ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ડિસેમ્બરમાં યોજાવાની હોવાનાં પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા તાજેતરમાં બીએલઓ મારફતે હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવતાં જિલ્લાની પાંચેય બેઠકમાં 1.93 લાખ ઘરોમાં સર્વે કરાયો હતો. જે અન્વયે પાંચેય બેઠકોમાં અવસાનના કિસ્સામાં 11 હજાર 205 મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરાયા છે. જ્યારે 10 હજાર 616 નવા મતદારોનો ઉમેરો થયો છે. જેમાં સૌથી વધુ 18થી 29 વર્ષના મતદારો હોવાનું સામે આવ્યું છે.
ગાંધીનગરની પાંચેય બેઠકમાં કુલ 1.93 ઘરોમાં સર્વે કરવામાં આવ્યો
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા જોરશોરથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા તાજેતરમાં 15 દિવસ બીએલઓ મારફતે 15 દિવસનો હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ગાંધીનગરની પાંચેય બેઠકમાં કુલ 1.93 ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. તમામ બીએલઓ દ્વારા પોતાના વિસ્તારમાં આવતા ઘરોમાં તપાસ કરીને ત્યાં નવા મતદાર આવ્યા હોય તો તેમની નોંધણી કરવા ઉપરાંત અવસાન તથા સ્થળાંતરના કિસ્સામાં નામ કમી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જિલ્લાની પાંચ બેઠકોમાં હાઉસ ટુ હાઉસ સર્વે કરાયો
જેમાં ગાંધીનગર જિલ્લાની દહેગામ, ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, કલોલ તથા માણસા વિધાનસભા બેઠકમાં બીએલઓ દ્વારા નવા કુલ 10 હજાર 616 મતદારો નવા નોંધવામાં આવ્યા હતા. જેમાં 4 હજાર 964 પુરુષ, 5 હજાર 645 સ્ત્રી તથા સાત ત્રીજી જાતિનો સમાવેશ થાય છે. જ્યારે અવસાનના કિસ્સામાં ઘણા મતદારોના નામ કમી પણ કરવામાં આવ્યા છે . કોરોના બાદ આ રીતે પ્રથમ વખત હાઉસ ટુ હાઉસ સર્વે કરાતાં પાંચેય બેઠકમાં નવા ઉમેરાયા મતદાર કરતા અવસાનના કિસ્સામાં કમી કર્યા તેવા મતદારની સંખ્યા વધુ છે.
અવસાનના કારણે માણસામાં સૌથી વધુ મતદારોનાં નામ કમી કરાયા
ગાંધીનગર જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકમાં કરવામાં આવેલા હાઉસ ટુ હાઉસ સર્વેમાં કુલ 1.93 લાખ ઘરોમાં બીએલઓ મારફતે તપાસ કરવામાં આવી હતી જે પૈકી અવસાનના કિસ્સાને કારણે 11 હજાર 205 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ 4 હજાર 529 મતદારો માણસા બેઠકમાં મૃત્યું પામ્યા હોવાનું સામે આવ્યું છે.જ્યારે ગાંધીનગર (દ)માં 2 હજાર 103, મતદારો, દહેગામમાં 1 હજાર 890 મતદારો, ગાંધીનગર(ઉ)માં 1 હજાર 542 મતદારો જ્યારે કલોલમાં 1 હજાર 141 મતદારો મૃત્યું થયા હોવાને કારણે તેમના નામ યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે.
સૌથી વધુ 18થી 29વર્ષના 7 હજાર 539 યુવા મતદારો નવા ઉમેરાયા
નવા નોંધાયેલા 10 હજાર 616 મતદારોમાં સૌથી વધુ 18થી 29 વર્ષના મતદારો હોવાનું સામે આવ્યું છે. જેમાં 7,539 યુવા મતદારો છે જ્યારે 29થી વધુ વયના 3 હજાર 077 મતદારો છે. આ નવા નોંધાયેલા મતદારોમાં મહિલા મતદારોની સંખ્યા વધુ છે. જે પૈકી 5 હજાર 645 સ્ત્રી મતદારો, 4 હજાર 964 પુરુષ મતદારો જ્યારે 7 ત્રીજી જાતિના મતદારો પણ નોંધાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.