કોરોના અપડેટ:વધુ 25 કેસ, 33 દિવસ પછી જિલ્લામાં કોરોનાથી વૃદ્ધાનું મોત

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાની સઘન સારવારથી જિલ્લાના 15 દર્દી સાજા થયા

છેલ્લા એક માસ પછી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા રાંચરડાના 78 વર્ષીય વૃદ્ધાનું મોત થયું છે. હાઇપર ટેન્શનની બિમારીના કારણે ત્રણેક દિવસ વેન્ટીલેટર ઉપર સારવાર આપી હતી. કોરોનાની ચોથી લહેરમાં કોરોનાના બે દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે મંગળવારે જિલ્લાના વધુ 25 લોકો કોરોનામાં સપડાયા તો સારવારથી વધુ 15 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની ચોથી લહેરમાં કોરોનાથી બીજા દર્દીના મોતનો બનાવ બન્યો છે. જોકે ગત તારીખમી જૂન-2022ના રોજ મનપા વિસ્તારના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ત્યારબાદ એક માસ પછી રાંચરડાના વૃદ્ધનું મોત થયું છે. જિલ્લા આરોગ્ય તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ વૃદ્ધાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતા હાઇપરટેન્શનની બિમારી હોવાથી ગત તારીખ 1લી, જુલાઇના રોજ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે વૃદ્ધાની તબિયત લથડતા તેઓને ત્રણેક દિવસ વેન્ટીલેટર ઉપર સારવાર આપવામાં આવી હતી. દર્દી છેલ્લા ત્રણ દિવસથી કોમામાં જતા રહ્યા હતા. કોરોનાના દર્દીના મોતથી કોમોર્બિડિટીવાળા કોરોનાના દર્દીઓને ખાસ કેર રાખવી જરૂરી બની રહ્યું છે.

વૃદ્ધાના મોતથી જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લામાં કોરોનાના નવા 25 કેસમાં પાટનગર વિસ્તારમાંથી 20 અને ગાંધીનગર અને કલોલ તાલુકામાંથી નવા પાંચ કેસ નોંધાયા છે. જોકે કોરોનાથી સંક્રમિત તમામ દર્દીઓએ હોમ આઇસોલેશન સારવાર પસંદ કરી છે. જોકે કોરોનાની સારવારથી જિલ્લાના 15 દર્દીઓ સાજા થયા તેમાં પાટનગરમાંથી આઠ અને ચારેય તાલુકામાંથી સાત દર્દીઓનો સમાવેશ થાય છે.

મનપા વિસ્તારમાંથી 20 લોકો સંક્રમિત : ગાંધીનગર મહાનગર પાલિકાના આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ સરગાસણમાંથી 34 વર્ષીય મહિલા, 39 વર્ષીય મહિલા, પેથાપુરમાંથી 70 વર્ષીય વૃદ્ધા, 6 વર્ષીય વિદ્યાર્થીની, 36 વર્ષીય યુવાન, 49 વર્ષીય મહિલા, રાયસણની 27 વર્ષીય યુવતી, વાવોલના 54 વર્ષીય આધેડ, 55 વર્ષીય મહિલા, રાંદેસણની 35 વર્ષીય મહિલા, આઇઆઇટીમાંથી 21 વર્ષીય યુવતી, 8 વર્ષીય વિદ્યાર્થીની, 19 વર્ષીય વિદ્યાર્થી, 25 વર્ષીય પ્રોફેસર, 19 વર્ષીય વિદ્યાર્થી, સેક્ટર-29માંથી 32 વર્ષીય યુવાન, 54 વર્ષીય આધેડ, 47 વર્ષીય યુવાન, સેક્ટર-5ના 58 વર્ષીય આધેડ, સેક્ટર-12ની 22 વર્ષીય યુવતી કોરોનામાં સપડાઇ છે.

ગાંધીનગરમાંથી ત્રણ અને કલોલમાંથી બે કેસ : જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ ગાંધીનગર તાલુકાના દંતાલીની 48 વર્ષીય મહિલા, ચિલોડાની 38 વર્ષીય મહિલા અને અડાલજના 84 વર્ષીય વૃદ્ધનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જ્યારે કલોલ તાલુકાના રાંચરડાની 32 વર્ષીય મહિલા અને કલોલ નગરપાલિકા વિસ્તારમાં રહેતો 40 વર્ષીય યુવાન કોરોનાગ્રસ્ત થયો છે.

12થી 14 વર્ષના વિદ્યાર્થીઓને રસી આપવા આદેશ
કોરોનાની ચોથી લહેર શરૂ થતાં શાળામાં જતા વિદ્યાર્થીઓ સંક્રમિત થાય નહી તે માટે રાજ્યના શિક્ષણ વિભાગે 12થી 14 વર્ષના વિદ્યાર્થીઓને રસીનો પ્રથમ અને બીજો ડોઝ આપવાનો આદેશ કર્યો છે. જોકે રસીકરણની કામગીરી સ્થાનિક જિલ્લા આરોગ્ય તંત્રના સહયોગથી કરવાની રહેશે. જોકે જિલ્લાના 12થી 14 વર્ષના 37317માંથી 34512 વિદ્યાર્થીઓએ રસી લેતા 92.5 ટકા કામગીરી થઇ છે. જ્યારે બીજા ડોઝના 39580 લક્ષાંકની સામે 37342 વિદ્યાર્થીઓએ રસી લેતા 94.3 ટકા કામગીરી થવા પામી છે. કોરોનાકાળના બે વર્ષ પછી 12થી 14 વર્ષના વિદ્યાર્થીઓને રસી આપવાનો શિક્ષણ વિભાગના આદેશ પરથી કોરોનાની પરિસ્થિતિ આગામી સમયમાં ગંભીર બને તેવી શક્યતા રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...