સમસ્યાની વર્ષા:કલોલમાં 3 કલાકમાં 3.36 ઈંચ ગાંધીનગર-માણસામાં 2 ઈંચ, જિલ્લાનો કુલ વરસાદ 48.47 ટકા વરસાદ છતાં હજી 52 ટકાની ઘટ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલવે સ્ટેશન પાસેના અંડરપાસમાં પાણી ભરાતાં વાહનચાલકો હેરાન થયા હતા. - Divya Bhaskar
રેલવે સ્ટેશન પાસેના અંડરપાસમાં પાણી ભરાતાં વાહનચાલકો હેરાન થયા હતા.
  • ઑગસ્ટ સુધીમાં માત્ર 24.85 ટકા વરસાદ જ્યારે સપ્ટેમ્બરના 10 દિવસમાં જ 24 ટકાનો વધારો
  • ગાંધીનગરની સોસાયટીઓ અને અંડરપાસ પાણીમાં ગરકાવ થયા
  • ચોમાસુ પાક માટે નવી આશા, ખરીફ પાકને પાણી આપવાનો ખર્ચ બચ્યો

જિલ્લાના સરેરાશ વરસાદમાં સપ્ટેમ્બર મહિનાના માત્ર 10 દિવસમાં જ 24 ટકાનો વધારો થયો છે. જોકે હજુ 52 ટકા વરસાદની ઘટ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 14.84 ઈંચ વરસાદ પડ્યો છે. ગણેશ ચતુર્થીની મધ્યરાત્રીના 2 કલાકથી સવારના 6 કલાક સુધી સરેરાશ કુલ 51.75 મીમી એટલે કે 2 ઈંચ વરસાદ પડ્યો છે.જિલ્લાના ચારેય તાલુકામાં સૌથી વધુ વરસાદ કલોલ તાલુકામાં 84 મીમી એટલે કે 3.36 ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે ગાંધીનગરમાં 49 મીમી, માણસામાં 41 મીમી અને દહેગામમાં 33 મીમી વરસાદ પડ્યો છે. ઓગસ્ટ માસ સુધીમાં જિલ્લામાં માંડ 24.85 ટકા એટલે કે 190 મીમી વરસાદ પડ્યો હોવાનું ડિઝાસ્ટર મૅનેજમેન્ટની વેબસાઇટ પરથી જાણવા મળે છે.

રહીશો હેરાન
રહીશો હેરાન

સપ્ટેમ્બરના પ્રારંભ સાથે જ વરસાદે જમાવટ કરતાં માત્ર 10 દિવસમાં જિલ્લામાં સરેરાશ કુલ વરસાદ 48.47 ટકા એટલે કે 371 મીમી થઈ ગયો છે.2 દિવસથી પડી રહેલા વરસાદને પગલે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાતાં સ્થાનિક લોકોને હાલાકી વેઠવાની ફરજ પડી છે. ઉપરાંત રોડ ઉપર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે. વરસાદના આગમન અંગે ખેડૂતોના જણાવ્યા મુજબ ખરીફ પાકને પાણી આપવાના ખર્ચમાંથી ખેડૂતોને આર્થિક રાહત મળશે. વરસાદથી ચોમાસુ પાકને ફાયદાકારક બની રહેશે.

મહુડી પાસેની સાબરમતીમાં પાણી આવ્યું
2 દિવસથી ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે સૂકા રહેલા વેકળા વહેતા થતાં તે પાણી સાબરમતી નદીમાં ઠલવાયું હતું. આથી ખડાતથી મહુડી સુધીના નદીમાં પાણી વહેતું જોવા મળતું હતું પરંતુ આ પાણી નદીમાંથી રેતી ઉલેચતાં ભૂમાફિયાઓને કારણે પાણી ખાડામાં જ ભરાઈ ગયું હોવાથી લાકરોડા ડેમ સુધી પહોંચ્યું નથી. આથી લાકરોડા ડેમના સંચાલકોના જણાવ્યા મુજબ ડેમનું તળિયું હજુ ઢંકાયું નથી.

