સિરિયલ જોઇને કિડનેપિંગનો પ્લાન ઘડ્યો:હોટલના રૂમમાં જઇ નગ્ન થયો, પોતાના શર્ટથી હાથ બાંધી લીધા અને ટાઇમરથી પોતાનો ફોટો પાડી માતાને મોકલી અપહરણનું નાટક રચ્યું

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઘરેથી નીકળી ગયો, માતાએ ફોન કર્યો તો રિસીવ ના કર્યો, મેસેજ કર્યો ‘તુમ્હારે લડકે કા કિડનેપિંગ કિયા હૈ’
  • માતા પાસે યુવાને ખંડણી પેટે10 લાખ માગ્યા, પોલીસે તપાસ કરતાં મામલો બહાર આવ્યો

ગાંધીનગરમા એક 19 વર્ષીય યુવાને પોતાના પરિવારને જ મુસીબતમા મૂકી દીધો હતો. યુવક જમીને ઘરેથી નીકળી ગયા બાદ શહેરની એક હોટલમા રોકાઇ ગયો હતો. મોડી રાત થવા છતાં દીકરો ઘરે નહિ આવતાં તેની માતાએ ફોન કર્યા હતા, પરંતુ રિસીવ કરતો ન હતો.

જ્યારે બીજા દિવસ સવારે તેની માતાને સોશિયલ મીડિયામાં ફોટો મોકલી મેસેજ કર્યો હતો કે તુમ્હારે લડકે કા કિડનેપિંગ હુઆ હૈ, વાપીસ ચાહિયે તો 10 લાખ ભેજ દો. નાણાં માટે પોતાના જ અપહરણનું તરકટ રચ્યાનો પોલીસે ભાંડો ફોડી નાખ્યો હતો. ક્રાઇમ પેટ્રોલ જોયા બાદ તેનું અનુકરણ કરી આ યુવકે આવું તરકટ રચ્યાનું બહાર આવ્યું છે. આ બનાવનો પર્દાફાશ થતાં શહેરમાં આ મામલે દિવસભર ભારે ચકચાર મચી જવા પામી હતી.

શહેરના સેક્ટર 7મા રહેતા 19 વર્ષીય યુવકને નાણાંની જરૂરિયાત ઊભી થતા પોતાનું અપહરણ થયું હોવાનું નાટક ઊભું કર્યું હતું. યુવકના પરિવારમા તેની માતા ક્લાસ 3ની સરકારી કર્મચારી છે, જ્યારે પિતા ચોકીદારી કરે છે. યુવકે કાર અકસ્માત કરતા 3 કારને નુકસાન થયું હતું, જેને નાણાં ચૂકવવાના હતા ગત 11મીની રાત્રે પરિવાર સાથે ભોજન કર્યા બાદ બહાર આંટો મારીને આવું છું કહી યુવક નીકળ્યો હતો. બીજી તરફ તેના મિત્રને કહ્યુ હતુ કે, મને સેક્ટર 16 પાસે મુકી જા. મારી ફ્રેન્ડ આવે છે એટલે મળવા જવાનુ છે.

ત્યાર બાદ યુવક મોડી રાત થવા છતાં ઘરે નહિ પહોંચતાં તેના ઘરેથી ફોન આવતા હતા, પરંતુ આ યુવક ફોન રીસીવ કરતો નહોતો. તે રાત્રિએ સેક્ટર 16ની હોટલમાં રોકાઇ ગયો હતો અને સવારે તેની માતાના મોબાઇલ ઉપર એક મેસેજ કર્યો હતો, જેમાં તેને બાંધી રખાયો હોય તેવો નગ્ન ફોટો મોકલ્યો હતો અને કહ્યું હતું કે તુમ્હારા લડકા ચાહીએ તો 10 લાખ રૂપિયા ભેજ દો.

આ સંદેશને લઇને માતા સીધી સેક્ટર 7 પોલીસ મથક પહોંચી હતી. શોધખોળ બાદ સેક્ટર 16મા બાઇક લઇને મૂકવા ગયેલા યુવકના મિત્રનો ભેટો થતાં પોલીસને કડી મળી હતી. સેક્ટર 7મા રહેતા 19 વર્ષીય દીકરાએ પોતાના પરિવારને જ મુસીબતમા મૂકી દીધો હતો. ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઇને તેનુ અનુકરણ કરી કિડનેપિંગનું નાટક કર્યું હોવાનું બહાર આવ્યુ હતુ.

બાથરૂમમાં નગ્ન થઇ ટાઇમરથી ફોટો પાડી માતાને મોકલ્યો હતો
સે-16ની હોટલમા એક રાત રોકાયો હતો. જ્યાર 300 નંબરના રૂમમા બાથરૂમમા જઇ નગ્ન થયો હતો અને પાછળથી શર્ટ દ્વારા હાથ બાંધી દીધા હતા. જ્યારે તેના અંદરના ભાગ દેખાય નહિ તે રીતે ટાઇમર ગોઠવી ફોટો પાડી તેની માતાના નંબર ઉપર મોકલ્યો હતો અને ગોંધી રખાયો હોય તેવુ ચિત્ર ઉભુ કર્યુ હતુ. તેથી આવી વિગતો બહાર આવતા જ પોલીસે આ અંગે ઝીણવટભરી તપાસ કરતા ભાંડો ફૂટી ગયો હતો.

3 કારને નુકસાન કર્યા બાદ 1 કારની ભરપાઇ બાકી હતી
આ યુવક જ્યારે કાર ચલાવતો હતો ત્યારે એક સાથે 3 કારને નુકસાન કરતા જેમા તેના પરિવારે 2 કારના નુકસાનની ભરપાઇ કરી દીધી હતી. પરંતુ વધુ એક કારને નુકસાન થયુ છે, તેની પરિવારને જાણ કરી ન હતી. જેને લઇને નાણાની જરૂરિયાત હતી. પરિણામે જાતે જ અપહરણનું તરકટ રચ્યું હતું. એક સાથે ત્રણ કારને નુકસાન કરતા યુવક ગભરાઈ ગયો હતો જોકે તેણે આ બાબત પરિવારજનોથી છૂપી રાખવા માટે તેના અપહરણનંુ નાટક તો કર્યુ પણ પકડાઈ ગયો.

અન્ય સમાચારો પણ છે...