ચૂંટણીજંગ:176 પંચાયતમાં ચૂંટણીના પડઘમના ભણકારાથી રાજકીય દાવપેચ શરૂ

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલાં બાકી-અધૂરાં કામો પૂરાં કરવાનો ધમધમાટ
  • ચૂંટણીજંગ ગ્રામ પંચાયતોની સત્તા કબજે કરવા મથામણ
  • દહેગામ તાલુકાની સૌથી વધુ 84, ગાંધીનગરની 54, માણસાની 54, કલોલની સૌથી ઓછી 11 પંચાયતોમાં પોતાના સરપંચોને વિજયી બનાવવા રાજકીય પક્ષો મેદાને ઉતર્યા

જિલ્લાની અંદાજે 176 ગ્રામ પંચાયતની 5 વર્ષની મુદત ડિસેમ્બર, 2021માં પૂરી થાય છે. આથી ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમના ભણકારાને પગલે રાજકીય દાવપેચ શરૂ થઈ ગયા છે. બીજી તરફ સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યોએ બાકી કે અધૂરાં કામો પૂરાં કરીને ગ્રામજનોનો વિશ્વાસ જીતવાની કવાયત હાથ ધરી છે. કોરોનાનું સંક્રમણ હાલમાં અટકી ગયેલી સ્થિતિમાં છે. બીજી તરફ ગ્રામ પંચાયતોની 5 વર્ષની મુદત ડિસેમ્બર, 2021માં પૂરી થઈ રહી હોવાથી ચૂંટણી યોજવા ધમધમાટ શરૂ થયો છે, જેને પગલે રાજકીય દાવપેચ શરૂ થઈ ગયા છે.

જોકે ગ્રામ પંચાયતની ચૂંટણી બિન રાજકીય હોવા છતાં અંદરખાને રાજકીય બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. તેમાંય વધુ ને વધુ ગામડાંમાં પોતાની વિચારધારાને માનનારા સરપંચો વિજેતા થાય તે માટેની ભાજપ અને કૉંગ્રેસ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા હજુ રાહ જુઓની નીતિ અપનાવાઈ રહી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મળેલી સફળતાના આધારે વિધાનસભા, 2022ની ચૂંટણીની રણનીતિ ઘડાય તેવી શક્યતા રહેલી છે. જેના માટે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામના આધારે વિધાનસભાની ચૂંટણીની કામગીરી શરૂ શકે તેવી શક્યતા રહેલી છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમના ભણકારા વચ્ચે ગ્રામ પંચાયતને બીજી ટર્મ માટે સત્તા ઉપર બેસવા માટે સરપંચો તેમજ ગ્રામ પંચાયતની ટીમો દ્વારા અધૂરાં રહેલાં અને નવાં કામો શરૂ કરી દેવામાં આવ્યાં છે. જોકે જિલ્લાની અંદાજે 176 ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થવાની છે. તેમાં ગાંધીનગર તાલુકાની 54, કલોલની 11, માણસાની 27 અને દહેગામની 84 જેટલી ગ્રામ પંચાયતનો સમાવેશ થાય તેવી શક્યતા રહેલી છે.

જોકે સાચું ચીત્ર તો ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ સ્પષ્ટ થશે. ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ પડે તે પહેલાં રાજ્ય સરકારે પણ પ્રજાલક્ષી કામો પૂરાં કરવાની સાથેસાથે નવી નવી યોજનાઓ શરૂ કરવાની કામગીરી વેગવંતી કરી દીધી હોવાથી અધિકારી વર્ગ માટે રાત થોડી ને વેશ ઝાઝા જેવી સ્થિતિ બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...