ચારેય તાલુકામાં 24 કલાકમાં નોંધાયેલો વરસાદ

તાલુકોવરસાદ
કલોલ84 મીમી
ગાંધીનગર49 મીમી
માણસા41 મીમી
દહેગામ33 મીમી
ગાંધીનગર શનિવારે મળસકે પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરના રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યાં હતાં.
ગાંધીનગર શનિવારે મળસકે પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરના રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યાં હતાં.

શનિવાર સાંજ સુધીમાં 4 ઈંચ ધોધમાર વરસાદ પડ્યો
શહેરમાં શનિવારે વહેલી સવારે 3 કલાકમાં 3.24 ઇંચ પાણી પડતાં નીચાણવાળા વિસ્તારો તથા માર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ધોધમાર વરસાદને કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી તો ગ્રામ્ય વિસ્તારમાં વાયા-વોકળા બે કાંઠે વહેતા થયા હતા. સારા વરસાદનાં કારણે ખેતરમાં સુકાતા પાકો તથા જીવસૃષ્ટીને નવજીવન મળ્યું છે પરંતુ બીજી તરફ શહેરી વિસ્તારમાં પાણી ભરાવાના કારણે સમસ્યા જોવા મળી હતી.

કલોલ શહેરમાં શનિવારની પૂર્વ રાત્રીથી શનિવારે સાંજના 4 વાગ્યા સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે ટાવર ચોક પાસે, બસ સ્ટેન્ડથી રેલ્વે સ્ટેશન રોડ પર, અંડરબ્રિજ પાસે, કલોલ એસટી ડેપો પાસે, વેપારીજીન વિસ્તારમાં, સત્યનારાણ મંદિરની ચાલી પાસે તથા વિષ્ણુ ટોકીઝ પાસે માર્ગો પર પાણી ભરાઇ ગયા હતા.

માણસા દોઢ ઈંચ વરસાદને કારણે માણસા-ગાંધીનગર હાઈ-વે પર તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં લોકોને મુશ્કેલી પડી હતી.
માણસા દોઢ ઈંચ વરસાદને કારણે માણસા-ગાંધીનગર હાઈ-વે પર તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં લોકોને મુશ્કેલી પડી હતી.

વહેલી સવારના 2 કલાકમાં 1 ઈંચ, 3 ફૂટ પાણી ભરાયાં
દહેગામ પંથકમાં 3 દિવસથી મેઘમહેર થઈ રહી હતી. ગુરુવારે બપોરે 2 કલાકમાં 3 ઈંચ જ્યારે શુક્રવારે મોડી રાત્રે ઝરમર વરસાદ વરસ્યો હતો. શનિવારે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના 2 કલાકમાં 1 ઇંચ નોંધાયો હતો. વરસાદથી દહેગામના ચિલોડા-ગાંધીનગર રોડ પરના રેલવે અન્ડરપાસ અને સોલંકીપુરા અન્ડરપાસમાં 2થી 3 ફૂટ જેટલું પાણી ભરાતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. રેલવે અંડરપાસમાં પાણી ભરાતાં વાહનો બંધ પડી ગયાં હતાં તો કેટલાય લોકોને વાહનોને ધક્કા મારીને બહાર નીકળવું પડ્યું હતું.

ગાંધીનગર ગ-4 ખાતે અંડર પાસની કામગીરી માટે ખોદાયેલા ખાડામાં પાણી ભરાઈ જતાં કામગીરીને અસર પહોંચી હતી.
ગાંધીનગર ગ-4 ખાતે અંડર પાસની કામગીરી માટે ખોદાયેલા ખાડામાં પાણી ભરાઈ જતાં કામગીરીને અસર પહોંચી હતી.
અન્ય સમાચારો પણ છે...