કૃષિ:મનપા દ્વારા 27 દિવસમાં 2.35 લાખના ઓર્ગેનિક ખાતરનું વેચાણ

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પર્યાવરણ જતન માટેની મનપાની બે પહેલ: જૈવિક ખાતરને સારો, ઈ-વેસ્ટને પ્રતિસાદ નહીં

ગાંધીનગર મનપા દ્વારા પર્યાવરણના જતન માટે વિવિધ કામગીરી કરાય છે. ત્યારે મનપા દ્વારા આ દિશામાં જૈવિક ખાતરનું વેચાણ કરાય છે અને જુલાઈથી ઈ-વેસ્ટ કલેક્શનની સેવા શરૂ કરી છે. ત્યારે જુલાઈ મહિનામાં ખાતરના વેચાણને ભારે પ્રતિસાદ મળ્યો છે, જ્યારે ઈ-વેસ્ટ માટે નાગરિકોએ ખાસ રસ દાખવ્યો નથી. મનપા દ્વારા ખાતરનું નજીવી કિંમતે વેચાણ કરવામાં આવે છે. જુલાઈ મહિનામાં અત્યાર સુધી મનપા દ્વારા 2.35 લાખની કિંમતનું 55 હજાર કિલોથી વધુ ઓર્ગેનિક ખાતરનું વેચાણ કર્યું છે.

કોર્પોરેશન દ્વારા સેક્ટર-21 ડિસ્ટ્રિક્ટર શોપિંગ સેન્ટરની પાછળ આવેલી નર્સરી ખાતેથી જૈવિક ખાતરનું વેચાણ કરાય છે. 50 કિલો સુધીના જથ્થાની ખરીદી પર 6 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જ્યારે 50 કિલોથી વધુની ખરીદી પર 3.6 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખાતર નાગરિકોને આપવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા શહેરના બગીચા સહિત 8 જેટલા સ્થળે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર સેન્ટર કાર્યરત છે. જેમાં હોટેલોમાંથી નીકળતો એઠવાડ, નાગરિકોના ઘરેથી લેવાતો ભીનો કચરો નાખીને જૈવિક ખાતર તૈયાર કરવામાં આવે છે.

જુલાઈમાં ઈ-વેસ્ટ માટે 9 જેટલા જ કોલ
મનપા દ્વારા ખાનગી એજન્સી મારફતે જુલાઈની શરૂઆતથી ઘરે બેઠા ઈ-વેસ્ટ કલેક્શન લેવાની શરૂઆત કરેલી છે. જેમાં 89800 04000 નંબર પર કોલ કરતાં જ ECS એજન્સીના માણસો નાગરિકોના ઘરે પહોંચે છે. ત્યારબાદ વસ્તુ પ્રમાણે પૈસા ચુકવવામાં આવે છે. મળેલી માહિતી મુજબ આ મહિનામાં 9 જેટલા જ કોલ આવ્યા છે. જેમાંથી 5 કોલને ઈવેસ્ટ કલેક્શન માટે કન્ફર્મ કરવામાં આવ્યા હતા અને બીજા ફોલોઅપમાં છે. જેમાં એરકન્ડીશનરના 2000, લેપટોપ-વોશિંગ મશીન-ફ્રીજના 500, કોમ્પ્યુટર ડેસ્કટોપના 500, ફોનના 200 તથા જનરેલ ઈ-વેસ્ટના કિલોએ 15 રૂપિયા અપાય છે.

જૂન મહિનામાં 700 કિલો ઈ-વેસ્ટ એકઠું થયું
મનપાની પહેલના હાલના સમયે ઓછો પ્રતિભાવ મળવાના કારણમાં જૂન મહિનામાં જ શહેરમાંથી 700 કિલો ઈ-વેસ્ટ એકઠું થઈ ગયું હતું. વિશ્વ પર્યાવરણ દિવસને લઈને શહેરના નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા ઈ-વેસ્ટ કલેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં 700 કિલો ઈ-વેસ્ટ એકઠું કરીને તેના નિકાલ માટે ખાનગી કંપનીમાં મોકલી આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...