કોરોના સંક્રમણ:જુલાઇ માસના 9 દિવસમાં કોરોનાના 339 કેસ : નવા 46 કેસ નોંધાયા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વધુ 16 વિદ્યાર્થી સંક્રમિત : વધુ 31 દર્દી સાજા થયા

કોરોનાની ચોથી લહેર શરૂ થઇ ગઇ હોવા છતાં રાજ્ય સરકારને મેળાવડા કરવામાં જ રસ છે. જેને પરિણામે જિલ્લામાં ચાલુ જુલાઇ માસના માત્ર નવ દિવસમાં જ કોરોનાના કુલ કેસ-339 થયા છે. જોકે શનિવારે જિલ્લામાંથી નવા નોંધાયેલા કોરોનાના 46 કેસમાંથી 16 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. કોરોનાની સારવારથી વધુ 31 દર્દીઓ સાજા થયા છે. બે વર્ષમાં લોકોને કોરોનાની ત્રણ લહેરનો અનુભવ થઇ ગયો છે. જોકે ત્રણ લહેર સુધી રાજ્ય સરકાર તરફથી કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરાવવામાં આવતું હતું.

ઉપરાંત મેળાવડા સહિતના કાર્યક્રમો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો તેમજ કાર્યક્રમમાં સંખ્યા મર્યાદિત કરી દેવામાં આવી હતી. જોકે હાલમાં કોરોનાની ચોથી લહેર શરૂ થઇ ગઇ હોવા છતાં પ્રિકોશનના ભાગરૂપે કોરોનાની ગાઇડ લાઇનમાંથી એકપણ નિયમની અમલવારી કરાઈ રહી નથી.

રાજ્ય સરકાર મેળાવડા કરવામાં મશગૂલ બની છે. જોકે કોરોનાની વર્તમાન સ્થિતિને જોતા આરોગ્ય તંત્રના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આગામી તહેવારો આવતા હોવાથી કોરોનાની ચોથી લહેર વધારે બેકાબુ બનવાની શક્યતા રહેલી છે. જોકે હાલમાં કોરોનાના લક્ષણો માઇલ્ડ હોવાથી હોસ્પિટલાઇઝ થવાની જરૂર પડતી નથી. પરંતુ તેને ઇગ્નોર કરવું તે પણ યોગ્ય નથી.

કોરોનાનું સંક્રમણ પીકઅપ પકડતા ચાલુ જુલાઇ માસના માત્ર નવ જ દિવસમાં જિલ્લામાંથી કોરોનાના કુલ-339 કેસ નોંધાયા છે. તેમાં મનપા વિસ્તારમાંથી 221 અને ચાર તાલુકામાંથી 118 કેસનો સમાવેશ થાય છે. જ્યારે તેની સામે સારવારથી સાજા થયેલા 160 દર્દીઓમાંથી મનપા વિસ્તારમાંથી 104 અને ચાર તાલુકામાંથી 56 દર્દીઓનો સમાવેશ થાય છે. શનિવારે નોંધાયેલા નવા 46 કેસમાં 16 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. મનપા વિસ્તારમાંથી 27 અને ચાર તાલુકામાંથી 19 કેસ છે.

પાટનગરના વધુ 27 લોકો સંક્રમિત
મનપાના આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ આઇઆઇટીમાંથી 18 વર્ષીય, 28 વર્ષીય, 9 વર્ષીય, બે 19 વર્ષીય વિદ્યાર્થીઓ તથા 38 વર્ષીય યુવાન અને 66 વર્ષીય મહિલા, સેક્ટર-12માંથી 23 વર્ષીય, 20 વર્ષીય વિદ્યાર્થીનીઓ, 19 વર્ષીય વિદ્યાર્થી, પેથાપુરમાંથી 24 વર્ષીય વિદ્યાર્થી, 17 વર્ષીય વિદ્યાર્થીની, 54 વર્ષીય આધેડ અને 46 વર્ષીય મહિલા, રાંદેસણની 33 વર્ષીય મહિલા, સરગાસણમાંથી 27 વર્ષીય યુવતી, કુડાસણની 28 વર્ષીય યુવતી અને 29 વર્ષીય યુવાન, પાલજનો 23 વર્ષીય વિદ્યાર્થી, રાયસણનો 39 વર્ષીય યુવાન, સેક્ટર-28માંથી 22 વર્ષીય વિદ્યાર્થીની, 56 વર્ષીય મહિલા, સેક્ટર-24નો 40 વર્ષીય યુવાન, સેક્ટર-3ના 50 વર્ષીય આધેડ, સેક્ટર-7ની 42 વર્ષીય મહિલા, સેક્ટર-14ની 33 વર્ષીય મહિલા, સેક્ટર-8નો 20 વર્ષીય વિદ્યાર્થી કોરોનામાં સપડાયો છે.

અન્ય સમાચારો પણ છે...