તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:પાલજમાં 18 વર્ષીય યુવતીએ પંખે લટકીને જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનાબેને દીકરી સલોની સાથે વાતચીત પણ કરી હતી
  • મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી આપઘાતનું કારણ જાણવા પરિવારજનોની પૂછપરછ કરાઇ

ગાંધીનગરના પાલજ ગામમાં ભાડાના મકાનમાં રહેતી અઢાર વર્ષીય યુવતીએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં નાયલોનની દોરી બાંધીને ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી છે. હાલમાં ચિલોડા પોલીસે વધુ તપાસ આદરી છે.

18 વર્ષીય દીકરી સલોની ઘરે એકલી હતી

તલોદના કિશોરભાઈ ચાવડાના પરિવારમાં પત્ની ભાવનાબેન તેમજ ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. નોકરી-ધંધાની શોધમાં કિશોરભાઈ છેલ્લા પાંચ વર્ષથી ગાંધીનગરના પાલજ ગામે રોહિતવાસમાં ભાડાના મકાનમાં રહે છે. બંને પતિ-પત્ની ઘરઘાટી તરીકે કામ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. આજે સવારે કિશોરભાઈ તેમજ તેમની પત્ની અને ત્રણ સંતાનો તલોદ મુકામે અનાજ લેવા માટે ગયા હતા. તે વખતે તેમની 18 વર્ષીય દીકરી સલોની ઘરે જ હતી. તલોદ અનાજ લઈને આજે બપોરના સમયે તેઓ ઘરે પરત આવ્યા હતા. ત્યારે ઘરે આવીને હાથ પગ ધોઈ ભાવનાબેને દીકરી સલોની સાથે વાતચીત પણ કરી હતી.

નાયલોનની દોરી વડે ગળેફાસો ખાઇ આપઘાત કરી લીધો

બાદમાં ભાવનાબેન રોહિતવાસમાં જ રહેતા તેમની મમ્મીને મળવા માટે ગયા હતા. તે વખતે ઘરમાં સલોની હાજર હતી. તે દરમિયાન સાડા ચાર વાગ્યાના અરસામાં સલોનીએ પોતાના ઘરે નાયલોનની દોરી વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. થોડીવાર પછી તેનો નાનો ભાઈ પૃથ્વીરાજ ઘરે આવતા સલોનીને લટકી હાલતમાં જોઈને ગભરાઈ ગયો હતો. તેણે બૂમાબૂમ કરી મૂકતા ભાવનાબેન તથા આસપાસના પાડોશીઓ દોડી આવ્યા હતા.

આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી

બાદમાં 108 એમ્બ્યુલન્સ બોલાવીને સલોનીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવની જાણ થતાં ચિંલોડા પોલીસ સિવિલ દોડી આવી હતી. અને મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી આપઘાતનું કારણ જાણવા માટે પરિવારજનોની જરૂરી પૂછપરછ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...