મોત અંગેનું કારણ ન આપ્યું, ન્યાય તો આપો!:શંકાસ્પદ મોતના 2 કિસ્સાઃ સે-4ના દંપતી અને સે-24ના મહિલાના મોત મુદ્દે માનવ અધિકાર આયોગમાં અરજી

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુત્રીનો દાવો : કોરોના ન હોવા છતાં કોરોના દર્દી તરીકે દાખલ  કર્યા હતા - Divya Bhaskar
પુત્રીનો દાવો : કોરોના ન હોવા છતાં કોરોના દર્દી તરીકે દાખલ કર્યા હતા
  • તંત્ર તરફથી ન્યાય તો દૂર રહ્યો પરંતુ સરખા જવાબ પણ ન મળતા હોવાના દાવા સાથે બંને કિસ્સામાં માનવ અધિકાર આયોગમાં અરજી થઈ છે

ગાંધીનગરમાં કોરોનાએ અત્યાર સુધી 215 લોકોનો જીવ લીધો છે ત્યારે તેમાંથી સેક્ટર-4ના દંપતી અને સેક્ટર-24ના મહિલાના મોત કોરોનાથી નહીં થયા હોવાનો પરિવારજનોનો દાવો છે ત્યારે સેક્ટર-4 માતા-પિતા ગુમાવનાર પુત્રી તેજલ શુકલ અન સેક્ટર-24માં માતાના મોત મુદ્દે પુત્ર જિજ્ઞેશકુમાર સુરેશકુમાર રાવલ ન્યાય માટે લડી રહ્યાં છે. ત્યારે તંત્ર તરફથી ન્યાય તો દૂર રહ્યો પરંતુ સરખા જવાબ પણ ન મળતા હોવાના દાવા સાથે બંને કિસ્સામાં માનવ અધિકાર આયોગમાં અરજી કરવામાં આવી છે. છતાં તંત્ર આ બાબત અંગે બેદરકારી દર્શાવી રહ્યું છે.

કિસ્સો 1 - પુત્રીનો દાવો: કોરોના ન હોવા છતાં કોરોના દર્દી તરીકે દાખલ કર્યા હતા
સેક્ટર-4 સી પ્લોટ નં-617/2 ખાતે રહેતા તારાબહેન ગણપતભાઈ રાવલને 15 જૂનના રોજ હ્યદયરોગના દર્દી તરીકે ગાંધીનગર સિવીલમાં દાખલ કરવામા આવ્યા હતા, જેઓને 21 જૂનના દિવસે મૃત જાહેર કરાયા હતા. બીજી તરફ તેમના પતિ ગણપતભાઈ કાંતિભાઈ રાવલને 17 જૂનના દિવસે અશક્તિને કારણે સિવીલમાં દાખલ કર્યા હતા. જેઓને 23 જૂનના રોજ મૃત જાહેર કર્યા હતા. ત્યારે પુત્રી તેજલ શુક્લનો દાવો છે કે માતા-પિતાને કોરોનાની કોઈપણ પ્રકારની બિમારી ન હોવા છતાં કોરોના દર્દી તરીકે ગણી લઈ કોરોના વોર્ડમાં દાખલ કરાયા હતા. જેથી સારવારમાં બેદરકારી હોવાના આક્ષેપ સાથે તેણે તપાસની માંગ કરી હતી. જેમાં માતા-પિતાને કોરોનાનો રિપોર્ટ પોઝિટવ કે નેગેટિવ આવ્યો હોય તો તેની જાણ કેમ ન કરાઈ, માતા-પિતાને કયા પ્રકારની સારવાર અને કયાં પ્રકારની દવા અપાઈ, માતા-પિતાના શરીર પર દાગીના હતા તેનો કબ્જો પરિવારને સોંપ્યો નથી જેવા મુદ્દા પર તપાસની માંગણી પુત્રીની છે.

  • કેટલી જગ્યાએ અરજી કરી: ગત મહિને કલેક્ટર કચેરી બાદ યુવતીએ 24 સપ્ટેમ્બરના રોજ માનવ અધિકાર પંચ, મહિલા આયોગ, મુખ્યમંત્રી કચેરી, રેન્જ IG, જિલ્લા પોલીસ વડા, સે-7 પો.સ્ટે. ખાતે ન્યાયની માંગ સાથે અરજી કરી છે.
  • તંત્રએ શું પગલાં લીધા?: કલેક્ટર કચેરી ખાતે કરવામા આવેલી અરજીમાં તપાસ ચાલી રહી છે, જ્યારે 24મી થયેલી અરજીઓમાં તાત્કાલિક પગલાં લેવા પરિવારે માંગ કરી છે.

કિસ્સો 2 -પુત્રનો દાવો: ગોટાળાથી ગભરાઈ જતા માતાનું મોત થયું
સેક્ટર-24 શિવમ ફ્લેટ ખાતે રહેતાં 56 વર્ષીય અલકાબેન સુરેશકુમાર રાવલ (એમ-11/131)નું 31 જુલાઈના રોજ મોત થયું હતું. તેઓની તબિયત ખરાબ થતાં 27 જુલાઈના રોજ તેમનો કોવિડ ટેસ્ટ સે-16 ખાતે આવેલા શ્રધ્ધાદીપ લેબોરેટરીમાં કરાવ્યો હતો. જેમાં ગોટાળાથી ગભરાઈ જતા માતાનું મોત થયું હોવાનો પુત્રનો દાવો છે. દાવા મુજબ પરિવારે 28 જુલાઈએ લેબમાં ફોન કરતાં રાત્રે 9 વાગ્યા પછી રિપોર્ટ મળશે તેવું કર્યું હતું. બીજી તરફ અર્બન હેલ્થ સેન્ટર પાસે 10 વાગ્યે રિપોર્ટ પહોંચી ગયો હતો. જેને પગલે આરોગ્યની ટીમ તાત્કાલિક દર્દીના ઘરે પહોંચતા માતા ગભરાઈ ગયા હતા. આ બધી ચિંતાને કારણે બે દિવસમાં જ એટેકથી તેમનું મોત થયું હતું. એટલે રિપોર્ટ ખોટો કે બીજાનો હોવાની શંકા પરિવારને છે.

  • કેટલી જગ્યાએ રજૂઆત કરી?: આ સમગ્ર બાબતે 21 ઓગસ્ટ સે-21 પોલીસને અરજી કરી, કોર્પોરેશનમાં રજૂઆતો કરી, 25 ઓગસ્ટે જિલ્લા પોલીસ વડાને અરજી કરાઈ, 26 ઓગસ્ટે બ્રહ્મ સમાજે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કલેક્ટરને લેખિત રજૂઆત કરી, આ ઉપરાંત પરિવારે મહાનગરપાલિકા, હેલ્થ કમિશનરની કચેરીમાં રજૂઆત કરવામા આવી છે.
  • તંત્રએ શું પગલાં લીધા?: મનપા દ્વારા 19 ઓગસ્ટે શ્રદ્ધાદીપ લેબને નોટિસ આપીને 5 દિવસમાં જવાબ મંગાયો હતો. જેનો જવાબ આવી ગયો હોવા છતાં પરિવારના સભ્યોને બતાવાતો નથી કે તપાસમાં શું પગલાં લેવાયા તે કહેવાતું નથી.
અન્ય સમાચારો પણ છે...