સમસ્યાનું સમાધાન કરાયું:નળકાંઠાનાં વધુ 11 ગામોના 1700 ખેડૂતોને નર્મદાનું પાણી મળતું થશે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યોજેલી બેઠક બાદ નિર્ણય લેવાયો

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • નો-સોર્સ ગામોની 9415 હેક્ટર જમીનમાં સિંચાઈના પાણીની સમસ્યા હતી

નળકાંઠાના નો-સોર્સ વિલેજને સિંચાઇના પાણી ઉપલબ્ધ કરવા અંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહે તાજેતરમાં મુખ્ય સચિવ પંકજકુમાર અને સિંચાઇ વિભાગના અધિકારીઓ સાથે યોજેલી બેઠક બાદ સરકારે નળકાંઠાના વધુ 11 ગામોના 1700 ખેડૂતોની 9415 હેક્ટર જમીનને નર્મદા કમાન્ડ એરીયામાં આવરી લેવાનો નિર્ણય કર્યો છે.

આ વિસ્તારમાં સિંચાઇ માટેના પાણીનો અન્ય કોઇ સ્ત્રોત નહીં હોવાથી ખેડૂતોને પડતી પારાવાર મુશ્કેલી અને રજૂઆતોને ધ્યાને લઇને અમિત શાહે રાજ્ય સરકારના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. નળકાંઠાના કુલ 32 નો-સોર્સ વિલેજમાં સિંચાઇના પાણીની સમસ્યા હતી. આ પૈકીના 21 ગામોનો સમાવેશ તાજેતરમાં 111 ગામો માટે કરાયેલા નિર્ણયમાં થઇ ગયો હતો. બાકીના 11 ગામોને પણ હવે સિંચાઇ માટે નર્મદાનું પાણી મળશે. અમદાવાદમાં બોપલ, ઘૂમા, આંબલી વિસ્તારમાં ચાલી રહેલા સફાઇને લગતા પ્રશ્નમાં પણ કેન્દ્રિય મંત્રી અમિત શાહે અંગત રસ લીધો છે.

આ વિસ્તારમાં સફાઇ કામદારોની કામગીરીના અભાવે કચરા નિકાલની અને ગટરની સમસ્યા ઉદભવી છે. આ વિસ્તારના રહેવાસીઓને મુશ્કેલી ભોગવવી ન પડે તે માટે અમિત શાહે ત્રણ દિવસમાં આ પ્રશ્નનો સમાધાનથી ઉકેલ લાવવા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપી છે. અમિત શાહના મતવિસ્તાર ગાંધીનગરમાં આ વિસ્તારોનો સમાવેશ થાય છે. અહીંના સાંસદ તરીકે સ્થાનિક મુશ્કેલીઓના નિવારણ માટે અંગત રસ લઈને તેમણે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરી આ મુદ્દાઓનો નિકાલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...