ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:સોલરમાં રોકાણના નામે 1800 કરોડનું ‘સરકારી’ છળ!; સોલરથી વીજના નામે 4000 ગુજરાતીઓ આ રીતે છેતરાયા

ગાંધીનગરએક મહિનો પહેલાલેખક: દિનેશ જોષી
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • જમીન ભાડાપટ્ટે લઈ સોલર પ્લાન્ટ નાખનારાઓની હાલત કફોડી થઈ
  • રૂપાણી સરકારે સોલરથી વીજઉત્પાદન માટેની યોજનામાં સબસિડી આપવાની વાત કરી હતી
  • વ્યાજમાં રાહતનાં સપનાં બતાવી 4 હજાર લોકો પાસેથી 1800 કરોડ રોકાણ કરાવડાવ્યું પછી યોજના બંધ કરી
  • હવે પટેલ સરકાર કહે છે, આ જૂની સરકારે કર્યું હતું, અમે શું કરીએ?
  • સોલર પ્લાન્ટ સ્થાપનારા વીજ ઉત્પાદન શરૂ કરે એ પહેલાં જ સરકારે સ્કીમ બંધ કરી, વીજદર પણ વધાર્યા નહીં

વીજ કટોકટીને ધ્યાનમાં રાખીને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઊર્જામંત્રી સૌરભ પટેલ સોલરથી ખાનગી ઉત્પાદકો વીજ ઉત્પાદન કરે અને તે વીજળી રાજ્ય સરકાર ખરીદે તેવી યોજના સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલર પ્રોજેક્ટ લાવ્યા હતા. આ યોજનામાં સરકારે ખાનગી ઉત્પાદકો એટલે કે સૌર વીજ ઉત્પાદકોએ લીધેલી લોનમાં 7 ટકા વ્યાજ સહાય અને રૂ. 30થી35 લાખ સબસિડી આપવાનું પ્રોત્સાહન આપ્યું હતું.

આ પ્રોત્સાહનથી આકર્ષિત થઇને 4 હજાર(કુલ 3,967)રોકાણકારોએ પ્રોજેક્ટ નાખવા કુલ રૂ.1800 કરોડનું રોકાણ કર્યુ હતું. આ રોકાણ પછી રાજ્ય સરકારે વ્યાજ સહાય અને સબસિડી જ બંધ કરી દેતા રોકાણકારો ન ઘરના કે ન ઘાટના રહ્યા છે. રૂપાણી સરકારની યોજનામાં ભૂપેન્દ્ર પટેલની સરકારને પણ કોઇ ઉકેલ ન મળતા નાના રોકાણકારોના કરોડો રૂપિયાનું નુકસાન જાય તેમ હોવાથી તેઓ રોડ પર આવી જાય તેવી સ્થિતિ સર્જાશે તેમ રોકાણકારોનું કહેવું છે.

ખાનગી ઉત્પાદકો પાસેથી મોંઘા ભાવે વીજ ખરીદી કરવી ન પડે અને વીજ ઉત્પાદનની ક્ષમતા વિકસે એટલે રૂપાણી સરકારે s.s.d.s.p.-2019 એટલે કે સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલર પ્રોજેક્ટ-2019 યોજના રજૂ કરી હતી. આ યોજનામાં 0.5 મેગાવોટથી 4 મેગાવોટનુ સોલર વીજ ઉત્પાદન કરવાનો પ્રોજેક્ટ નાખવામાં આવે અને આ પ્રોજેક્ટમાં જે વીજળી ઉત્પાદન થાય તે રાજ્ય સરકારની વીજ કંપની યુનિટદીઠ રૂ.2.83 લેખે ખરીદે. ગુજરાત સરકારે પ્રોત્સાહન સ્વરૂપે પ્રોજેક્ટ નાખવા માટે લીધેલી લોનમાં 7 ટકા વ્યાજ સહાય અને રૂ. 35 લાખ સબસિડી આપવાનું નક્કી કર્યુ હતું. નાના રોકાણકારે રૂ.4 કરોડના ખર્ચે 1 મેગાવોટનું વીજ ઉત્પાદન કરી શકે તેવી યોજના હતી.

આ યોજનામાં સહભાગી થવા માટે રાજ્ય સરકારે તા.3 ઓકટોબર,2020થી તા.31 માર્ચ,2021 દરમિયાન અરજી મંગાવી હતી. આ અરજી માટે સરકારે રૂ.2500 વસુલ્યા હતા, આમછતા 12500 લોકોએ અરજી કરી અને સરકાર માત્ર અરજી મેળવવામાંથી જ 12.50 લાખ કમાઇ હતી. અરજી આવ્યા પછી રાજ્ય સરકારે ચકાસણી કરીને 7500ને પ્રોજેક્ટ નાખવાની મંજૂરી આપી હતી,પણ 3967 લોકોએ વીજ કંપની સાથે સૌર ઉર્જા ઉત્પન્ન કરવાના 25 વર્ષના પીપીએ એટલે પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ કર્યા હતા.

