સરકારને બે છેડા ભેગાં કરવા મિલકત વેચશે:સરકાર મિલકતો વેચીને 17,500 કરોડ ઊભાં કરશે

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત સરકારે નિગમો વેચવા કાઢ્યા
  • કોરોનામાં 10 હજાર કરોડની મિલકત વેચવા કાઢી હતી

ગુજરાત સરકારે રજૂ કરેલાં નાણાંકીય વર્ષ 2023-24ના બજેટના આંકડા પરથી આવેલી તારવણી મુજબ સરકાર પોતાની આવક અને જાવકના હિસાબ સરભર રહે તે માટે અલગ-અલગ સ્ત્રોતોમાંથી નાણાં મેળવી રહી છે. તે પૈકી સરકાર પોતાના જાહેર સાહસો અને અમુક બાંહેધરીઓ વેચીને 17,500 કરોડ રૂપિયા ઊભા કરશે. સરકારને બે છેડા ભેગાં કરવા માટે આમ કરવું પડી રહ્યું છે, છેલ્લે 2020-21ના વર્ષમાં કોરોના કાળ હોવાથી સરકારે 10 હજાર કરોડની આસપાસની પોતાની અસ્કયામતો વેચવા કાઢી હતી.

ગુજરાત સરકારના બજેટમાં જણાવ્યા મુજબ પોતાની આવક કરવેરા સ્વરૂપે 1.38 લાખ કરોડ રૂપિયાની થશે તેવો અંદાજ મૂકાયો છે. કુલ 2.97 લાખ કરોડની આવકની સામે સરકારે કુલ 3.01 લાખ કરોડ રૂપિયાનું બજેટ મૂક્યું છે. આથી બે છેડાં ભેગાં કરવા માટે સરકારે પોતાના કેટલાંક નિગમો વેચવાનો નિર્ણય કર્યો છે.

આ સિવાય ગુજરાત સરકાર પોતાના બજેટ માટે 68 હજાર કરોડ રૂપિયા દેવું કરીને મેળવશે. રાજ્ય સરકારના સૂત્રો જણાવે છે કે આ અંગે ટૂંકમાં નિર્ણય થશે કે કયા નિગમોને પૂર્ણ અથવા અંશતઃ રીતે વિનિવેશ માટે મૂકવા છે. 2020-21માં સરકારે પોતાની બાંહેધરીઓમાંથી ઘણો ભાર હળવો કરીને ભંડોળ મેળવ્યું હતું. રાજ્ય સરકારે કેન્દ્રીય કરવેરાની આવકોમાં પાછલા વર્ષની તુલનાએ 7.54 ટકાનો ઊછાળો અંદાજ્યો છે. 2022-23માં આ આવક 33 હજાર કરોડની હતી તેને બદલે હવે તે 35,500 કરોડ કરતાં વધુ થશે.

જંત્રીમાં વધારો થવા છતાં મહેસૂલની આવક ઘટશે

સરકારે પંદર એપ્રિલથી જંત્રી વધારીને બમણી કરવાનો નિર્ણય કર્યો છે, તેમ છતાં સરકારની જમીન મહેસૂલી આવકમાં પાછલાં વર્ષની તુલનાએ 20 ટકાનો ઘટાડો થશે. સરકારે આ હેડ થકી 2,860 કરોડની આવક અંદાજી છે, જે ગયા વર્ષે 3,600 કરોડ હતી. તે જ રીતે સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન થકી પણ સરકારને થનારી આવકમાં માંડ 8 ટકાનો વધારો સૂચવાયો છે.

કેન્દ્રીય કરવેરાની આવક 7.54 ટકા વધશે
રાજ્ય સરકારે કેન્દ્રીય કરવેરાની આવકોમાં પાછલા વર્ષની તુલનાએ 7.54 ટકાનો ઊછાળો અંદાજ્યો છે. 2022-23માં આ આવક 33 હજાર કરોડ હતી, જે હવે 35,500 કરોડથી વધુ થવાનું કહેવાયું છે. મહેસૂલી આવકમાં સરકારે 1.38 લાખ કરોડનો અંદાજ આંક્યો છે. કેન્દ્રીય યોજનાઓ થકી સરકારને 16 હજાર કરોડથી વધુ રકમ મળશે.

અન્ય સમાચારો પણ છે...