અરે...રે:પાણીની મોટર ચાલુ કરવા જતાં કરંટ લાગવાથી કોલવડાની 25 વર્ષીય પરિણીતાનું મોત

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે બપોરના સાડા ત્રણ વાગ્યાની ઘટના
  • અમદાવાદના ચાંદખેડા ખાતે રહેતું દંપતિ કોલવડા ગામે આવ્યું હતું

ગાંધીનગરના કોલવડા ગામે આજે બપોરે પોતાના ઘરે પાણીની મોટર ચાલુ કરતાં જ કરંટ લાગવાથી 25 વર્ષીય પરિણીતાનું મોત થયાની ઘટના સામે આવી છે. પેથાપુર પોલીસ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દોડી આવી મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરના દંતાલી ગામની 25 વર્ષીય મિત્તલનાં લગ્ન ત્રણ વર્ષ અગાઉ કોલવડા ગામે પ્રજાપતિ વાસમાં રહેતા ઉમંગભાઈ પ્રજાપતિ સાથે થયા હતા. હાલમાં અમદાવાદના ચાંદખેડા ખાતે રહેતું દંપતિ કોલવડા ગામે આવ્યું હતું.

કોલવડા ગામે આવ્યા બાદ આજે બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં ઘરે પાણી ખલાસ જતાં મિત્તલે પાણીની મોટર ચાલુ કરવા માટે સ્વીચ પાડતાં અચાનક તેને વીજળીનો કરંટ લાગતા તે તરફડિયાં મારવા લાગી હતી. જેનાં પગલે તેના પતિ તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.

સિવિલમાં ફરજ પરના તબીબે તપાસ કરી મિત્તલને મૃત જાહેર કરી હતી. આ બનાવના પગલે પરિવારજનો પણ ગાંધીનગર સિવિલ દોડી આવ્યા હતા. તેમજ પેથાપુર પોલીસ પણ પહોંચી ગઈ હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...