કોરોનાનો કહેર:મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના માતા સહિત જિલ્લામાં નવા 30 કેસ

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વધુ 10 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ
  • કલોલના વૃદ્ધાના મોતથી મૃત્યુનો કુલ આંકડો 59એ પહોંચ્યો

રાજ્યકક્ષાના કેન્દ્રિય કૃષિ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના 92 વર્ષીય માતૃશ્રી, ખાનગી તબિબ, રીક્ષા ચાલક, બેન્ક ઓફ બરોડાના બાન્ચ મેનેજર, શિક્ષક, એમઆર, સુપરવાઇઝર અને મેરીટાઇમ બોર્ડના સિનિયર ક્લાર્ક સહિત નવા 30 વ્યક્તિઓ સંક્રમિત થયા છે. આથી જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 817એ પહોંચી છે. જ્યારે વધુ 10 દર્દીઓએ કોરોનાને હરાવતા અત્યાર સુધી 563 દર્દીઓ સાજા થઇ ગયા છે. જ્યારે કલોલના 70 વર્ષીય વૃદ્ધાનું મોત નિપજ્યું છે. આથી કુલ મોતનો આંકડો 59એ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાના કેન્દ્રિય કૃષિ મંત્રીના 92 વર્ષીય માતૃશ્રી અમરેલી ખાતે દિકારની સાથે રહેતા હતા. જોકે પડી જવાથી ફેક્ચર થયું હોવાથી ઓપરેશન માટે હાઇટેક હોસ્પિટલમાં લાવ્યા હતા. ઓપરેશન પહેલાં કોવિડનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. મંત્રીના માતૃશ્રીને સેક્ટર-20 ખાતેના મકાનમાં જ સારવાર આપવામાં આવી રહી છે. મનપાના આરોગ્યતંત્રના જણાવ્યા મુજબ મંત્રીના માતૃશ્રી અમરેલીના હોવાથી કેસ ગાંધીનગરમાં ગણાશે નહી. નવા 30 કેસમાંથી કલોલમાં 14, મનપામાં 6, ગાંધીનગર ગ્રામ્યમાં 5, દહેગામમાં 3 અને માણસામાંથી 2 કેસ નોંધાયા છે. કલોલમાં અને આજુબાજુના ગામડાઓમાં કોરોના ભયજનક હદે પ્રસરી રહ્યો છે. જેમાં વધુ 9 દર્દીઓ મળી આવ્યા હતા.

દહેગામના શિક્ષક, MR અને માણસાના સુપરવાઇઝર સહિત 5 વ્યક્તિને કોરોના
દહેગામ તાલુકામાં નવા ત્રણ કેસમાં ઝિંડવાની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા દિવ્યશક્તિ સોસાયટીમાં રહેતા આધેડ સંક્રમિત થયા છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં એમઆર તરીકેનું કામ કરતા અનુરાધા સોસાયટીમાં રહેતા યુવાન સંક્રમિત થયો છે. જ્યારે સહજાનંદ રેસિડન્સીમાં રહેતી મહિલા કોરોનામાં સપડાઇ છે. જ્યારે માણસા તાલુકામાં નગરપાલિકા વિસ્તારમાં રહેતા વૃદ્ધ અને ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો યુવાન સંક્રમિત થયો છે. યુવાન સિવીલ હોસ્પિટલના કર્મચારીઓના સ્ટાફ ક્વાટર્સમાં રહે છે. પરંતુ 2 દિવસ અગાઉ વતન માણસામાં આવ્યો હતો. 

તબીબ, બ્રાન્ચ મેનેજર, મેરીટાઇમ બોર્ડના ક્લાર્ક સહિત 6ને ચેપ લાગ્યો
મનપા વિસ્તારમાં દસેક દિવસ પહેલાં મુંબઇના રાયગઢથી આવેલો સેક્ટર-25નો યુવાનને કોરોના થયો, જે કલ્પતરૂ ટ્રાન્સમીશન કંપનીમાં નોકરી કરે છે. જ્યારે સેક્ટર-3-ડીના ખાનગી તબીબનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉપરાંત સેક્ટર-23નો 61 વર્ષીય વૃદ્ધ અને સેક્ટર-26માં આવેલી BOBની બ્રાન્ચની મેનેજર મહિલા સંક્રમિત થઈ છે. રાંધેજાની ગાંધીનગર ઇન્ટરનેશનલ સ્કુલમાં નોકરી કરતા સેક્ટર-8-બીના આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારની 3 વ્યક્તિઓેને કોરન્ટાઇન કરી છે. જ્યારે સેક્ટર-10ના મેરીટાઇમ બોર્ડની કચેરીમાં સિનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતા સેક્ટર-13-ડીના યુવાન કોરોનાથી સંક્રમિત થયો છે. 

રિક્ષાચાલક અને ફિલ્ડવર્ક કરતો યુવાન સહિત 5ને કોરોના
ગાંધીનગર તાલુકામાં મોટા ચિલોડામાં શિવશક્તિ કોમ્પ્લેક્ષમાં રહેતી મહિલાને કોરોના, જ્યારે પેથાપુરના યુવાનના ભાઇનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહુન્દ્રાના રીક્ષા ચાલક પડોશીને સારવાર માટે ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં લાવ્યો હતો. જોકે પડોશી સંક્રમિત થતાં તે પણ સંક્રમિત થયો છે. ઉપરાંત ડેરી પ્રોડક્ટનું કામને લીધે અમદાવાદમાં ફિલ્ડવર્ક કરતો સરગાસણનો યુવાનને કોરોના છે. તેમજ ઘરે મિસ્ત્રીકામ કરવા આવતા માણસોના કારણે સુઘડની મહિલા સંક્રમિત થઇ છે. 

અન્ય સમાચારો પણ છે...