તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાશકારો:જિલ્લાના બોન્ડવાળા 47 પૈકી 25 તબીબ કોવિડની ડ્યૂટી ઉપર હાજર થતા રાહત

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના તબિબોને 1 વર્ષ ગામડાઓમાં સેવા આપવાના બોન્ડ લખાવાય છે
  • વકરતી કોરોનાની સ્થિતિથી બોન્ડવાળા તબિબોને હાજર થવા આદેશ કર્યો હતો MBBSના તબીબો માટે 20 લાખ અને PG માટે 40 લાખના બોન્ડ લખાવાય છે

કોરોનાની વકરતી જતી સ્થિતિને પગલે હાઉસફુલ બનેલી હોસ્પિટલોને કારણે બોન્ડવાળા 47 તબિબોને ડ્યૂટી ઉપર હાજર થવા આદેશ કર્યો હતો. તેમાંથી બોન્ડવાળા 25 તબિબો હાજર થયા છે. જ્યારે બાકીના હાજર નહી થતાં આરોગ્ય સેવાઓ પર તેની અસર પડી છે. જિલ્લા સહિત રાજ્યમાં કોરોનાની મહામારીએ સમગ્ર જીવનને અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે. ઉપરાંત ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવા ખાલી બેડ મળી રહ્યા નથી.

ઉપરાંત કોરોનાનું સંક્રમણ મનપા વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કંટ્રોલ બહાર જઇ રહ્યું છે. ત્યારે બોન્ડવાળા તબિબોને ફરજ ઉપર હાજર થવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જોકે એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરેલા તબિબોને એક વર્ષ ગામમાં આરોગ્ય સેવા આપવાના રાજ્ય સરકાર દ્વારા બોન્ડ લખાવવામાં આવે છે. તેમાં એમબીબીએસના તબિબો માટે રૂપિયા 20 લાખના બોન્ડ અને પીજીના તબિબો માટે રૂપિયા 40 લાખના બોન્ડ લખાવવામાં આવે છે. જો તબિબે એક વર્ષ ગ્રામ્ય વિસ્તારમાં નોકરી કરવી નથી તો બોન્ડની નિયત કરેલી રકમ સરકારમાં ભરવાનો નિયમ બનાવ્યો છે.

જિલ્લાના બોન્ડવાળા 47 તબિબોને ફરજ ઉપર હાજર થવા આદેશ કર્યો હતો. તેમાંથી માત્ર 25 તબિબો હાજર થયા છે. બોન્ડવાળા માત્ર 50 ટકા જ તબિબો હાજર થતાં તેની સીધી અસર કોવિડના દર્દીઓની સારવાર ઉપર પડી રહી છે. જોકે હાજર નહી થનાર બોન્ડવાળા તબિબો ઉપર એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવો ઉલ્લેખ આદેશમાં કરવામાં આવ્યો હતો તેમ જિલ્લા આરોગ્ય વિભાગના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

10 તબીબોએ બોન્ડની રકમ ભરી દીધી
બોન્ડવાળા 47માંથી 25 તબિબો હાજર થયા છે. જ્યારે બાકીના તબિબોમાંથી અન્ય 10 તબિબોએ બોન્ડમાં નિયત કરેલી રકમ સરકારમાં ભરી દીધી છે. આથી આવા તબિબો પણ હાજર થયા નથી.

4 તબીબ કોરોનાથી સંક્રમિત થયા
જિલ્લાના બોન્ડવાળા કુલ 47 તબિબોમાંથી 4 તબિબો કોરોનાસંક્રમિત થયા હોવાથી હાલમાં હોમ આઇસોલેશન સારવાર લઇ રહ્યા છે. કેર થયા બાદ તેઓ ફરજ પર હાજર થશે તેમ જિલ્લા તંત્રએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...