તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિનેશન અભિયાન:જિલ્લાના 38 વૃદ્ધનાં કોરોનાથી મોત થયાં ,82725 વડીલોએ વેક્સિન લીધી તો 34517 વડીલો વંચિત

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
રસીનો 50નો સ્લોટ પૂરો થતાં વેક્સિન લીધી નથી : કલાવતીબેન - Divya Bhaskar
રસીનો 50નો સ્લોટ પૂરો થતાં વેક્સિન લીધી નથી : કલાવતીબેન
  • સરકારી ચોપડે કોરોનાથી મૃત્યુ પામનારા કુલ 84 દર્દીમાંથી 38 સિનિયર સિટીઝનનો સમાવેશ થાય છે
  • જિલ્લાના 60 વર્ષથી મોટી ઉંમરના 70.55 ટકા વડીલે વેક્સિન લીધી જ્યારે 29.44 ટકા રસી લેવાથી વંચિત રહ્યા

બીજી લહેરમાં સૌથી વધુ અસર થઇ હોય તો તે વડીલોને થવા પામી છે. કોરોનાના સંક્રમણનો ભોગ વડિલો ઝડપી બનતા હોવાથી રાજ્યના આરોગ્ય વિભાગે ગત તારીખ 1લી, જાન્યુઆરી-2021થી 60 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓને વેક્સિન આપવાનું શરૂ કરાયું હતું. જેમાં છેલ્લા ચાર માસમાં જિલ્લાના 82725 સિનિયર સિટીઝનોએ વેક્સિન લઇ લીધી છે. જ્યારે 34517 સિનિયર સિટીઝને રસી લીધી નથી.

જિલ્લામાં કોરોનાનો પગપેસારો ગત તારીખ 20મી, માર્ચ-2019ના રોજ થયો હતો. ત્યારબાદ કોરોનાએ માજા મુકતા દિન પ્રતિદિન કેસોમાં વધારો થતો રહેતા અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 19395 લોકો સંક્રમિત થયા છે. જ્યારે સરકારી ચોપડે કોરોનાથી મૃત્યુ પામનાર કુલ 84 દર્દીઓમાંથી સિનિયર સિટીઝન 38 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે કોરોનાની સાથે સાથે અન્ય બિમારી કે આડઅસરથી મૃત્યુ થનાર કુલ 2013 દર્દીઓના કોવિડની ગાઇડ લાઇન મુજબ અગ્નિસંસ્કાર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં સૌથી વધુ પ્રભાવિત વડીલોને કર્યા છે. ત્યારે વેક્સિનેશનમાં 60 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓને વેક્સિન આપવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું હતું. તેમાં વેક્સિનનો પ્રથમ ડોઝ 82725 વડીલોએ અને બીજો ડોઝ 32213 વડીલોએ લીધો જ્યારે 34517 વડીલોએ વેક્સિન લીધી નથી. આથી જિલ્લાના 60 વર્ષથી મોટી ઉંમરના કુલ-117242માંથી 70.55 ટકા એટલે 82725 લોકોએ વેક્સિન લીધી છે. જ્યારે 34517 એટલે કે 29.44 ટકા વડિલો વેક્સિન લેવાથી વંચિત રહ્યા છે. આથી સંભવિત ત્રીજી લહેરને જોતા આગામી સમયમાં રસી ન લેનાર વડીલો સામે ખતરાની શક્યતા છે.

રસીનો 50નો સ્લોટ પૂરો થતાં વેક્સિન લીધી નથી : કલાવતીબેન
માણસામાં રહેતા કલાવતીબેને જણાવ્યું છે કે 15 દિવસ પહેલા માણસા સિવિલ હોસ્પિટલમાં પ્રથમ ડોઝ લેવા ગઇ ત્યારે ફરજ ઉપરના નર્સ દ્વારા ૫૦નો સ્લોટ પૂરો થઈ ગયો છે. હવે ત્રણ દિવસ પછી સેશન છે તો ત્યારે તમે ફરીથી રસી લેવા માટે આવજો તેમ કહ્યું હતું. પરંતુ ત્રણ દિવસ પછી વાવાઝોડાના કારણે સરકારે ૫ થી ૬ દિવસ સુધી રસી આપવાનો કાર્યક્રમ મોકૂફ રાખી દીધો હતો. આથી 80 વર્ષની ઉંમરે શારીરિક રીતે અશક્ત હોવા છતાં રસી લેવા માટે ધક્કા ખાવા પડે છે. ત્યારે જેવી રીતે મતદાન સ્લીપ અને અન્ય કાર્યક્રમો તેમજ નોંધણી માટે કર્મચારીઓ ઘરે ઘરે આવે છે તે જ રીતે ઉંમરલાયક લોકો માટે ઘરે જઈને રસી આપી શકાય તેવી સરકાર દ્વારા યોગ્ય વ્યવસ્થા થવી જોઈએ.

સીધી વાત ડો.એમ.એચ.સોલંકી, જિલ્લા આરોગ્ય અધિકારી
વડીલોને રસી આપવા માટે શું પ્રયાસ કર્યા?
- દરેક તાલુકામાં અને નગરપાલિકાના સેન્ટરોમાં વેક્સિનની વ્યવસ્થા ગોઠવાઈ છે. ગ્રામ્યકક્ષાએ વધુ લોકો વેક્સિન લે તે માટે આશાવર્કરો, FHW ઘરે જઇ ગૃપ મિટીંગો કરી રસી લેવાના શું ફાયદા છે તેની જાણકારી આપે છે.

રસીથી વડીલો કેમ બાકી રહ્યા ?
- વેક્સિન લેવા અંગે લોકોના મનમાં ઉભી થયેલી ગેરમાન્યતાઓ, સોશિયલ મિડિયામાં ફરતા ખોટા મેસેજથી ખોટી માન્યતાઓ ઘર કરી જાય છે. અમને કોરોના ક્યાં થયો છે તો વેક્સિન શું કામ લેવી જોઇએ. વેક્સિન લેવા જવાથી કોરોના થશે સહિતની ગેરમાન્યતાઓના કારણે વડિલો બાકી રહ્યા છે.

બાકીના વડીલો રસી લે તે માટે શું કરશો?
- ગામના સરપંચ, અગ્રણીઓ અને તલાટીની સાથે મિટીંગ કરીને વડિલોએ વેક્સિન કેમ લેવી જોઇએ તે સમજાવવામાં આવશે. ઉપરાંત આશા વર્કરો અને એફએચડબલ્યુ દ્વારા કાઉન્સિલિંગ કરીને સમજાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...