માણસાનાં વેપારીને ટાઇલ્સ વાલે એપ્લીકેશન મોબાઇલ એપ્લિકેશન થકી ગઠિયાએ મોરબીથી હોલસેલમાં 1500 બોક્સ ટાઇલ્સનો ઓર્ડર બુક કરી રૂ. 2. 65 લાખનો ચૂનો લગાવવામાં આવ્યો હોવાની ફરિયાદ માણસા પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવી છે.
માણસા જીઆઇડીસી ખાતે શિવ ગ્રેનાઈટ એન્ડ સીરામીક નામનો શો રૂમ ચલાવતા રાજેશભાઈ મદનલાલ શાહના ભત્રીજા અભિષેક ઉર્ફે ક્રીસ વિનોદકુમાર શાહે હોલસેલમાં ટાઇલ્સ ખરીદવા માટે ટાઇલ્સ વાલે એપ્લીકેશન સર્ચ કરી જરૂરીયાત મુજબના સિરામીકને લગતા માલ સામાનની ડીમાન્ડ રીક્વેસ્ટ નાખવામાં આવી હતી. ત્યારબાદ એક અજાણ્યા નંબર પરથી રાજુ નામના શખ્સનો ફોન આવતા અભિષેકે ટાઇલ્સ બુક કરાવી હતી.
જેના એડવાન્સ પેટે અલગ અલગ તારીખે ફોન પે, NEFT તેમજ માણસા ખાતેથી કનુ કાંતીની પેઢી મારફતે મોરબી આંગડીયા દ્વારા રાજુ નામના વ્યક્તીને પૈસા મોકલી આપ્યા હતા. અને નક્કી કરેલ 400 બોક્ષ ડબલ ચાર્જ તેમજ 1000 બોક્સ પ્લેન વાઇટ ટાઇલ્સનો માલ ભરવા કહ્યું હતું. જેણે રાજેશભાઈને ગ્રેસર્ટ સીરામીક મોરબી ખાતેથી માલ ભરવાનું જણાવ્યું હતું.
ત્યારે માલ ભરવા માટે રાજેશભાઈએ બુટ ભવાની ટ્રાન્સપોર્ટની ગાડી મોકલી આપી હતી. જે ગાડીમાં 1000 બોક્સ પ્લેન વાઇટ ટાઇલ્સનો માલ ભરાઇ ગયા બાદ અભિષેક નાં મોબાઇલ ઉપર મૌલીકભાઇ નામના વ્યક્તીએ કરી ગાડીમાં ભરેલ માલનુ પેમેન્ટ કરવા કહ્યું હતું. જેથી અભિષેકે બાકીનું પેમેન્ટ કરી દીધું હતું. પણ મૌલિકભાઈને પેમેન્ટ મળ્યું ન હતું. આથી અભિષેકે મોબાઇલ એપ્લિકેશન થકી સંપર્કમાં આવેલા રાજુ નામના શખ્સને ફોન કર્યો હતો. પરંતુ તેનો ફોન બંધ આવતો હતો.
આથી ટ્રાન્સપોર્ટની ગાડીના ડ્રાઈવરની મદદથી તપાસ કરતાં અક્ષર એન્ટરપ્રાઈઝ મોરબી દ્વાર માલ નોંધાવાયો હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે રાજુના કહેવાથી માલ નોંધાવ્યો હતો, પરંતુ નાણા ચૂકવ્યા ન હતા. રાજુએ રૂ.2.65 લાખની ઠગાઈ આચરી હોવાનું જણાતા ગાંધીનગર સાયબર સેલ ખાતે અરજી આપવામાં આવી હતી. અરજી પર તપાસ બાદ માણસા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.