આ એગ્રીમેન્ટ થતા 3967 લોકોએ સોલર વીજ ઉત્પાદન પ્લાન્ટ નાખવાની કાર્યવૌહી આરંભી દીધી હતી.કેટલાકે તો ખેડૂતો પાસેથી ભાડા પટ્ટે જમીન લઇને સૌલાર પ્લાન્ટ નાખ્યા હતા. પ્લાન્ટ તૈયાર થઇ ગયા અને વીજ ઉત્પાદન શરૂ કરવાની તૈયારી હતી ત્યાં જ રાજ્ય સરકારે 7 ટકા વ્યાજ સહાય અને 35 લાખની સબસિડી રદ કરતા તમામ પ્લાન્ટના ચકરડા બંધ થઇ ગયા હતા. રાજ્ય સરકારે સબસિડી અને વ્યાજ સહાય રદ કર્યા પછી વીજ ખરીદીનો દર વધાર્યો નહીં અને રૂ. 2.83 રાખતા 4 હજાર જેટલા રોકાણકારોનો પ્રોજેક્ટ અત્યારે ધૂળ ખાઇ છે અને તેમનું રોકાણ ડૂબી ગયું છે.

આ બાબતે હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને રજૂઆત કરવામાં આવતા કોઇ પોઝીટીવ પ્રતિભાવ મળ્યો નથી.ઉત્પાદકોના કહેવા પ્રમાણે હાલની સરકારે અગાઉની સરકારની યોજના છે,અમે ઉકેલ લાવવા પ્રયાસ કરીએ છીએ,પણ કોઇ રસ્તો મળતો નથી તેવો જવાબ આપીને હાથ ઊંચા કરી દીધા છે.

નાના સૌર વીજઉત્પાદકોની કેટલી રકમ કેવી રીતે ફસાઇ?

ક્રમરોકાણ
112500 વ્યક્તિએ વ્યક્તિદીઠ રૂ.2500 અરજી પેટે સરકારને આપ્યા12,50,000
23967 વ્યક્તિ (એક ઉત્પાદકદીઠ)એ એક વીઘાના રૂ. 5 લાખ લેખે 5 વીઘા જમીનના ચૂકવ્યા9,92,00,00,000
3દસ્તાવેજ, સ્ટેમ્પ ડયૂટી, રજિસ્ટ્રેશન અને એડવોકેટ ફી વ્યક્તિદીઠ79,34,00,000
45 વીઘા જમીનનો એન.એ. કરવા માટેનો ખર્ચ વ્યક્તિદીઠ રૂ.1.20 લાખ4,76,00,000
5પ્રોજેક્ટ પૂરો કરવાની બાંહેધરી પેટે બેંક ગેરેટી 3967 ઉત્પાદકની1,25,00,00,000
6ખેતરથી સબસ્ટેશન સુધી સૌરઉર્જા પહોંચાડવાનો 3967 ઉત્પાદકોનો ખર્ચ3,96,60,00,000
7લેન્ડ રીસરફેસિંગ,લેવલિંગ, ફેન્સિંગનો 3967નો ખર્ચ1,98,35,00,000
કુલ આશરે1,796 કરોડ

કેટલાકે 25 વર્ષના એગ્રીમેન્ટમાંથી એક્ઝિટ થઇને પૈસા પાણીમાં જવા દીધા

નાના ઉત્પાદકોએ 25 વર્ષ સુધી યુનિટદીઠ રૂ. 2.83 લેખે સૌર વીજ પૂરી પાડવાના એગ્રીમેન્ટ કર્યો હતો.રાજ્ય સરકારે વ્યાજ સહાય અને સબસિડી પરત ખેંચી લેતા પ્રોજેક્ટ પોષાય તેમ હતો નહીં. આથી કેટલાક ઉત્પાદકોએ સબસિડી અને વ્યાજ સહાય વગર પ્રોજેક્ટ વધુ ચાલે તો વધુ ખોટ જાય તેમ હોવાથી ખોટ ખાઇને પણ પ્રોજેક્ટમાંથી એકઝીટ લઇ લીધી હતી. આમ છતાં હજુ આશરે 1800 ઉત્પાદકો સરકાર સારી એકઝીટ પોલિસી લાવે,સબસિડી આપે કે પછી વીજ ખરીદીનો ભાવ રૂ. 6 યુનિટદીઠ કરે તેવી માગ કરે છે.

  • 4 હજાર લોકોના રૂ. 1800 કરોડ ડૂબ્યા છે,હવે સરકાર જ બચાવી શકે - ગુજરાત ફે઼ડરેશન ઓફ સોલર ઇન્ડસ્ટ્રીઝ

ગુજરાત ફેડરેશન ઓફ સોલર ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ કિશોરસિંહ ઝાલા,ઉપપ્રમુખ પંકજ પટેલ અને મંત્રી પાર્થિવ દવેએ કહ્યું હતું કે,3967 એટલે કે, 4 હજાર નાના સૌર વીજ ઉત્પાદકોના 1800 કરોડ ફસાયા છે, હાલના તબક્કે તો અમને આ રકમ ગઇ હોય તેવું જ લાગે છે. સિવાય કે,સરકારે જે વચન આપ્યું હતું સબસિડી અને વ્યાજ સહાયનું તે આપવામાં આવે તો અમે ઉગરી શકીએ. અમે રજૂઆત કરી છે,પણ કોઇ પરિણામ મળ્યું નથી. અમે વ્યાજ સહાય,સબસિડી ચાલુ કરવાની માગ કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...