ખરીદીની કામગીરી:જિલ્લાના 1785 ખેડૂતે ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે રજિ. કરાવ્યું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા ઇચ્છતા 1785 ખેડુતોએ નિયત સમયમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે જિલ્લામાં કુલ 5593 ખેડુતોએ મગફળીનું વાવેતર કર્યું છે. આથી જિલ્લામાં કુલ 31.91 ટકા ખેડુતોએ ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે રસ દાખવ્યો છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરી 9મી, નવેમ્બરથી શરૂ કરાશે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકના ઉત્પાદનને ટેકાના ભાવે ખરીદી કરવા માટે ભાવ નક્કી કરવામાં આવ્યા છે. ટેકાના ભાવે જે ખેડુતોને મગફળીનું વેચાણ કરવું હોય તેના માટે પુરવઠા વિભાગ દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશનની સિસ્ટમ ઉભી કરવામાં આવી હતી. ગત 31મી, ઓક્ટોબર સુધીમાં જિલ્લાના કુલ 5593માંથી 1785 એટલે કે 31.91 ટકા ખેડુતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ટેકાના ભાવે મગફળીના રજિસ્ટ્રેશન બાદ આગામી તારીખ 9મી, નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરી શરૂ કરવામાં આવનાર છે.

તેમાં જિલ્લાના ત્રણ સેન્ટરોમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીની કામગીરી હાથ ધરાશે. તેમાં ગાંધીનગર તાલુકાના પેથાપુર ખાતેના પુરવઠાના ગોડાઉનમાં જ્યારે માણસા અને દહેગામ તાલુકામાં એપીએમસીમાં ખરીદી કરાશે. જોકે ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ અમુક ખેડુતો દ્વારા વેચાણ કરતા નથી. આથી હવે જોવું જ રહ્યું કે જિલ્લામાં મગફળીનું વાવેતર કરેલા કુલ ખેડુતોમાંથી ઓનલાઇન રજિસ્ટ્રેશન થયેલા 31.91 ટકામાંથી કેટલા ટકા ખેડુતો ટેકાના ભાવે મગફળીની વેચાણ કરવા તૈયાર થાય છે.

અન્ય સમાચારો પણ છે...