• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • 4 Crore Tax Revenue Against The Annual Expenditure Of 24 Crore For Providing Water Supply To Gandhinagar, Strict Recovery Of Arrears Will Be Done.

ઘાટ કરતા ઘડામણ મોંઘી:ગાંધીનગરમાં પાણી પુરવઠો પહોંચાડવા પાછળ વાર્ષિક 24 કરોડના ખર્ચની સામે 4 કરોડ વેરાની આવક, બાકી વેરાની કડક વસૂલાત કરાશે

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માથાદીઠ 140 લીટર પાણીની મર્યાદા સામે 253 લીટર પાણીનો વપરાશ કરાઈ રહ્યો છે

ગાંધીનગરમાં પાણી પુરવઠો પહોંચતો કરવા પાછળ સરકાર દ્વારા વાર્ષિક 24 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવે છે. એની સામે પાણીના વેરાની આવક માત્ર 4 કરોડની જ થતાં ઘાટ કરતા ઘડામણ મોંઘી એવી સ્થિતિ નું નિર્માણ થયું છે. જેનાં પગલે તંત્ર દ્વારા બાકીદારો સામે કડક ઝુંબેશ હાથ ધરી નળના જોડાણ કાપી નાખવા સુધીની કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

ગરમીના દિવસોમાં પ્રતિદિન 62 થી 65 એમએલડી સપ્લાય આપવામાં આવે
​​​​​​​
રાજયના પાટનગર ગાંધીનગરમાં સમગ્ર દેશમાં સૌથી વધુ માથાદીઠ પાણીનો વપરાશ થતો હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમછતાં પાણીના તોતિંગ ખર્ચ સામે પાણી વેરો ચુકવવામાં જોડાણકર્તા પાછી પાની કરી રહ્યા છે. ગાંધીનગરમાં ગરમીના દિવસોમાં પ્રતિદિન 62 થી 65 એમએલડી સપ્લાય આપવામાં આવે છે. જયારે ઘણીવાર પાણી નો વપરાશ વધી જતાં બોર પણ વધુ કલાક માટે કાર્યરત કરવામાં આવે છે. આમ સમગ્ર દેશમાં માથાદીઠ પાણીનો વપરાશ નગરજનો સૌથી વધુ કરી રહ્યા હોવાનુ પણ સ્પષ્ટ થયુ છે.

શહેરમાં માથાદીઠ 253 લીટર પાણીનો વપરાશ કરાઈ રહ્યો છે
ગાંધીનગરમાં પાણીની જરૂરિયાત સંતોષવા શહેરમાં માથાદીઠ પાણીની મર્યાદા 140 લીટર નિયત કરવામાં આવી છે. પરંતુ શહેરમાં માથાદીઠ 253 લીટર પાણીનો વપરાશ થતો હોવાની સામે આવ્યું છે. ગાંધીનગરમાં પાણીની જરૂરીયાત પૂર્ણ કરવા પાછળ અંદાજીત વાર્ષિક 24 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે જેની સામે પાણી ગટર વેરો ભરવા માટે નાગરિકો ઉદાસીન વલણ દાખવી રહ્યા છે.

આ વર્ષે બાકીદારો સામે આકરા પગલા લેવાની તૈયારી
દર વર્ષે વેરાની વસુલાત માટે તંત્ર દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવતી હોવા છતાં માંડ ચાર કરોડની જ વેરા વસુલાત થતી હોય છે. જેનાં કારણે દર વર્ષે સરકારની તિજોરી ઉપર આર્થિક ભારણ વધતું જાય છે. ત્યારે આ વર્ષે બાકીદારો સામે આકરા પગલા લેવાનો નિર્ણય લીધો છે. જેમાં બાકીદારોને નોટીસ આપી નિયત સમયના અંતે પણ વેરો નહીં ચુકવનારના જોડાણ કટ કરવા સુધીના પગલા લેવા માટે તંત્રએ તૈયારી કરી લીધી છે.

24 કલાક પાણી સપ્લાય કરવા માટે નવી લાઇન નાંખવામાં આવી રહી છે
એકબાજુ સ્માર્ટ સીટી અન્વયે શહેરમાં 24 કલાક પાણી સપ્લાય કરવા માટે નવી લાઇન નાંખવાનુ કામ ચાલી રહ્યુ છે. જયારે આ યોજનાના અંતે શહેરમાં મીટર પધ્ધતિથી પાણી સપ્લાય કરવામાં આવશે. જેના લીધે પાણીના વપરાશ સામે મીટર પણ દોડતુ રહેશે .જેથી નગરજનોને પાણીનો ઉપયોગ કરવાની સાથે સામે ચુકવણુ પણ તગડુ કરવુ પડશે. પાણી ગટર વેરના મામલે દર માર્ચ મહીનામાં તંત્ર કક્ષાએથી વળતર પણ ચુકવવામાં આવી રહ્યુ છે. પરંતુ વળતરનો લાભ મેળવી વેરો ચુકવવામાં પણ નિરસતા દાખવવામાં આવી રહી છે. જયારે પાણી ગટર વેરા મામલે તંત્રના જુના બાકીદારોનો આંકડો પણ મોટો છે. જયારે આ વસુલાત પુરી કરવા માટે હવે કડક પગલા લેવાય તેવી પણ સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...