વિરોધ:તલાટીઓની હડતાળને પગલે જિલ્લાની 286 ગ્રામ પંચાયતની રોજની 28.60 કરોડની આવક અટકી

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતના તમામ વેરાની વસૂલાત તેમજ ઓનલાઇન કામગીરીની આવક અટકી

તલાટીઓની હડતાલને પગલે જિલ્લાની 286 ગ્રામ પંચાયતોમાંથી દરરોજની આઠથી દસ લાખની આવક બંધ થઇ જતા જિલ્લામાંથી કુલ રૂપિયા 28.60 કરોડની આવક અટકી ગઇ છે. ગ્રામ પંચાયતોમાં વિવિધ વેરાની વસુલાત તેમજ ઓનલાઇ કામગીરી બદલ થતી આવક અટકી પડી છે.પોતાના પડતર પ્રશ્નોના નહી ઉકેલાતા રાજ્યભરના તલાટી કમ મંત્રીઓની અચોક્કસ મુદતની હડતાલથી ગામડાઓની પ્રાથમિક કામગીરી અટકી પડતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે. તલાટીઓની અચોક્કસ મુદતની હડતાલથી જ રાજ્ય સરકારની આવક ઉપર તેની સીધી અસર પડશે.

ઉપરાંત ઓનલાઇન અલગ અલગ પ્રકારની 25 જેટલી કામગીરી નહી થવાથી તેનો સીધો આર્થિક માર રાજ્ય સરકારને પડશે. ઉપરાંત ગામડાઓના લોકોને જરૂર પડતી વિવિધ યોજનાઓના લાભો માટેના આવકના દાખલા સહિતની ઓનલાઇન ડિઝીટલ સેવાઓ પણ બંધ થઇ જશે. વધુમાં જન્મ મરણની નોંધણી સહિતની ઓનલાઇન કામગીરી પણ અટકી પડશે તેમ ગાંધીનગર જિલ્લા તલાટી મહામંડળ, ગાંધીનગરના પ્રમુખ શૈલેષ ચૌધરીએ જણાવ્યું છે. વિવિધ માગણીઓ ન સંતોષાતા રાજ્યભરના તલાટીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરતાં પંચાયતની સેવા ખોરવાઇ છે.

આટલા વેરા નહીં વસૂલાય
જિલ્લાની 286 ગ્રામ પંચાયતોમાં દરરોજના જમીન મહેસુલી વેરો, વ્યવસાય વેરો, પંચાયત વેરાની કામગીરી નહી થાય. એક ગ્રામ પંચાયતમાં અંદાજે 10 લાખ જેટલી દરરોજની આવક લેખે કુલ-28.60 કરોડની આવક વેરાની અટકી પડી છે.

હર ઘર તિરંગા અંતર્ગત ગ્રામસભાની કામગીરી અટકતા અન્યને સોંપાશે
હર ઘર તિરંગા અંતર્ગત દરેક ગામમાં ગ્રામસભા યોજીને લોકોને તિરંગાની ખરીદી કરવા સમજાવવાના છે. જોકે તલાટી કમ મંત્રીઓની અચોક્કસ મુદતની હડતાલને પગલે ગ્રામસભાની કામગીરી અટકી પડતા તાલુકા વિકાસ અધિકારીના અન્ય કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવશે.

જિલ્લાની 96 ગ્રામ પંચાયતોમાં વહિવટદાર જ તલાટી છે
જિલ્લાની 96 ગ્રામ પંચાયતોમાં સરપંચની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતાં તેમાં વહિવટદાર તરીકે તલાટી કમ મંત્રીઓની વરણી કરી છે. આથી આવી ગ્રામ પંચાયતોના ગામોના લોકોને વધારે હાલાકી વેઠવાની ફરજ પડી છે.

ગ્રામ પં.ની ડિઝિટલ સેવા અટકી
ગ્રામ પંચાયતમાંથી 28 પ્રકારની સેવાઓ ડિઝીટલ કરાઇ છે. તેમાં રેશનકાર્ડ કઢાવવાનું, આવકના દાખલા, વિધવા સહાય, વૃદ્ધ સહાય, ક્રિમિનલ દાખલા સહિતની અલગ અલગ સેવાઓ કરવામાં આવે છે. ઉપરાંત જન્મ અને મરણની ઓનલાઇન નોંધણીની કામગીરી પણ અટકી પડી છે. એક ગ્રામ પંચાયતમાંથી રોજ અંદાજે 20 જેટલા દાખલા કાઢવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...