દાદાગીરી:દહેગામના વડવાસાનાં ફાર્મ હાઉસમાં ઘૂસી 25 પશુઓએ નુકસાન કર્યું, ઠપકો આપતાં પશુ પાલકે પથ્થરમારો કરી બે લોકોને ઢોર માર માર્યો

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

દહેગામ તાલુકાના વડવાસા ગામની સીમમાં આવેલા અનન્ય ફાર્મ હાઉસમાં ચરવા માટે 25 જેટલા પશુઓ અંદર ઘૂસી જઈને દિવેલાનો ઊભો પાક ખેદાન મેદાન કરી દીધું હતું. આ મામલે ઠપકો આપતાં ઉશ્કેરાયેલા પશુ માલિકે પથ્થર મારીને ફાર્મનાં મેનેજર અને સિક્યુરિટી ગાર્ડને ઢોર માર મારતાં દહેગામ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

અનન્ય ફાર્મ હાઉસમાં પશુઓ ઘૂસી ગયા હતા
દહેગામના વડવાસા ગામની સીમમાં આવેલા અનન્ય ફાર્મ હાઉસમાં મેનેજર તરીકે નોકરી કરતા જયેશ ઓડેદરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ જયેશ ફાર્મ હાઉસમાં વાવેતર ઉપર દેખરેખ રાખવાનું કામ કરે છે. જ્યારે શીવાનંદરાય સિક્યુરસટી ગાર્ડ તરીકે તેમજ કાંન્તીભાઇ ડામોર, વિનાજી કિશોરજી રાઠોડ ખેત મજુરીનુ કામ કરે છે ગઈકાલે પૂનમ હોવાથી જયેશ તેની સાથેના મહેશ જોડે ગિયોડ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા માટે ગયો હતો.

દિવેલાના પાકને નુકશાન કર્યું
બપોરના સમયે ખેત મજુર કાંતિ ભાઈએ ફોન કરીને કહેલું કે ગામમાં રહેતાં ડાહ્યાભાઇ આંબાભાઇ ભરવાડના આશરે પચ્ચીસ જેટલા ઢોર ફાર્મમાં આવી દિવેલાના પાકને નુકશાન કરી કરતા ઢોરોને બહાર કાઢ્યા છે. આથી જયેશ ત્યાં પહોંચ્યો હતો અને ડાહ્યાભાઇને ઠપકો આપવા લાગ્યો હતો. જેથી તે ઢોર તારા ખેતરમાં દેખાય છે કહીને ગાળો બોલી ઉશ્કેરાઈ જઈ પથ્થરો ફેંકવા લાગ્યો હતો. અને જયેશને ગડદાપાટુનો માર મારવા માંડ્યો હતો.

દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
જેને છોડાવવા સિક્યુરિટી ગાર્ડ સહિતના દોડીને આવી પહોંચતા ડાહ્યાભાઇ પથ્થરો ફેંકવા લાગ્યો હતો. અને સિક્યુરિટી ગાર્ડને પણ ઢોર માર મારવા લાગ્યો હતો. આ માથાકૂટનાં કારણે બધા ભેગા થઈ ગયા હતા. બાદમાં જયેશ અને સિક્યુરિટી ગાર્ડને ઈજાઓ પહોંચી હોવાથી સારવાર અર્થે ખસેડાયા હતા. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...