નિર્ણય:સુઘડમાં 200 કરોડની જમીનમાં પડેલી નોંધ પ્રાંત દ્વારા ના મંજૂર

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઈકોર્ટની મનાઈ છતાં નોંધ પડી હોવાને પગલે નિર્ણય

ગાંધીનગર આસપાસની જમીનોના ભાવ આસમાને પહોંચતા છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યા છે. ખેડૂતોને અંધારામાં રાખીને જમીનો લખાવી લેવાના કેસ પણ બની રહ્યા છે. ત્યારે સુઘડમાં આવેલી આશરે 200 કરોડ રૂપિયાની 34 વીઘા જમીનમાં પડેલી નોંધ પ્રાંત અધિકારી દ્વારા નામંજૂર કરાઈ છે. કલેક્ટર દ્વારા આ જમીનની તપાસ જિલ્લા પોલીસ વડાને સોંપી હતી. જોકે સમગ્ર મુદ્દે હાઈકોર્ટ અને દિવાની કોર્ટ જે નિર્ણય આપે તે પક્ષકારોને બંધનકર્તા રહેશે.

મળતી માહિતી મુજબ સુઘડ ગામમા રહેતા ભીખાજી જેસંગજી ઠાકોર દ્વારા સુઘડમા આવેલી તેમની જમીન સર્વે નંબર 8, 10, 14, 15 અને 347 બાબતે જિલ્લા તકેદારી સમિતીમાં કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. જમીનને 11 જેટલા લોકો દ્વારા ખેડૂતની નિરક્ષરતાનો લાભ ઉઠાવી જમીન લખાવી લેવામાં આવી હતી. ત્યારે મિલકતની તબદીલી અને નીચલી કોર્ટના હુકમના અમલ પર હાઈકોર્ટનો મનાઈ હુકમ થયેલો છે. હાઈકોર્ટમાં સમગ્ર બાબત વિચારાધિન હોવાથી પ્રાંત દ્વારા નોંધ રદ્દ કરાઈ છે.

ઉલ્લેખનિય છે કે, નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવાની લાલચ આપી જમીનના રજિસ્ટર બાનાખત કરી છેતરપિંડી થઈ હોવાનો દાવા થયો હતો. સમગ્ર અરજી બાદ પ્રાંત અધિકારી દ્વારા સંલગ્ન અધિકારીને તપાસ કરવાનો પણ આદેશ આપ્યો હતો. ખોટી વારસાઇ અને ખોટુ પેઢીનામું સહિતની માહિતી માંગી હતી. નોટરી, સોગંધનામનો અહેવાલ માંગ્યો હતો. સબ રજિસ્ટ્રાર સામે સાક્ષીઓના જવાબ અને નોટીસ રૂબરુ કરાવી હોય તો તેની પણ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

સમગ્ર મુદ્દે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને પણ રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે કલેક્ટરને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા માટે જણાવાયું હતું. સમગ્ર મુદ્દે પ્રાંત અધિકારી દ્વારા નોંધ ના મંજૂર કરાઈ છે. જોકે 60 દિવસની અંદર અરજદારો કલેક્ટર સમક્ષ રજૂઆત કરી શકશે. જમીનના ભાવ વધતાં છેતરપિંડીની બનાવો પણ વધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...