રાજ્યમાં અમદાવાદ-ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી 31 ડિસેમ્બર,2022ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રૂ. 34.76 કરોડનો દેશી, વિદેશી દારૂ અને બીયર પકડાયો હોવાનું સરકારે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલના જવાબમાં કહ્યું હતું. રાજ્ય સરકારે સ્વીકાર્યું હતું કે, દારૂની હેરફેર કરનાર અને સંગ્રહ કરવામાં સંડોવાયેલા 360 આરોપીઓને હજુ પકડવાના બાકી છે.
રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ અને ગાંધીનગરના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી 1 જાન્યુઆરી, 2021થી 31 ડિસેમ્બર, 2021 સુધીમાં દેશી દારૂનો 1.37 લાખ લીટરનો રૂ. 27.40 કિંમતનો જથ્થો પકડાયો હોવાનું ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લેખિતમાં જણાવ્યું હતું.
પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો
સરકારે વધુમાં કહ્યું હતું કે, વર્ષ 2021માં રૂ. 16 કરોડની 4.57 લાખ વિદેશી દારૂની બોટલ, જ્યારે બીયરની રૂ. 47.87 લાખની 46 હજારથી વધુ બોટલ પકડાઇ છે. જ્યારે તે પછીના વર્ષમાં એટલે કે 1 જાન્યુઆરી, 2022થી 31 ડિસેમ્બર, 2022 સુધીના સમયગાળા દરમિયાન આ જ વિસ્તારોમાં 28.27 કિંમતનો 1.41 લાખ લીટર દેશી દારૂ, જ્યારે કુલ 17 કરોડની કિંમતની વિદેશી દારૂની 6.66 લાખ બોટલ તથા બિયરની 58 લાખની 52 હજારથી વધુ બોટલ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી હતી.
ઢગલાબંધ નશીલા દ્વવ્યો પકડાયા
સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ કરેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, 2022ના વર્ષમાં મહિસાગર અને છોટા ઉદેપુર જિલ્લામાંથી 500 ગ્રામ મેફેડ્રોન અને 915 કિલો પોષ ડોડા તથા 1590 કિલો ગાંજો મળી આવ્યો હતો. આ તમામ નશીલા દ્વવ્યોની કુલ કિંમત 2 કરોડ 35 લાખ રૂપિયા કરતા પણ વધી જાય છે. જ્યારે જિજ્ઞેશ મેવાણીના પ્રશ્નના જવાબમાં સરકારે કચ્છ જિલ્લામાંથી ઢગલાબંધ નશીલા દ્વવ્યો પકડાયા હોવાનું સ્વીકાર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.