હોળી અને ધુળેટી પર્વ નિમિત્તે પંચમહાલ, દાહોદ, ઝાલોદ સહિતના વિસ્તારોમાં ડેપોની 35 બસો દોડાવવામાં આવશે. જેમાં 25 બસોને અમદાવાદ ડેપો મોકલવામાં આવશે. જ્યારે 10 જેટલી બસો ડેપોમાંથી દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
નગરની વિવિધ બાંધકામ સાઇટ ઉપર મજુરી કામ કરતા શ્રમજીવીઓને હોળી-ધુળેટી પર્વ નિમિત્તે તેમના વતન દાહોદ, પંચમહાલ, ઝાલોદ સહિતના વિસ્તારોમાં જતા હોય છે. ત્યારે તેઓના માટે એસ ટી નિગમ દ્વારા બસની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
તેમાં સેન્ટ્રલ કામગીરીના ભાગરૂપે અમદાવાદ ડેપોમાંથી બસો દોડાવવામાં આવે છે. જેના માટે નજીકના ગાંધીનગર ડેપોમાંથી દરરોજની 25 બસો મોકલવામાં આવે છે. આ બસોને અમદાવાદ ડેપોમાંથી ઉપરોક્ત સ્થળોએ મોકલવામાં આવે છે.
ઉપરાંત નગરના ડેપોમાં આવેલા મુસાફરો માટે દરરોજની દસેક બસો દોડાવવામાં આવે છે. વધુમાં ફાગણી પૂર્નિમાને પગલે ડાકોર, અંબાજી, પાવાગઢ સહિતના મંદિરોમાં દર્શન માટે જતા મુસાફરો માટે પણ બસનું આયોજન કરાશે. ઉપરાંત વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા યોજનાર કાર્યક્રમમાં મહિલાઓને લાવવા અને લઇ જવા માટે ડેપોની દસ બસો આપવામાં આવનાર છે. આથી ડેઇલી અપડાઉન કરતા મુસાફરોને હાલાકી પડવાની શક્યતા રહેલી છે.
તહેવારોને લઇ ગાંધીનગર ડેપોમાંથી બસને અન્યત્ર મુકવામાં આવતી હોવાથી રોજીંદા મુસાફરોને ભારે મુશ્કલીનો સામનો કરવો પડે છે. ડેપોમાંથી બસ ફાળવી દેવામાં આવતા રોજ ગાંધીનગર અપડાઉન કરતાં મુસાફરોને હેરાન થવાનો વારો આવે છે અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં દોડતી ટ્રીપ કેન્સલ કરી દેવાતા મુસાફરો રઝળી પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.