ભાજપની સાવ નવીનક્કોર સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ પહેલીવાર બજેટ રજૂ કર્યું હતું. આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ 2.43 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ગત નાણાકીય વર્ષ કરતાં આ વર્ષે બજેટના કદમાં 16 હજાર કરોડનો વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા 5 વર્ષમાં બજેટના કદમાં 40 ટકાનો વધારો થયો છે. 2017-18માં બજેટનું કદ 1.72 લાખ કરોડ હતું જે વધીને હવે 2.43 લાખ કરોડ થયું છે. નાણામંત્રીએ કોઇ નવા કરવેરા નહીં નાખવાની જાહેરાત કરી હતી. 20 વર્ષમાં માથાદીઠ આવક રૂ. 19823થી વધી રૂ. 2.14 લાખ સુધી પહોંચી છે. .
બજેટમાં રૂ. 4 હજાર કરોડના ખર્ચે સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજનાની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને એક હજાર દિવસ સુધી મફત એક કિલો તુવેરદાળ, બે કિલો ચણા, એક લિટર ખાધતેલ આપવામાં આવશે. ખેડૂતોને રવી તેમજ ઉનાળું પાક માટે વ્યાજ સહાય મળી રહે તે માટે યોજના જાહેર કરાઇ છે. 500 કરોડની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરાઇ છે. શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં રખડતાં અને નિરાધાર પશુઓની સમસ્યાઓમાંથી મુક્તિ માટે રૂ. 100 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
12 હજારથી ઓછો પગાર ધરાવતા કર્મચારીઓને વ્યવસાય વેરામાં માફીની જાહેરાત નાણા મંત્રી કનુ દેસાઇએ બજેટમાં કરી છે પરંતુ તેનો લાભ માત્ર 15 લાખ જેટલા કર્મચારીઓને મળશે. આ સાથે રાજ્ય સરકારે બજેટ રજૂ કરતી વખતે ગુજરાતના એકંદર ઘરેલું ઉત્પાદનમાં 14 ટકા જેટલો વધારો થયો હોવાનું સૂચવ્યું છે. કોવિડ મહામારી વખતે લોકડાઉન લદાયા બાદ રાજ્યના અર્થતંત્રમાં ક્રમશઃ સુધારો થયો અને તેની સાથે રાજ્ય સરકારની મહેસૂલી આવકમાં પણ સારો એવો વધારો થયો હોવાનો દાવો આ સાથે રજૂ કરાયો છે.
આ છે સરકારની પ્રાથમિકતા શિક્ષણ માટે સૌથી વધુ ભંડોળની ફાળવણી
વિભાગ | 2022-23 | 2021-22 | ફેરફાર |
શિક્ષણ | 34884 | 32719 | 2165 |
ઉર્જા-પેટ્રોકેમિકલ્સ | 15586 | 13034 | 2552 |
આરોગ્ય | 12240 | 11323 | 917 |
માર્ગ-મકાન | 12024 | 11185 | 839 |
શહેરી વિકાસ | 14297 | 13493 | 804 |
ગૃહ | 8325 | 7960 | 365 |
કૃષિ | 7737 | 7232 | 505 |
(રૂપિયા કરોડમાં)
દરેક વોટરને ખુશ કરવાનો પ્રયાસ
રાજ્ય સરકારના બજેટમાં મહિલાઓ, બાળકો, વડીલો, ખેડૂતો સહિત તમામ વર્ગોને ખુશ રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહિલાઓ માટે 4 હજાર કરોડના ખર્ચે સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજનાની જાહેરાત
યુવાનો માટે : પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે
અંદાજે 11 લાખ વિદ્યાર્થીઓને એસ.ટી.બસ ફ્રી પાસ કન્સેશન માટે 205 કરોડની જોગવાઈ. 350 કરોડની જોગવાઇ ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિધાર્થીઓને ટ્યુશન ફી તથા હોસ્ટેલ અને ભોજન ખર્ચમાં શિષ્યવૃત્તિ સહાય પૂરી પાડવા માટે.
