કલોલ તાલુકાના ગોલથરા ગામની ભાગોળમાં જુગાર રમતા ગામના પૂર્વ સરપંચ સહિત 4 જુગારીઓને ઝડપી લીધા હતા. જ્યારે 2 જુગારી પોલીસને થાપ આપી ભાગી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડ સહિત 69500નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ડી.બી.વાળાની ટીમ કલોલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, ગોલથરા ગામની ભાગોળમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે, જેને લઇ એલસીબીની ટીમ ગોલથરા ગામમાં પહોંચી હતી અને બાતમી મુજબ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જેમાં ગામમાં આવેલા બળિયાદેવના મંદિર નજીકમાં જુગારીઓ બાજી માડીને બેઠેલા જોવા મળતા પહોંચી ગયા હતા. તે સમયે પોલીસને જોઇને જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી.
જુગાર રમતા 4 લોકોને ઝડપી લીધા હતા. જેમાં ચાંદીસણા ગામના પૂર્વ સરપંચ દિનેશજી પોપટજી ઠાકોર, ઉવારસદના મનહરભાઇ પ્રહલાદભાઇ વાળંદ, સેક્ટર 14 ગોકુલપુરાના કનુભાઇ અમરતભાઇ પ્રજાપતિ અને ટીંટોડા ગામના નાગજી મણાજી ઠાકોરને ઝડપી લીધા હતા. જ્યારે બે જુગારીઓમાં ટીંટોડાના કરશનપુરામાં રહેતા મુકેશ કેશાજી ઠાકોર અને રમેશ ઉર્ફે ટીનાજી દિવાનજી ઠાકોર ભાગી ગયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડ 59500 સહિત 69500નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.