં આવતા વિસ્તારમાં 80 મીટરનો પટ્ટો ખોલવામાં આવ્યો છે. મેટ્રો માટે આ વિસ્તારમાં અગાઉ જમીન સંપાદન સહિતની કામગીરી પુર્ણ થઈ ગયેલી છે. હવે કામગીરી શરૂ થવાની હોવાથી કોઈ ખેડૂત દ્વારા કે અન્ય દ્વારા કોઈ વાંધા ન ઉઠાવે તે માટે મિટિંગ બોલાવાઈ હતી.
મિટિંગ માં મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ, આર. એમ. પટેલ, ધારાસભ્ય શંભુજી ઠાકોર, કોર્પોરેટર્સ મહેન્દ્ર દાસ, પોપટસિંહ ગોહીલ તથા ગામના ભાજપના યોગેશ નાયી તથા યોગેશ પટેલ સહિતના લોકે ખેડૂતોને મળ્યા હતા. તેઓ દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને મળીને તેઓને કોઈ પ્રશ્નો હોય તો જાણ્યા હતા. મેટ્રો ફેઝ-2માં 28.25 કિ.મીના રૂટમાં મહાત્મા મંદિરથી મોટેરા સ્ટેડિયમથી સુધી 22.83 કિલોમીટર અને જીએનએલયુથી ગિફ્ટ સિટી સુધી 5.4 કિલોમીટરના 2 કોરિડોર હશે.
ગાંધીનગર મેટ્રોમાં કોબા સર્કલથી જૂના કોબા, કોબા ગામ થઈ જીએનએલયુ થઈ આગળ જઈને એક તરફ રાયસણ, રાંદેસણ અને ધોળાકુવા સર્કલ અને બીજી તરફ પીડીપીયુ તરફનો મેટ્રો રૂટ જશે. પીડીપીયુ, કોબા સર્કલ અને બીજી તરફ ધોળાકુવા સર્કલ સુધીનો કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે કોબા તરફનો જમીન ખુલ્લી કરાતા અહીં પણ કામગીરી શરૂ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.