પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી ગ્રામ પંચાયત સેક્રેટરી-તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે અરજી કરવાની મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લા દિવસના અંતે તલાટી માટે કુલ 23.23 લાખ ફોર્મ ઓનલાઇન રજિસ્ટર્ડ થયા હતા, જેમાંથી 18.21 લાખ ફોર્મ કન્ફર્મ થયાં છે. તલાટીની ભરતી માટે સર્વરની સમસ્યા સર્જાતાં વધુ બે દિવસની મુદત આપ્યા બાદ 17મી ફેબ્રુઆરીએ રાત્રે 12 વાગ્યા સુધી ઓનલાઇન ફોર્મ સ્વીકારવામાં આવ્યાં હતાં. તે બાદ ડુપ્લિકેશન અને અપૂરતી વિગતો સાથેનાં ફોર્મ રદ થયા પછી ફાઇનલ 18.21 લાખ ઉમેદવારોના ફોર્મ કન્ફર્મ થયાં છે. આ પૈકી જનરલ કેટેગરીમાં આવતા ત્રણ લાખ ઉમેદવારો છે. તેમની પાસેથી 100 રૂપિયા ફોર્મ ફી પેટે લેવાતાં પંચાયત સેવા પસંદગી બોર્ડને કુલ ત્રણ કરોડ રૂપિયાની આવક થઇ છે.
વર્ગ-3ની સરકારી જગ્યા માટે અત્યાર સુધીના સૌથી વધુ અરજીપત્રકો મળ્યાં છે. ધોરણ-12ની શૈક્ષણિક લાયકાત અને ઉપલી વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવામાં આવ્યો હોવાથી લાખોની સંખ્યામાં ઉમેદવારોએ અરજી કરી છે. 18.21 લાખ ઉમેદવારો સામે ખાલી 3437 જગ્યાઓને ધ્યાને લેતાં એક જગ્યા માટે 530 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે.
પંચાયત વિભાગે જુનિયર ક્લાર્કની 1181 જગ્યાઓની ભરતી પણ બહાર પાડી છે. શુક્રવારથી તેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે જુનિયર ક્લાર્ક માટે પણ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અને મહત્તમ વય મર્યાદા 36 વર્ષ હોવાથી મોટી સંખ્યામાં ફોર્મ ભરાઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.