કામગીરી:પાયોવિ દ્વારા 388 આવાસ તોડાયા, 170 મકાન તોડવાની કામગીરી શરૂ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી કર્મચારીઓ સામે આવાસ ઓછા, 3500થી વધુનું વેઇટિંગ

પાટનગરના સ્થાપના કાળથી સરકારી કર્મચારીઓ માટે સરકારી આવાસ બનાવેલા છે. સરકારી કર્મચારીઓ વધતા અને સામે આવાસ ઘટતા હાલ આવાસ માટે 3500થી વધુનું વેઈટિંગ છે. ત્યારે તંત્ર દ્વારા આ વેઈટિંગ ઘટાડવા માટે લાંબા સમયથી કવાયત ચાલે છે. સ્થાપના સમયે સરકાર દ્વારા બનાવાયેલા સરકારી આવાસો હવે જર્જરીત થઈ ગયા છે. ત્યારે તંત્ર દ્વારા 50 વર્ષથી જૂના આવાસ તોડવાની કામગીરી ચાલી રહી છે.

શહેરમાં સ્થાપના સમયે બનેલા આવાસોમાંથી 5566 જેટલા આવાસ ભયજનક જાહેર કરાયા હતા, જેમાંથી તંત્ર દ્વારા અત્યાર સુધી જરૂરિયાત મુજબ 388 જેટલા આવાસ તોડીને જમીન ખુલ્લી કરાઈ છે, સેક્ટર-17 સહિતના વિસ્તારમાં હાલ 170 મકાનો તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. મકાન તોડવાની સાથે તંત્ર દ્વારા સમારકામ થઈ શકે તેવા 493 આવાસોનું સમારકામ કરાયું છે. જ્યારે 497 આવાસોના સમારકામની કામગીરી હાલ મંજૂરીના લેવલ પર છે. એટલે કે શહેરમાં હજુ પણ 3483 આવાસ જર્જરીત છે. જેને આગામી સમયે તોડીને તંત્ર દ્વારા જમીનો ખુલ્લી કરવામાં આવશે.

પાંચ વર્ષમાં 314 કરોડના ખર્ચે 1400 આવાસ તૈયાર કરવામાં આવ્યા
પાટનગર યોજના વિભાગ દ્વારા છેલ્લા પાંચેક વર્ષથી નવા સરકારી આવાસો બનાવવાની કામગીરી ચાલી રહી છે. જે માટે તંત્ર દ્વારા ત્રણ માળના આવાસો તોડીને તેની સામે 7 માળના આવાસો બનાવી રહ્યાં છે.ં છેલ્લા પાંચ વર્ષમાં 314 કરોડના ખર્ચે 1400 જેટલા આવાસ બનાવાયા છે.

જેમાં સેક્ટર-6 ખાતે વીરસાવરકર નગર, સેક્ટર-7 ખાતે શ્યામજીકૃષ્ણવર્મા પાર્ક તથા સેક્ટર-6 ખાતે વંદેમાતરમ પાર્ક તૈયાર કરાયું છે. શહેરમાં હાલ સેક્ટર-6 ખાતે 59 કરોડના ખર્ચે બી ટાઈપના 280 આવાસ જ્યારે 89 કરોડના ખર્ચે સી ટાઈપના 336 આવાસ, જ્યારે સેક્ટર-29 ખાતે 131 કરોડના ખર્ચે છ ટાઈપના 560 મકાનોની કામગીરી ચાલી રહી છે.

એટલે કે સેક્ટર-6 અને સેક્ટર-29 ખાતે કુલ 1176 આવાસની કામગીરી ચાલી રહી છે.જ્યારે વર્ષની શરૂઆતમાં મુખ્યમંત્રીએ 315 કરોડના ખર્ચે 1400 જેટલા સરકારી આવાસ બનાવવાની વહીવટી મંજુરી આપેલી છે. જેનું કામકાજ આગામી સમયમાં શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...