તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સજ્જતા સર્વેક્ષણથી 4240 પૈકી 3196 શિક્ષકો અળગા રહ્યા!

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સર્વેક્ષણનાં 237 સેન્ટર પૈકી મોટા ભાગનાં ખાલીખમ , માત્ર 1044 શિક્ષકો જ સર્વેક્ષણમાં હાજર રહ્યા !

રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોના વિરોધ વચ્ચે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મંગળવારે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ યોજવામાં આવ્યું હતું. બપોરે 2.00 થી 4-30 કલાક સુધી સર્વેક્ષણ યોજવામાં આવનાર હતું. જિલ્લાના કુલ-237 સેન્ટરોમાં 4240 શિક્ષકોમાંથી 1044એ સર્વેક્ષણમાં ભાગ લીધો અને 3196 શિક્ષકોએ બહિષ્કાર કર્યો હોવાનો દાવો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કર્યો છે. સર્વેક્ષણ મરજિયાત હોવાથી શિક્ષકો લાભ લે તે માટે શિક્ષણ વિભાગે તમામ પ્રકારના પ્રયાસો કર્યા હતા.

સર્વેક્ષણના તારણોના આધારે શિક્ષકોની તાલીમ સહિતનું આયોજન કરાશે તેમ શિક્ષણ વિભાગે આદેશમાં ઉલ્લેખ કર્યો હતો. તેમ છતાં રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોએ સર્વેક્ષણ નહી યોજવાની માંગ બુલંદ કરી હતી. આથી શિક્ષકોના અવાજને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વાચા આપી હતી. સર્વેક્ષણમાં વધુને વધુ શિક્ષકો ભાગ લે તે માટે છેલ્લી ઘડીના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ તારીખ 24મી, મંગળવારે યોજાયેલા સર્વેક્ષણમાં શિક્ષકોની એકતા સામે આવતા તેનો બહિષ્કાર કરવામાં આવ્યો હોય તેમ સર્વેક્ષણ સેન્ટરો શિક્ષકો વિના ખાલીખમ જોવા મળતા હતા.

જિલ્લાના કુલ 4240 પ્રાથમિક શિક્ષકો માટે જિલ્લામાં કુલ 237 જગ્યાએ સર્વેક્ષણ સેન્ટરો ઉભા કરવામાં આવ્યા હતા. તેમાં જિલ્લાના કુલ 4240માંથી 3196 શિક્ષકોએ બહિષ્કાર કર્યો છે. જ્યારે 1044 શિક્ષકોએ સર્વેક્ષણમાં ભાગ લીધો હોવાનું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગાંધીનગર જિલ્લાના પ્રમુખ હર્ષદ પટેલે દાવો કર્યો છે.

તાલુકાવાર સર્વેક્ષણમાં હાજર અને ગેરહાજર શિક્ષકોની સંખ્યા
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગાંધીનગર દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ ગાંધીનગર તાલુકાના કુલ 1286 શિક્ષકોમાંથી 1056 ગેરહાજર અને 230 હાજર રહ્યા હતા. માણસા તાલુકાના 639માંથી 472 ગેરહાજર અને 167 હાજર, કલોલ તાલુકાના 1065માંથી 831 ગેરહાજર અને 234 હાજર રહ્યાં હતાં. દહેગામ તાલુકાના કુલ 1250માંથી 837 ગેરહાજર અને 413 હાજર રહ્યા હોવાનું મહાસંઘના પ્રમુખ હર્ષદ પટેલે જણાવ્યું છે.

તાલીમમાં પ્રા. શિક્ષકોની 100 ટકા હાજરી નોંધાઇ
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ અગાઉ પ્રાથમિક શિક્ષકો માટે બાયસેગના માધ્યમથી તાલીમ યોજવામાં આવી હતી. તેમાં જિલ્લાના 237 સેન્ટરોમાં યોજાયેલી તાલીમમાં તમામ શિક્ષકોની હાજરી જોવા મળતી હતી. બાયસેગના માધ્યમથી ધોરણ-1થી 8ના શિક્ષકો માટે તાલીમ યોજવામાં આવી હતી.

શિક્ષણ તંત્રે આંકડો આપવામાં ચુપકીદી સાંધી
શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં જિલ્લાના કેટલા શિક્ષકો હાજર અને કેટલા ગેરહાજર રહ્યા તે અંગે પૂછતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચના પ્રજાપતિએ જણાવ્યું છે કે સર્વેક્ષણ મરજિયાત હોવાથી શિક્ષકો ગેરહાજર રહ્યા તે બાબત રહેતી જ નથી.

અન્ય સમાચારો પણ છે...