જીવલેણ હુમલો:ગાંધીનગરના અડાલજના 32 વર્ષીય જમીન દલાલ પર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો, સારવાર માટે ખસેડાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી

ગાંધીનગરના અડાલજ ખાતે રહેતા 32 વર્ષીય જમીન દલાલને ખ રોડ પર આંતરીને સ્વીફટ કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ ગડદાપાટુનો મારમારી છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરાતાં પોલીસ ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે. હાલમાં ગંભીર રીતે ઘાયલ યુવાનને ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે.

રાજયના પાટનગર ગાંધીનગરનાં ખ રોડ પર આજે મંગળવારે થોડા વખત પહેલાં બ્રેજા કારના ચાલક પર નંબર પ્લેટ વિનાની કારમાં આવેલા અજાણ્યા આઠેક શખ્સોએ ઘાતકી હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બનવા પામી છે. મળતી વિગતો મુજબ અડાલજ ખાતે રહેતા 32 વર્ષીય ધવલસિંહ ગાભાસિંહ ઠાકોરનાં પરિવારમાં પત્ની તેમજ બે સંતાનો છે.

ગાંધીનગરમાં જમીન દલાલીનો ધંધો કરતા ધવલસિંહ ઠાકોર આજે ઢળતી રાત્રે પોતાની કાર લઈને ઘર તરફ રવાના થતાં હતાં. એ દરમિયાન ખ રોડ પર નંબર પ્લેટ વિનાની કારમાં આવેલા આઠ થી નવ શખ્સોએ તેમની કારને આંતરી લીધી હતી. ઘાતક હથિયારો સાથે આવેલા શખ્સોએ ધવલસિંહને કોઈ બાબતે માથાકૂટ કરીને ગડદાપાટુનો માર માર્યો હતો.

બાદમાં અજાણ્યા શખ્સોએ ધવલસિંહની હત્યા કરવાનાં આશયે છરી વડે આડેધડ ઘા ઝીકવામાં આવ્યા હતા. અને તેમની કારમાં પણ તોડફોડ કરી હતી. આ ફિલ્મી દ્રશ્યો જોઈને રાહદારી વાહનચાલકો પણ ડઘાઈ ગયા હતા. અને ભીડ એકઠી થઈ ગઈ હતી. ઘાતકી હુમલો કર્યા પછી હુમલાખોરો નાસી ગયા હતા. પરંતુ જે છરી વડે હુમલો થયો કર્યો હતો એ સ્થળ પર ઝપાઝપી દરમિયાન પડી ગઈ હતી.

આ અંગે કંટ્રોલમાંથી વરધી મળતાં સ્થાનિક પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત ધવલસિંહને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર કરી તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ રીફર કરાયા હતા. જો કે પરિવારજનો તેમને ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. આ અંગે હાલમાં પોલીસ દ્વારા ઈજાગ્રસ્તનું નિવેદન લઈ ફરિયાદ નોંધાવા કાર્યવાહી કરાઈ રહી છે. કહેવાઈ રહ્યું છે દલાલીની માથાકૂટમાં ખૂની ખેલ ખેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...