ડભોડા ગામમા ઘર પાસે મુકવામા આવેલી ઇકો કારના સાઇલેન્સરની દોઢ મહિના ચોરી થઇ હતી. આરોપીઓ વલાદ પાસે સાઇલેન્સરનુ વેચાણ કરવા આવતા ડભોડા પોલીસે ઝડપી લીધા હતા. બંને આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. રમેશજી ચતુરજી ઠાકોર (રહે, ડભોડા)ની ઇકોના સાઇલેન્સરની ચોરી થઇ હતી. ગત 25 ડીસેમ્બરના રોજ તેમની ઇકોને નિત્યક્રમ મુજબ તેમના ઘર પાસે આવેલા બહુચર માતાજીના મંદિર પાસે આવેલા ખાલી જગ્યામા પાર્ક કરેલી હતી. તે દરમિયાન અજાણ્યા ચોર સાઇલેન્સર ચોરી ગયા હતા.
કારની વર્ધી મળતા કારને મુસાફર સુધી લઇ જવા માટે ચાલુ કરતા જ અવાજ બદલાયેલો લાગ્યો હતો. જેને લઇને તેમની કારનુ સાઇલેન્સર ચોરાયુ હોવાનુ સામે આવ્યુ હતુ. ડભોડા પોલીસ મથકમા ચોરીની ફરિયાદ કરી હતી. ડભોડા પોલીસ મથકના પીએસઆઇ એ.એ.વછેટાની સૂચનાથી ટીમ કામગીરી કરી રહી હતી. દરમિયાન માહિતી મળી હતી કે, દોઢ મહિના પહેલા ઇકો કારમાંથી ચોરી કરાયેલા સાઇલેન્સરને વેચવા માટે વલાદ પાસે 2 લોકો આવવાના છે.
જેથી પોલીસે વોચ ગોઠવતા હર્ષદ ઉર્ફે એપી. ખોડસિંહ ઝાલા (રહે, રખિયાલ ) અને સતિષ નવસિંહ ચૌહાણ (રહે, હરસોલી, ઘંટીવાળો વાસ, દહેગામ)ને પાસેથી સાઇલેન્સરના અલગ અલગ ભાગ મળી આવ્યા હતા. પૂછતાછ કરતા સામે આવ્યુ હતુ કે, દોઢ મહિના પહેલા ડભોડામાંથી ઉપરોક્ત આરોપીઓ સહિત સિદ્ધરાજ નટવરસિંહ ચૌહાણ (રહે, હરસોલી) સાથે મળીને ચોરી કરી હતી. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.