આરટીઆઈમાં ખુલાસો:કલોલ નગરપાલિકાનું 31.10 લાખનું કોલેરા કૌભાંડ બહાર આવ્યું, બાઈક અને કારને પાણીના ટેન્કરો બતાવી બિલ ચૂકવી દીધા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • જુલાઈ - 2021માં કલોલ રેલવે વિસ્તારમાં કોલેરા ફાટી નીકળતા પાણી પુરવઠો બંધ કરી દેવાયો હતો
  • ટેન્કરો મારફતે પાણી પૂરૂ પાડવામાં આવ્યુ હતું, તેમાં કૌભાંડ આચરાયું હોવાનો આક્ષેપ
  • આરટીઆઈ મારફતે માહિતી માંગવામાં આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું

ગાંધીનગરના કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં જુલાઈ - 2021 માં કોલેરા રોગ ફાટી નીકળતા કલેકટરે અત્રેના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો હતો. ત્યારે કલોલ નગરપાલિકા તંત્ર એ પાણી પુરવઠો બંધ કરીને પૂર્વ વિસ્તારમાં ટેન્કરો મારફતે પાણી પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં કલોલ નગરપાલિકા તંત્ર દ્વારા પાણીના ટેન્કરોની જગ્યાએ બાઈક, ફોર વ્હીલ ગાડી જેવા વાહનોને પાણીના ટેન્કરો દર્શાવીને રૂ. 31.10 લાખના બીલો ચૂકવી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું RTO કચેરીમાં કરવામાં આવેલી આરટીઆઈમાં ખુલાસો થયો છે.

કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં જુલાઈ - 2021 માં પાણી જન્ય રોગચાળો ફાટી નિકળ્યો હતો. ઝાડા ઉલ્ટીના કેસોમાં નોંધપાત્ર વધારો થતાં તેમજ ઘરે ઘરે બીમારીના ખાટલા થઈ ગયા હતા. શ્રેયસ છાપરા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી સહિત ત્રણ લોકોના મોત પણ થયાં હતાં. જેમાં એક જ પરિવારના પિતા-પુત્ર પણ મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા.

આ ઘટનાને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા ઉપરોક્ત વિસ્તારનાં બે કિલોમીટરના એરિયાને કોલેરા ગ્રસ્ત જાહેર કરીને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મામલતદારની નિમણૂક પણ કરવામાં આવી હતી. બીજી તરફ કલોલ નગરપાલિકા તંત્ર દ્વારા અહીંના વિસ્તારમાં પાણીનો પુરવઠો બંધ કરી દઈ ટેન્કરો મારફતે પીવાનું પાણી પહોંચતું કરવામાં આવ્યું હતું. જોકે, આ પાણીના ટેન્કરોની જગ્યાએ નગરપાલિકા તંત્ર દ્વારા બાઈક, ફોર વ્હીલ વાહનોને પણ કાગળ ઉપર પાણીના ટેન્કરો દર્શાવીને બિલ ચૂકવી 31.10 લાખનો કથિત ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.

આ મામલે કલોલ મુકામે રહેતા આઇટીઆઈ એક્ટિવીસ્ટ કાનજી વાઘેલાએ માહિતી અધિકાર હેઠળ આરટીઓ કચેરીમાંથી તેમજ નગર પાલિકા તંત્ર પાસેથી પણ પાણી પેટે કયા ક્યાં નંબરના વાહનોને બિલ ચૂકવવામાં આવ્યા તેની માહિતી માંગવામાં આવતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. જે અન્વયે નગરપાલિકા દ્વારા કાગળ ઉપર જે વાહનોને પાણીના ટેન્કર દર્શાવીને બીલો ચૂકવવામાં આવ્યા હતા એ વાસ્તવમાં બાઈક, બોલેરો ગાડી, એક ફોર વ્હીલ કારનાં નંબરો હોવાનું બહાર આવ્યું હતું.

આ સમગ્ર કૌભાંડ બાબતે કાનજીભાઈ આજદિન સુધી લડત આપી રહ્યા છે. છતાં આખા કૌભાંડને દાબી દેવાની પેરવી કરાઈ રહી હોવાનો તેમણે આક્ષેપ કરીને જણાવ્યું હતું કે, જુલાઈ - 2021 માં રેલવે પૂર્વમાં કોલેરા ફાટી નિકળ્યો ત્યારે નગરપાલિકા દ્વારા ટેન્કરો મારફતે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો. જે પાણી પેટે રૂ. 31.10 લાખનું ચુકવણું કર્યાની વિગતો આરટીઆઈથી માંગવામાં આવી હતી. જેમાં દર્શાવેલા વાહનોના નંબરોની તપાસ કરવા RTOમાં પણ માહિતી અધિકાર હેઠળ વિગતો મેળવી હતી.

જેમાં બહાર આવ્યું છે કે નગરપાલિકા દ્વારા જે વાહનોને પાણીના ટેન્કરો દર્શાવીને લાખો રૂપિયાનું ચુકવણું કરવામાં આવ્યું હતું. એ વાસ્તવમાં વાહનો પલ્સર, બોલેરો, આઈસર અને ઈન્ડિકા કારના નંબરો છે. જેથી આ ભ્રષ્ટાચાર મામલે મુખ્યમંત્રી દ્વારા તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા મારી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...