કલેક્ટરનો પ્રયોગ સફળ રહ્યો:ગાંધીનગરમાં 'મૂન લાઇટ' કાર્યક્રમ થકી 2 હજાર વીજ યુનિટની બચત થઇ, 2500 કિલો Co2 ઉત્સર્જનમાં ઘટાડો નોંધાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • એસી, ફ્રીજ ધરાવતા 3BHK હાઉસની 4 મહિના સુધી વાપરી શકાય તેટલી વીજ યુનિટની બચત થઇ: કલેક્ટર ડો. કુલદીપ આર્ય

ગાંધીનગર જિલ્લા કલેકટર ડૉ. કુલદીપ આર્ય દ્વારા ગઈકાલે પૂનમની રાત્રે નગરની સ્ટ્રીટ લાઈટો બંધ કરીને 'મૂન લાઇટ' કાર્યક્રમ કાર્યક્રમ યોજવાનો પ્રયોગ સફળ થયો છે. આ કાર્યક્રમથી ગાંધીનગરમાં ત્રણ કલાક સ્ટ્રીટ લાઈટો બંધ રાખવાથી 2 હજાર વીજ યુનિટની બચત સાથે 2500 કિલો કાર્બન ડાયોક્સાઈડ (Co2) ઉત્સર્જનમાં ઘટાડો નોંધાયો છે.

પૂનમની રાત્રે મૂન લાઇટ કાર્યક્રમનું આયોજન કરાયું
ગાંધીનગરમાં ગઈકાલે સોમવારે પૂનમની રાત્રે મૂન લાઇટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ મૂન લાઇટ કાર્યક્રમના ભાગરૂપે નગરજનોએ પૂનમની રાત્રિનો અનેરો અહેસાસ કર્યો છે. તેમજ નગરજનોના સહકારના કારણે ઉપરોક્ત કાર્યક્રમ થકી 2 હજાર વીજ યુનિટની બચત કરવામાં આવી છે તેમ ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું છે.

2 હજાર વીજ યુનિટની બચત થઇ
ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે , સમગ્ર ગાંધીનગર શહેરમાં મુનલાઇટ કાર્યક્રમના ભાગરૂપે નગરના 1થી 30 સેકટરોના આંતરિક માર્ગોની લાઇટ રાતના 9થી 12 વાગ્યા સુધી બંધ રાખવામાં આવી હતી. તેની સાથે સેન્ટ્રલ વિસ્ટાની કુલ- 15 હજાર 470 એલ.ઇ.ટી લાઇટ પણ રાત્રિના આ સમય દરમિયાન બંધ રાખવામાં આવી હતી. જેના કારણે 1100 વીજ યુનિટની બચત થઇ છે. તેમજ સાંજે તથા સવારે લાઇટ ચાલુ તથા બંધ થવાના સમયમાં 30 મિનીટનો ઓફસેટ ટાઇમ લગાડવામાં આવ્યો છે. જેના થકી 900 વીજ યુનિટની બચત થઇ રહી છે. આમ મનૂલાઇટ કાર્યક્રમ થકી ગાંધીનગર શહેરમાં 2 હજાર વીજ યુનિટની બચત કરવામાં આવી છે.

1000 કિલો કોલાસાનો વપરાશ ઓછો થયો
ઉપરોક્ત વીજ યુનિટની બચતથી એસી, ફ્રીજ ઘરાવતા 3BHK હાઉસની 4 મહિના સુધી વાપરી શકાય તેટલી વીજ યુનિટની બચત થઇ છે. તેમજ આ કાર્યક્રમ થકી 1000 કિલો કોલાસાનો વપરાશ ઓછો થયો છે. 2500 કિલો કાર્બન ડાયોક્સાઇડનાં ઉત્સર્જનમાં ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...