મતલબ... પી.એચ.ડી. ના હજાર વિદ્યાર્થીઓને વિદ્યાર્થીદીઠ 2 લાખની સહાય, ૩ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ એટલે કે વિધાર્થીઓનો દરેક વર્ગ ખુશ.
મહિલાઓ માટે : 1000 દિવસ સુધી એક કિલો તુવેરદાળ, બે કિલો ચણા, એક લિટર ખાધતેલ
4 હજાર કરોડના ખર્ચે સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજનાની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને એક હજાર દિવસ સુધી મફત એક કિલો તુવેરદાળ, બે કિલો ચણા, એક લિટર ખાધતેલ આપવામાં આવશે.
મતલબ... 45 કરોડની જોગવાઇ માસિકધર્મ અંગે જાગૃતિ લાવવા અને સેનેટરીપેડ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવા માટે જે ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓમાં ઉપયોગી થશે.
વડીલો માટે : 60 વર્ષથી વધુ વયના લોકો માટે ઘરે બેઠા લેબોરેટરી ટેસ્ટ સેમ્પલ
80 વર્ષથી વધુની વયના વૃદ્ધોને 1250, 60થી વધુ વયનાને રૂ.1 હજાર પેન્શન, 60 વર્ષથી વધુ વય માટે ઘરે બેઠા લેબોરેટરી ટેસ્ટ સેમ્પલ કલેક્શન યોજના માટે 5 કરોડની જોગવાઇ
મતલબ... 60 વર્ષથી વધુ વયના લોકોને ઘરે બેઠા લેબોરેટરી ટેસ્ટ સેમ્પલ માટે 5 કરોડ જેથી વડીલેને દોડધામ નહીં કરવી પડે અને ક્રેડિટ સરકારને મળશે.
ખેડૂતો માટે : હવે વીજજોડાણની તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવશે
ખેડૂતોને રવી તેમજ ઉનાળું પાક માટે વ્યાજ સહાય મળી રહે તે માટે યોજના જાહેર કરાઇ છે. વીજ જોડાણ તેમજ રાહત દરે વીજળી ઉપલબ્ધ કરાવવા રૂ. 8,300 કરોડની સબસીડી
મતલબ... વીજ જોડાણ માટે પડતર બધી અરજીઓનો આઝાદીના અમૃત મહોત્સવ પર્વ પહેલા નિકાલ થશે. જોડાણ મળે એટલે દરેક ખેડૂત ખુશ, સરકાર પણ
આરોગ્ય માટે : 100 નવી એમ્બ્યુલન્સ વાન અને 10 મોબાઇલ સંજીવની વાન શરૂ કરાશે
બોટાદ, જામખંભાળિયા અને વેરાવળ ખાતે નવી મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવશે. નવી 100 એમ્બ્યુલન્સ વાન અને 10 મોબાઇલ સંજીવની વાન માટે 22 કરોડની જોગવાઇ
મતલબ... પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- મા યોજનામાં 80 લાખ કુટુંબોને ૫ લાખ સુધીની મફત તબીબી સારવાર એટલે જેમણે પણ મફત સારવાર મેળવી એ રાજી
આ બજેટમાં સરકારે આપણને શું આપ્યું એ જાણતા પહેલાં એકવાર જૂના હિસાબો પર પણ નજર કરી લેજો!!
બજેટ 2018-19 : મેડિકલ કોલેજોમાં વર્ચ્યુઅલ ક્લાસના દાવા પણ 1-1 સીટ માટે 14 દાવેદારો
ઘોષણા1 : એપ્રેન્ટિસ યોજના હેઠળ યુવાનોને 3 હજાર રૂપિયા સુધીનું બેરાજગારી ભથ્થું આપવામાં આવશે.
પરિણામ - વર્ષ 2021-22માં 50927 નવા તાલીમાર્થીઓ જોડાયા હતા. વર્ષ 2020-21માં 1 લાખ એપ્રેન્ટિસોને સહાય માટે 53 કરોડની જોગવાઇ
ઘોષણા 2 : મેડિકલ કોલેજમાં વર્ચ્યુઅલ ક્લાસરૂમ માટે રૂ. 5 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી.
