વિધાનસભામાં મંત્રીનો જવાબ:ગાંધીનગર જિલ્લામાં દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના હેઠળ મળેલી 320 અરજીઓ મંજૂર કરી રૂ. 5.39 લાખ રકમ ચૂકવાઈ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર જિલ્લામાં દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજનાની અમલવારી અંગે વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેનો ઉત્તર આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના હેઠળ 1-1-2022 થી 31-12-2022 સુધીના સમયગાળામાં કુલ 320 અરજીઓ મળી હતી. જે પૈકીની તમામ અરજીઓને મંજૂર કરી કુલ રૂ. 5,39,500 જેટલી રકમની ચૂકવણી પણ કરી દેવામાં આવી છે.
દિવ્યાંગોને કેટલી શિષ્યવૃતિ મળી?
આ યોજનામાં મળતી સહાય અંગે વિસ્તૃત માહિતી આપતા મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, 40 ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે. જેમાં ધોરણ 1 થી 8 સુધીના બાળકોને અભ્યાસ માટે રૂ. 1500 તેમજ ધોરણ 9 થી 12 અને આઇટીઆઇ સમકક્ષ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ. 2000 શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત હોસ્ટેલમાં રહેતા હોય તેવા વિદ્યાર્થીઓને હોસ્ટેલ માટે રૂ. 2500 ચૂકવવામાં આવે છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બીએ, બીએસસી જેવી સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રૂ. 3000 અને હોસ્ટેલ માટે રૂ. 3750 આપવામાં આવે છે. બીઇ, બીટેક અને એમબીબીએસ સમકક્ષ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રૂ. 3500 અને હોસ્ટેલ માટે રૂ. 4500 આપવામાં આવે છે. સાથે જ અનુસ્નાતક સમકક્ષ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ. 3500 અને હોસ્ટેલ માટે તેઓને રૂ. 4500 ચૂકવવામાં આવે છે.
શિષ્યવૃત્તિ સહાય માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે
સભ્ય દ્વારા અરજી મંજૂર કરવાની સત્તા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા મંત્રીએ ઉમેર્યું હતું કે, દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેને મંજૂર કરવાની સત્તા સંબંધિત જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારીને આપવામાં આવેલી છે. તેમને મળેલી અરજીઓમાં જરૂરી પ્રમાણપત્રોની ચકાસણી કરીને અરજી મંજૂર કર્યા બાદ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર- ડીબીટીના માધ્યમથી સીધી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...