મેઘમહેર:માણસામાં 24 કલાકમાં 4 ઈંચ ધોધમાર દહેગામ પંથકમાં 3 ઈંચ વરસાદ વરસ્યો

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
દહેગામમાં રેલવે ગરનાળામાં પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા - Divya Bhaskar
દહેગામમાં રેલવે ગરનાળામાં પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા
  • હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ 1-2 દિવસ ભારે વરસાદની શક્યતા, જિલ્લામાં સૌથી વધુ વરસાદ દહેગામમાં 57.87 ટકા
  • જિલ્લામાં સિઝનનો 46.49 ટકા વરસાદ, 10 દિવસમાં જ 21.30 ટકા વરસાદ વરસી ગયો, ખેડૂતોમાં આનંદની લહેર
  • ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 10 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. મંગળવારે જિલ્લાના ચારેય તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.
  • જુલાઇના​​​​​​​ અંત સુધીમાં 25 ટકા વરસાદ નોંધાયો

માણસ પંથકમાં છેલ્લા 24 કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ એક બે દિવસ ભારે વરસાદની શક્યતા જોવાઇ રહી છે. સોમવારે રાતથી શરૂ થયેલા વરસાદમાં માણસા પંથકમાં 4 ઈંચ જેટલો જ્યારે દહેગામ પંથકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 46.49 ટકા વરસાદ વરસાદ નોંધાયો છે, જેમાંથી 21.30 ટકા વરસાદ છેલ્લા 10 દિવસમાં જ પડ્યો છે. જિલ્લામાં સૌથી વધુ 57.87 ટકા વરસાદ દહેગામમાં નોંધાયો છે, જેમાં 30 ટકા વરસાદ તો 10 દિવસમાં નોંધાયો છે. જિલ્લામાં સૌથી ઓછો 32.19 ટકા વરસાદ ગાંધીનગર તાલુકામાં નોંધાયો છે.

કલોલ તાલુકામાં 49.48 ટકા તથા માણસામાં 42.80 ટકા વરસાદ નોંધાયો છે. ચોમાસાની સિઝનમાં ગતવર્ષ કરતાં આ વર્ષે જુલાઈના અંત સુધીમાં જિલ્લામાં સરેરાશ 190 એમએમ એટલે 25 ટકા વરસાદ નોંધાયો હતો, જેની સામે આ વખતે 353 એમએમ એટલે 46.49 ટકા વરસાદ નોંધાયો છે. જે ગત વર્ષ કરતાં 21.49 ટકા વધારે છે.

તાલુકામાં પડેલો વરસાદ (મીમીમાં)

તાલુકોસરેરાશપડેલો વરસાદટકાવારી
દહેગામ79045757.87
ગાંધીનગર71122932.19
કલોલ78438849.48
માણસા79233942.8
જિલ્લો76035346.49

દહેગામમાં રેલવે ગરનાળામાં પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા
મંગળવાર દહેગામ શહેરમાં સોમવારે રાત્રે વરસાદની શરૂઆત થઈ હતી અને ધોધમાર વરસાદ વરસતા સવારના છ વાગ્યા સુધીમાં 78 મીમી એટલે કે ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. દહેગામમાં ભારે વરસાદને પગલે અમદાવાદ-મોડાસા રોડ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. ઉપરાંત નાંદોલ રોડ, વૈભવ કોમ્પ્લેક્સ, પુરુષોત્તમ ધામ, મોડાસા રોડ, ગાંધીનગર રેલવે ફાટક નજીકના ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગરનાળામાં ખૂબ જ પાણી ભરાતા નાના વાહનો જાણે ડૂબતા હોય એવા દ્રશ્યો નજરે ચઢ્યા હતા નહેરુ ચોકડી ખાતે પણ મુખ્ય માર્ગ પર પાણી ભરાતા જળબંબાકાર બન્યું હતું.

માણસામાં 2 દિવસથી સતત વરસાદને પગલે પાણી ભરાયા
​​​​​​​માણસા તાલુકામાં પણ સરેરાશ ઓછો વરસાદ પડ્યો હતો, પરંતુ બે દિવસથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે સતત વરસાદ વરસ્યો હતો. સોમવારે રાત્રે શરૂ થયેલો વરસાદ સમયાંતરે મોટા ઝાપટા સાથે વરસી રહ્યો છે. જેમાં સોમવાર સાંજથી મંગળવારે સાંજ સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. બે દિવસથી થઈ રહેલા વરસાદના કારણે માણસા શહેર અને તાલુકામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી. જે વરસાદ ઓછો થતાં પાણી ઓસરતા લોકોને રાહત મળી હતી તો સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળતી હતી.

કલોલ શહેરમાં વરસાદના પગલે જાહેર માર્ગ પર ઝાડ તૂટ્યાં
​​​​​​​કલોલ શહેરમાં મુશળધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સોમવારે રાત્રે અઢી વાગ્યાના દરમિયાન વાવાઝોડા સાથે વરસેલા વરસાદના પગલે કલોલ રેલવે સ્ટેશન સામે રોકડનાથ મંદિર પાસે આવેલો વડ ઘરાશાઇ થઈ ગયો હતો. વડ તુટીને યુજીવીસીએલના તાર પર પડતા બે થાંભલા પણ તૂટી ગયા હતા. જેના પગલે આસપાસના વિસ્તારની લાઇટો બંધ થઇ ગઇ હતી. બનાવની જાણ થતા સવારે યુજીવીસીએલની તેમજ નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ઝાડને રસ્તા પરથી હટાવી લાઇટ ચાલુ કરી રસ્તો ખુલ્લો કર્યો હતો.

ગાંધીનગરમાં આખો દિવસ વરસાદી માહોલ જામતાં નયનરમ્ય દૃશ્યો જોવા મળ્યા
ગાંધીનગરમાં સમી સાંજે વાદળો ઘેરાઈને વરસાદ પડ્યો હતો, જેમાં ગુજરાત વિધાનસભા, આસપાસની લીલોતરી સહિતનો સહિતનો વિસ્તાર સોળે કલાએ ખીલ્યો હોય તેવો નજારો સર્જાયો હતો.

ગાંધીનગરમાં મોડી સાંજે વરસાદ ખાબક્યો
​​​​​​​ગાંધીનગરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ પડી ગયો હતો.જેના કારણે રોડ પર પાણી ફરી વળ્યા હતા.પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...