મરી ગઈ સંવેદનશીલતા:આ એક તસવીરે તંત્રનું જુઠ્ઠાણું ખુલ્લું પાડ્યું: એમ્બ્યુલન્સમાં એકસાથે 4 મૃતદેહ પણ સરકારી રેકોર્ડમાં ગાંધીનગરમાં બે દિવસથી કોઈ મોત નહીં

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તોપણ આરોગ્યમંત્રી નીતિન પટેલે તો કોરોનાના મૃતદેહોના સ્મશાનમાં ઢગલાનો સ્પષ્ટ ઈનકાર જ કર્યો
  • ગાંધીનગરનાં મેયર રીટા પટેલે પણ સોશિયલ મીડિયામાં વાઇરલ તસવીરોને સ્વીકારતાં કહ્યું- હવે આવું નહીં થાય

ગાંધીનગરમાં 24 અને 25 તારીખે કોરોનાથી કોઈ દર્દીનું મૃત્યુ ન થયું હોવાનું સરકાર અને ગાંધીનગર જિલ્લા પંચાયતે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું પરંતુ બીજી તરફ કોરોનાથી મૃત્યુ પામેલા એકસાથે 4 દર્દીના મૃતદેહો એક જ શબવાહિનીમાં લઈ જવાતાં તંત્રનું જુઠ્ઠાણું ખુલ્લું પડ્યું છે. ગાંધીનગરના સેક્ટર-30ના મુક્તિધામમાં અંતિમ સંસ્કાર માટે એક જ શબવાહિનીમાં 4 મૃતદેહ લવાતાં સિવિલ હૉસ્પિટલ તંત્ર મોતનો મલાજો પાળવાનું ચૂક્યું હોવાનો રોષ ફેલાયો છે. જોકે, મૃત દર્દીઓના પરિવારજનોની સંમતિથી આ રીતે મૃતદેહ લઈ જવાયા હોવાનું સિવિલ તંત્ર અને ખુદ મૅયર કહી રહ્યા છે. બીજી તરફ એક મૃતકના પુત્રે આવી કોઈ જ મંજૂરી ન લેવાઈ હોવાનું કહેતાં તંત્રનું વધુ એક જુઠ્ઠાણું પકડાયું છે.

આ પણ વાંચો, અમદાવાદનાં સ્મશાનોમાં મૃતદેહોના ઢગલા, વાડજ મોક્ષધામ 24 કલાક ચાલુ

4 મૃતદેહને ગાંધીનગર સેક્ટર-30ના સ્મશાન ખાતે અંતિમસંસ્કાર માટે ખસેડાયા હતા.
4 મૃતદેહને ગાંધીનગર સેક્ટર-30ના સ્મશાન ખાતે અંતિમસંસ્કાર માટે ખસેડાયા હતા.

કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓના મૃતદેહ સીધા સ્મશાને
ગાંધીનગરના સેક્ટર-30ના સ્મશાનગૃહ પર એકસાથે ચાર કોરોના દર્દીના મૃતદેહો અંતિમવિધિ માટે ખસેડાયા હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. મોતનો મલાજો જળવાતો નથી ત્યારે લોકો આ પ્રકારની કામગીરીથી નારાજ થાય છે. કોરોનાને કારણે ગાંધીનગરના સેક્ટર-30ના સીએનજી ગેસ આધારિત સ્મશાનગૃહમાં અંતિમસંસ્કાર માટે એને ખસેડાયા હતા. ત્યારે જીજે 18 જી 8045 નંબરની એમ્બ્યુલન્સમાં એકસાથે ચાર ડેડબોડીને ખસેડાઈ હતી.

આ પણ વાંચો, વાડજ-VSની સ્મશાનની CNG ભઠ્ઠીમાં પણ 3 કલાકનું વેઈટિંગ

ગાંધીનગરના સ્મશાન બહારના એમ્બ્યુલન્સની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે.
ગાંધીનગરના સ્મશાન બહારના એમ્બ્યુલન્સની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે.

ગાંધીનગરમાં પહેલીવાર બન્યું હોવાનું મેયરે સ્વીકાર્યું
ગાંધીનગર મેયર રીટા પટેલે મીડિયા સમક્ષ સ્વીકાર્યું હતું કે આવું પહેલીવાર બન્યું છે. ત્યારે અમે જવાબદારો પાસે સ્પષ્ટતા માગી છે. શહેરના પ્રથમ નાગરિક તેમના વિસ્તારમાં આવી ઘટના બની હોવાનું કોઈપણ જાતના ખચખચાટ કર્યા વગર સ્વીકારીને માણસા, કલોલ જેવાં શહેરોમાંથી પણ મૃતદેહો અહીં આવતા હોવાના અને કોરોનાને કારણે મરતા હોવાનું સ્વીકારીને શહેરના કોરોનાને કારણે ઓછાં મોતં થયાં હોવાનું કહે છે. ત્યારે તંત્ર દ્વારા કોરોનાને કારણે થતાં મોતના આંકડામાં ઘાલમેલ થતી હોવાનું લોકો ચર્ચી રહ્યા છે.

નાયબ મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યાં
આ સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તપાસના આદેશો આપ્યા છે. બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશને સરગાસણ સ્થિત અંતિમધામમાં કોવિડના મૃતકોના અંતિમ સંસ્કાર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. સિવિલ હૉસ્પિટલની એક જ શબવાહિનીમાં કોવિડના 4 મૃતદેહ લઈ જવા અંગે ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના અધિક્ષક ડૉ. નિયતિબહેન લાખાણીને પૂછતાં તેમણે જણાવ્યું છે કે કોવિડના મૃતક દર્દીઓનાં સગાંની મંજૂરીથી લઈ જવામાં આવ્યા હતા.