ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં બજેટમાં નવી એજ્યુકેશન પોલિસીના અસરકારક અમલ માટે નક્કર આયોજન કરવામાં આવ્યું છે. ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી કોર્પોરેશન વિસ્તારમાં જર્જરિત આંગણવાડીના રીનોવેશન અને નવી આંગણવાડીઓના નિર્માણ માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. જે અંતર્ગત મનપા દ્વારા 21 નવી આંગણવાડી બનશે અને 31 જર્જરિત આંગણવાડીનું રીનોવેશન હાથ ધરાશે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સૂત્રો નાં કહેવા મુજબ, ગાંધીનગર મનપા વિસ્તારની આંગણવાડીઓને પંચતત્વની થીમ પર વિકસાવવામાં આવશે. પૃથ્વીના ગોળા જેવા આકારમાં વૃક્ષોની હરિયાળી સાથે આંગણવાડીઓનું નિર્માણ થશે. જેના કારણે વિદ્યાર્થીઓને પંચ તત્વના મહત્ત્વ અને પર્યાવરણની જાળવણી માટે પ્રેરણા મળશે. આ ઉપરાંત દરેક વોર્ડમાં એક સ્માર્ટ સ્કૂલ બનાવવાનું આયોજન છે. પ્રાથમિક શાળામાં શિશુ વાટિકા શરૂ કરવા માટે પણ ચિલ્ડ્રન્સ યુનિ. સાથે સમજૂતિ કરવામાં આવી છે.
બાળ શિક્ષણના ક્ષેત્રમાં નૂતન પહેલ હાથ ધરવા માટે ચિલ્ડ્રન્સ યુનિ.ને ડિઝાઈન બનાવવાની સાથે કોર્સ તૈયાર કરવાની જવાબદારી પણ સોંપાઈ છે. ગરીબ વસતીના બાળકો, જે આંગણવાડી સુધી નથી પહોંચી શકતા અથવા ઉદાસીનતા દાખવે છે, તેમના માટે વિશેષ જોગવાઈ કરાઈ છે.
ગરીબ બાળકોને મોબાઈલ સ્કૂલ વાનના માધ્યમથી શિક્ષણ આપવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.શ્રમિકોના વિસ્તારમાં મોબાઈલ સ્કૂલ વાન ફરતી રહેશે. જેમાં બાળકો માટે રમત-ગમતના સાધનો અને નાસ્તો રાખવામાં આવશે. આ સાથે શિક્ષક પણ તૈનાત રહેશે. મોબાઈલ વાનની મદદથી શ્રમિક બાળકોને આંગણવાડી સુધી જતા કરવાના પ્રયાસ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.