કોર્પોરેશન દ્વારા કામગીરી:મહાનગરપાલિકા વિસ્તારમાં બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા માટેની 270 અરજી કરવામાં આવી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • શહેરમાં બાંધકામ નિયમિત કરવાની સૌથી વધુ અરજીઓ સેક્ટર-1, 2 અને 3 સહિતના વિસ્તારમાંથી આવી
  • 85 અરજીઓમાં પ્રાઈમરી ફી જ ભરાઈ નહીં, 108 અરજી અધૂરી વિગતોવાળી
  • ​​​​​​​ગેરકાયદે બાંધકામના​​​​​​​ વિસ્તાર પ્રમાણે ફીનો દર નક્કી કરાયો

ઈમ્પેક્ટ-2022 અંતર્ગત બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા સેક્ટોરમાંથી 270 અરજીઓ આવી છે. જેમાં 85 અરજીઓમાં પ્રાઈમરી ફી જ ભરાઈ નથી. જેને પગલે કોર્પોરેશન દ્વારા 185 જેટલી અરજી પર કામગીરી આગળ વધી શકી છે. જેમાં 108 અરજીઓ અધૂરી વિગત કે ડોક્યુમેન્ટ્સ માટે અરજદારોને પરત મોકલાઈ છે.

9 અરજીમાં ડોક્યુમેન્ટ્સની ચકાસણી ચાલી રહી છે, 12 અરજી સાઈટ વિઝિટ માટે આગળ વધારાઈ છે. આવેલી એકપણ અરજીઓ હાલની સ્થિતિએ કોર્પોરેશન રિજેક્ટ કરવામાં આવી નથી. રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી વટહુકમ-2022 બહાર પાડી બિન અધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટે જાહેરાત કરી હતી.

ઓક્ટોબર-2022થી ચાલી રહેલી પ્રક્રિયામાં 16 ફેબ્રુઆરી 2023 સુધી અરજી કરી શકાશે. ત્યારે ગાંધીનગર શહેર વિસ્તારમાં અઢી મહિનાના ગાળામાં 270 જેટલી અરજીઓ આવી છે. શહેરમાં સૌથી વધુ અરજીઓ સેક્ટર-1, 2 અને 3 સહિતના વિસ્તારમાંથી આવી છે. ગાંધીનગર કોર્પોરેશન દ્વારા મહત્તમ 6 મહિનામાં અરજીની મંજૂરી અંગે નિર્ણય કરાશે.

મંજૂરી બાદ મહત્તમ 2 મહિનામાં નિયત કરેલી ફી ભરવાની રહેશે. રાજ્યમાં બિનઅધિકૃત બાંધકામોને ફી વસૂલીને નિયમિત કરવા માટે સરકારે વટહૂકમથી ઇમ્પેક્ટ ફી અમલી બનાવ્યા બાદ તેને સમયમર્યાદામાં કાયદાનું સ્વરૂપ આપવા માટે વિધાનસભાના બિલ પસાર કરવામાં આવ્યું હતું.

જેમાં ગેરકાયદે બાંધકામના વિસ્તાર પ્રમાણે ફીનો દર નક્કી કરાયો છે. જેમાં 50 ચો.મી. સુધી 3 હજાર 50થી 100 ચો.મી. સુધી 6 હજાર, 100થી 200 ચો.મી. સુધી 12 હજાર, 200થી 300 ચો.મી. સુધી 18 હજાર, 300 ચો.મી.થી વધુ વિસ્તાર માટે 18 હજાર અને પ્રતિ ચો.મી. 150 લેવાય છે.

કેવાં બાંધકામ નિયમિત થશે
1 ઓક્ટોબર 2022 પહેલાં થયેલ બિન અધિકૃત બાંધકામાં હાલની CGDCR-2017ની જોગવાઈઓ અનુસાર માર્જિન, બાંધકામનું ક્ષેત્રફળ, ઉંચાઈ, બાંધકામનો હેતુફેર, પ્રોજેક્શન, સીમિત માર્યદામાં કોમન પ્લોટ, પાર્કિંગ તથા એનએસઆઈ જેવી બાબતોના તમામ બાંધકામોને વટહુકમ-2022 અંતર્ગત નિયમિત કરી શકાશે.

કેવાં બાંધકામ નિયમિત નહીં થાય

  • રેરા એક્ટ 2016 હેઠળ નોટિસ અપાયેલ બાંધકામ.
  • સરકારી, સ્થાનિક સત્તામંડળોની જમીન પર થયેલા બાંધકામ.
  • જાહેર રસ્તા તથા પ્લોટની હદ બહાર થયેલા બાંધકામ.
  • શૈક્ષણિક સંસ્થાઓના સંકુલના રમતગમતના મેદાનોમાં થયેલા બાંધકામ.
  • ગુજરાત હાઉસિંગ બોર્ડના બાંધકામ

કઇ રીતે અરજી કરવી
e-Nagar Portal વેબસાઈટ પર જ ઓનલાઈન અરજી કરવાની રહે છે. GRUDA-2022 તેમજ CGDCR-2017ની વધુ માહિતી માટે ગાંધીનગર કોર્પોરેશની વેબસાઈટ gandhinagarmunicipal.com, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની વેબસાઈટથી મેળવી શકાશે.

સનદભંગવાળાં બાંધકામ નિયમિત નહીં થાય
રાજ્યમાં પાટનગર એકમાત્ર એવું શહેર છે જ્યાં સનદથી જગ્યા આપવામાં આવેલી છે. જેને પગલે રહેણાંક પ્લોટ્સમાં કોમર્શિયલ પ્રવૃતિઓ પર પ્રતિબંધ છે. જેને પગલે આવા સદનભંગના કિસ્સાઓમાં અરજીઓ મંજૂર થાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...