કોરોના:જિલ્લામાં 19 દિવસ બાદ કોરોનાના 2 કેસ નોંધાયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પિતા અને પુત્રના સંપર્કમાં આવેલા પરિવારના 5 સભ્યના સેમ્પલ લેવાયા

19 દિવસના લાંબા વિરામ બાદ કોરોનાના બે કેસ નોંધાયા છે. દિવાળી કરવા મુંબઇથી આવેલા બાપ-દિકરાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આથી બાપ-દિકરાના સંપર્કમાં આવેલા પરિવારના 5 સભ્યોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે બાપ-દિકરાને હોમ આઇસોલેશન સારવાર લઇ રહ્યા છે. ગત જુલાઇ-2021માં કોરોનાનું સંક્રમણ ધીરે ધીરે ઘટતા આખા મહિનામાં 27 પોઝિટીવ કેસની સામે 61 સાજા થયા હતા. જ્યારે કોરોનાની સારવાર દરમિયાન 3 દર્દીઓના મોત નિપજ્યા હતા.

ત્યારબાદ ગત ઓગસ્ટ-2021માં કોરોનાના સંક્રમણની ગતિ મંદ પડતા આખા મહિનામાં માત્ર 6 કેસ નોંધાયા અને ચાર દર્દીઓ સાજા થયા હતા. જોકે કોરોનાની સારવાર દરમિયાન એકપણ દર્દીનું મોત નિપજ્યું નહી. જોકે આ સિલસિલો ચાલુ રહેતા ગત સપ્ટેમ્બર-2021માં 7 કેસની સામે 4 દર્દીઓ સાજા અને એકપણ મોત નહી. જ્યારે ગત ઓક્ટોબર-2021માં 2 કેસ અને 3 દર્દીઓ સાજા થયા છે. જોકે ગત ઓક્ટોબર માસમાં ગત 2જી અને 12મીના રોજ એક-એક કેસ નોંધાયો હતો. ત્યારબાદ સતત 19 દિવસ સુધી એકપણ કેસ નોંધાયો નહી. પરંતુ 20મો દિવસ એટલે 1લી, નવેમ્બરે મનપા વિસ્તારમાંથી બે કેસ નોંધાયા છે.

ગાંધીનગર મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારી ડો.કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે દિવાળીનો પર્વ કરવા મુંબઇમાં રહેતો પરિવાર ચારેક દિવસ પહેલાં સેક્ટર-2માંં રહેતા પિતાના ઘરે આવ્યો હતો. મુંબઇથી આવેલા પરિવારમાંથી 44 વર્ષી પિતા અને 13 વર્ષીય પૂત્રને બે દિવસથી તાવની બિમારી હતી. આથી પિતા-પૂત્રએ આરટીપીસીઆર રિપોર્ટ કરાવતા પોઝિટીવ આવ્યો હતો. આથી પિતા-પૂત્રએ હોમ આઇસોલેશન સારવાર પસંદ કરી છે. જ્યારે આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાથી સંક્રમિત પિતા-પૂત્રના સંપર્કમાં આવેલા પરિવારના 5 વ્યક્તિઓના સેમ્પલ લઇને રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. ગાંધીનગર આવેલો મુંબઇનો પરિવાર પોતાની ખાનગી ગાડીમાં આવ્યા હતા. પરિવારને કોરન્ટાઇન કરીને કોરોનાની ગાઇડ લાઇન મુજબ સારવાર આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...