તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ ઝડપાયો:ગાંધીનગરમાં સિમેન્ટના કોથળાની આડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી, રાજસ્થાનથી લવાયેલી 2400 બોટલ ઝડપાઈ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે 18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

રાજસ્થાન થી ટ્રકમાં વ્હાઇટ સિમેન્ટ ના કોથળા ની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદના બુટલેગરને ડીલીવરી આપવા માટે નીકળેલો ડ્રાઈવર સાડા ચારસો કિલો મીટર જેટલું અંતર કાપીને અડાલજ તરફ આવતા જ ઝડપાઈ જવા પામ્યો છે. અડાલજ પોલીસે પૂર્વ બાતમીના આધારે ઝડપી લેવામાં આવેલા ટ્રકમાંથી વિદેશી દારૂની પેટીઓ માંથી 2400 નંગ દારૂની બોટલો સહિત કુલ. રૂ. 18. 02 લાખનો મુદામાલ જપ્ત કરી રાજસ્થાનના રીઢા બુટલેગર મૂકેશ તૈલી તેમજ દારૂ મંગાવનાર અમદાવાદ ચાંદખેડા ના બુટલેગરને પણ ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા એ ગેરકાયદેસર ચાલતી દારૂની હેરાફેરી પર અંકુશ મેળવવા કડક સૂચનો આપી દેવામાં આવી છે. ત્યારે ગઈકાલે અડાલજ પોલીસ મથકના ઈન્સ્પેક્ટર જે. એચ. સિંધવના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ગજેંદ્રસિંહ લાલસિંહ ને બાતમી મળી હતી કે રાજસ્થાન થી ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક અમદાવાદ તરફ રવાના થઈ છે.

જેનાં પગલે અડાલજ પોલીસનો કાફલો બાતમી વાળી ટ્રક ને ઝડપી લેવા માટે અડાલજ હાઇવે રોડ એફ સી આઈ ગોડાઉન પાસે વોચ ગોઠવીને રસ્તો બ્લોક કરીને ગોઠવાઈ ગયો હતો. ત્યારે કલાકોની કાગડોળે રાહ જોયા પછી બાતમી મુજબની ટ્રક દૂર થી આવતી દેખાતા પોલીસ સ્ટાફ એલર્ટ થઈ ગયો હતો. અને જેવી ટ્રક નજીક આવી ત્યારે તેને રોકી દઈ કોર્ડન કરી લેવામાં આવી હતી.

ત્યારબાદ પોલીસે ટ્રકની તલાશી લેતાં સફેદ કલરના પાઉડર ના કોથળા ભરેલા હતા. પરંતુ ચોક્ક્સ બાતમી હોવાના કારણે તમામ કોથળા દૂર કરીને જોતા વિદેશ દારૂની પેટીઓ મળી આવી હતી. જેથી કરીને ડ્રાઈવરની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ રાજુનાથ મોહનનાથ યોગી (રહે. ભીલ વાડા રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. જેની કડકાઈથી પૂછતાંછ કરતાં વિદેશી દારૂની પેટીઓ રાજસ્થાન ભીલ વાડા ના રીઢા બુટલેગર મૂકેશ તૈલીના કહેવાથી ટ્રકમાં દારૂનો જથ્થો ભરીને અમદાવાદ ચાંદખેડા ના બાપુ નામના બુટલેગર ને ડીલીવરી કરવા નિકળ્યો હોવાનું વધુમાં ખુલવા પામ્યું હતું.

રાજસ્થાન થી ટ્રકમાં દારૂ ભરીને ગુજરાતની બોર્ડર ક્રોસ કરીને ગાંધીનગર બોર્ડર માં પ્રવેશેલી ટ્રક ચાંદખેડા થી થોડાક કિલો મીટર દૂરના અંતરે થી પકડાઈ જતાં ગુજરાત રાજસ્થાન બોર્ડર પર પોલમ પોલ ચાલતું હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે.

આ અંગે અડાલજ પોલીસ ઈન્સ્પેકટર સિંધવે જણાવ્યું હતું કે, ટ્રક રાજસ્થાન થી નીકળીને ચાંદખેડા જવાની હતી. જેમાં વ્હાઇટ સિમેન્ટ જેવો સફેદ પાઉડર ના કોથળા ની આડમાં પેટીઓ માં ભરેલ 2400 નંગ વિદેશી દારૂ નો જથ્થો કી. રૂ. 2.04 લાખ, ટ્રક કી. રૂ. 15 લાખ તેમજ સફેદ પાઉડર નો જથ્થો કી. રૂ. 98 હજાર મળીને કુલ રૂ. 18.02 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ રાજસ્થાન અને ચાંદખેડા ના બન્ને બુટલેગરો ને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...