ગાંધીનગર જિલ્લામાં 2 મહાત્મા મંદિર બની જાય એટલી જમીન ભૂમાફિયાઓએ પચાવી પાડી છે. 2 મહાત્મા મંદિર જેટલી કુલ 5.20 લાખ ચોરસ મીટર જમીન હડપ કરવાના 62 કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાવવા આદેશ કરાયો છે અને 50 કિસ્સામાં ફરિયાદ નોંધાઈ છે. ભૂમાફિયાઓને નિયંત્રણમાં લાવવા ગુજરાતમાં ડિસેમ્બર, 2020માં લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ કરાયો છે. આમ છતાં જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1,86,19,224 ચોરસ મીટર જમીન પચાવી પાડ્યાના આક્ષેપ કરતી કુલ 710 અરજી કલેક્ટર કચેરીમાં કરાઈ છે.
આ અરજીઓની કુલ આક્ષેપિત જમીન ગણીએ તો ગાંધીનગરનાં 18 સેક્ટર બની જાય તેટલી થાય છે, જોકે 415 અરજીમાં જમીન પચાવી પાડ્યાનું પુરવાર થઈ શક્યું નથી જ્યારે 259 અરજી પર તપાસ ચાલી રહી છે. અરજીઓનું નિરાકરણ લાવવા 15 દિવસે કમિટી નિર્ણય કરે છે. જમીનમાલિક દ્વારા જમીનના પુરાવા સાથે કાયદા અન્વયે અરજી થાય છે. જે અન્વયે કલેક્ટરની અધ્યક્ષતામાં નિમાયેલી 7 સભ્યની કમિટી અરજી પર વિચારણા કરે છે. અરજી માન્ય રહે તો 30 દિવસમાં જે-તે પોલીસ સ્ટેશનમાં અરજદારને કેસ કરવા હુકમ થાય છે.
ઓછામાં ઓછી 10 અને વધુમાં વધુ 14 વર્ષ સુધીની કેદ થઈ શકે છે
કાયદા હેઠળ ગુનેગારો દોષિત ઠરેથી ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ 14 વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડની જોગવાઈ છે. જેના પર આરોપ છે તેને જમીન પોતે પચાવી પાડી નથી તેવું કોર્ટ સમક્ષ પૂરવાર કરવાનું રહે છે. તો ફરિયાદના કિસ્સામાં જમીન ખરીદનારે ખરીદી માટેના નાણાકીય સ્રોત પોતાની આવકમાંથી ઊભા કરેલા છે તેવું સાબિત કરવાનું રહે છે.
શું છે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ? વિધેયક, 2020 પાસ કરાયું હતું
મહેસૂલ વિભાગ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન વિધેયક, 2020 પાસ કરાયું હતું. આ કાયદામાં જણાવાયા અનુસાર જો કોઇ વ્યક્તિ કે વધુ વ્યક્તિઓ સરકારી, ધર્માદાની સંસ્થા કે અંગત માલિકીની જમીન પચાવી પાડીને તેને વેચે, અન્ય કોઇને સોંપે, વેચાણ હેતુ જાહેરાત આપે કે આ હેતુથી કબ્જામાં લે, બીજાને જમીન પચાવી પાડવા માટે ઉશ્કેરે, પોતે આવી જમીનનો ઉપયોગ કરે કે અન્યને ઉપયોગની પરવાનગી આપે, તેના પર મકાન ચણવાના કરારોમાં સામેલ થાય, અને પોતે કે અન્ય વ્યક્તિઓ મારફતે આ પ્રવૃત્તિઓ કરાવે તો તેના વિરુદ્ધ આ કાયદાની જોગવાઇ લાગુ પડશે. જો એવું માલૂમ પડશે કે જમીન પચાવી પાડવાના ગુનામાં કોઇ કંપની સામેલ છે તો તે કંપનીના તમામ પ્રભારી વ્યક્તિઓ વિરુદ્ધ આ ગુનો લાગુ પડશે.
લેન્ડ ગ્રેબિંગની ફેક્ટ ફાઇલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.