પરિણામ - રાજ્યમાં મેડિકલની 5700 બેઠકો છે. અંદાજ પ્રમાણે, એક મેડિકલ સીટ માટે 14 ઉમેદવારો મેદાનમાં હોય છે. દર એક લાખની વસતીએ 6 મેડિક સીટની ઉપલબ્ધતા છે.
બજેટ 2019-20 : 93% ઘરોમાં નળથી પીવાનું પાણી અપાય છે તો ટેન્કરથી પાણી કેમ?
ઘોષણા 1 : 2022 સુધી દરેક ઘરમાં નળથી પાણી આપવામાં આવશે. 3 વર્ષમાં 20 હજાર કરોડ ખર્ચાશે.
પરિણામ - સરકારના આંકડા પ્રમાણે રાજ્યના 93% ઘરોમાં નળ થકી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. જોકે, હજુ ઘણા ગામોમાં ટેન્કરથી પાણી અપાય છે.
ઘોષણા 2 : વહાલી દીકરી યોજનાની જાહેરાત. ત્રણ તબક્કે રૂપિયા 1.10 લાખની સહાય આપવાની જોગવાઇ
પરિણામ - એક લાખ ચાર હજાર દીકરીઓને સહાય આપવામાં આવી છે. પહેલા એડમિશન વખતે, 9મામાં અને 18 વર્ષની થાય ત્યારે.
બજેટ 2020-21 : 500 સ્કૂલ ઓફ એક્સેલન્સની જાહેરાત પણ 1275 સ્કૂલોમાં એક જ શિક્ષક!
ઘોષણા 1 : રાજ્યની પૈકી 500 શાળાઓને સ્કૂલ ઓફ એક્સેલન્સ તરીકે વિકસાવવા જોગવાઇ. તાલુકાના હોંશિયાર વિધાર્થીઓને નિષ્ણાતો દ્વારા ભણાવાશે.
પરિણામ - માત્ર એક શિક્ષકથી ચાલતી શાળાઓની સંખ્યા 1275 છે. 17 % શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી
ઘોષણા 2 : સોમનાથ- દ્વારિકાની એક જ દિવસમાં મુલાકાત લઈ શકાય તે માટે વિમાન સેવા શરૂ કરવા 1 કરોડ રૂપિયાની જોગવાઇ
પરિણામ - ઉડાન યોજના હેઠળ અમદાવાદથી પોરબંદર,કંડલા, નાસિક, ઉદયપુર, કિશનગઢ અને સુરતથી પણ સેવાઓ શરૂ.
બજેટ 2021-22 : વાયદો 5 વર્ષમાં 22 લાખ નોકરીનો, હકીકત એ કે 4.30 લાખ બેરોજગારો
ઘોષણા 1 : 5 વર્ષમાં 22 લાખ નોકરીઓનો વાયદો કરવામાં આવ્યો હતો. સરકારી ક્ષેત્રે 2 લાખ અને અન્ય ક્ષેત્રોમાં 20 લાખ
પરિણામ - રોજગાર કચેરીઓ દ્વારા 2.24 લાખને રોજગારી. રાજ્યમાં 4.30 લાખ શિક્ષિત બેરોજગારો, 1.50 ગ્રેજ્યુએટ્સ- પોસ્ટ ગ્રેજ્યુએટ્સ છે.
ઘોષણા 2 : વૃદ્ધ પેન્શન અને વયવંદના યોજના હેઠળ 10 લાખ 95 હજાર નિરાધાર વૃદ્ધોને પેન્શન માટે રૂ. 1032 કરોડની જોગવાઇ
પરિણામ - રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન અને વયવંદના યોજનામાં જાન્યુઆરી મહિના સુધી 8.70 લાખ લાભાર્થીઓને પેન્શનનો લાભ આપવામાં આવ્યો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.