કુમળીવયનો પ્રેમ કેનાલ સુધી લઈ આવ્યો:17 વર્ષની સગીરાએ પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ્દ પકડી, પરિવારે વિરોધ કરતાં સગીરા આપઘાત કરવા ગાંધીનગરની કેનાલ પર પહોંચી ગઇ

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાડોશી યુવક સાથે ચાર વર્ષનાં પ્રેમ સંબંધને સગીરા નામ આપવા માંગતી હતી
  • બંને પરિવાર ભાઈ-બહેનનાં સંબંધો માની રહ્યા હતા, બન્નેની વર્તણૂક બદલાતા ભાંડો ફૂટયો

અમદાવાદની 17 વર્ષીય સગીરા પાડોશી યુવકના પ્રેમમાં એટલી અંધ બની ગઈ કે, વડીલોની આમન્યા રાખ્યા વિના પોતાના જ લગ્નનો પ્રસ્તાવ પરિવાર સમક્ષ મૂકી દીધો હતો. જેનો પરિવારમાં ભારે વિરોધ થતાં કુમળીવયનો પ્રેમ સગીરાને ગાંધીનગર કોબા કેનાલ આપઘાત કરવા સુધી ખેંચી લાવ્યો હતો. જ્યારે બંને પાડોશી પરિવારને એમ હતું કે તેમના બાળકો ભાઈ બહેનની જેમ સાથે સમય વિતાવે છે. જોકે, સગીરાએ લગ્નનો પ્રસ્તાવ મૂકીને બંને પરિવારનો ભ્રમ તોડી નાખતા વાલીઓ માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે.

માતા-પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો
ગુજરાતમાં શાળાએ જતા યુવક-યુવતીઓનાં માતા-પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવક-યુવતીઓ કોની સાથે કેવી સંગત રાખે છે અને કુમળી વયના સંબંધો સમય જતાં કેવો વળાંક લે છે. બાદમાં કેવી નાજુક પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેવી આ ઘટના ચોંકાવનારી છે. અમદાવાદની એક સોસાયટીમાં બે પાડોશી પરિવારો વચ્ચે પારિવારિક સંબંધો પ્રસ્થાપિત થયા હતા.

બંને પરિવારના સંબંધોમાં તિરાડ પડી
બંને પરિવારના બાળકો એકબીજાના ઘરે આવીને સાથે રમતાં હતાં. એમાં સગીર યુવક યુવતી વચ્ચે પ્રેમ પાંગર્યો અને વર્ષોના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો 17 વર્ષની આરતી (નામ બદલ્યું છે)નાં પરિવારમાં માતા પિતા, ચાર બહેન ભાઈ છે. જેમાં ત્રણ ભાઈ બહેનના લગ્ન થઈ ચૂક્યા છે. જેમની પાડોશમાં રહેતા એક પરિવારમાં પણ (સુરેશ) નામનો યુવક છે.

ઓનલાઇન શિક્ષણ માટે મોબાઇલ આપવામાં આવ્યો
બંને પરિવાર વર્ષોથી પાડોશમાં રહેતા હોવાથી પારિવારિક સંબંધો હતા. જેથી આરતી અને સુરેશ એકબીજા સાથે રમતાં હસી મજાક કરતાં હતાં. કલાકો સુધી આરતી અને સુરેશ સાથે રહેતા એટલે બંને પરિવારોને તેમના સંબંધોને ભાઈ બહેનની નજરથી જોતા હતા. કોરોના કાળના કારણે શિક્ષણ કાર્ય બંધ થઈ ગયું એટલે આરતી અને સુરેશને ઓનલાઇન શિક્ષણ માટે મોબાઇલ આપવામાં આવ્યો હતો. જોકે, ભણવાનું સાઈડમાં રાખી બંને મોડી રાત સુધી પણ વાતો કરતાં રહેતા હતા.

આરતીએ ચાર વર્ષથી પ્રેમ હોવાનો એકરાર કરી બધાને ચોંકાવી દીધા
આમ ને આમ બંને વચ્ચે પ્રેમ સંબંધોનું નિર્માણ થયું પણ બંને પરિવારને ગંધ શુદ્ધા આવી નહીં. જોકે, બંનેની રહેણીકરણી વર્તણૂકમાં બદલાવ આવતો જોઈ કંઈક રંધાઈ રહ્યું હોવાનો આરતીનાં માતા પિતાને અંદાજ આવી ગયો હતો. એટલે આરતીની હિલચાલ પર નજર રાખતાં મોબાઇલ થકી બન્નેના પ્રેમનો ભાંડો ફૂટી ગયો હતો. પરિવારે પૂછતાંછ કરતાં માલુમ પડ્યું કે, જે સંબંધો ને ભાઈ બહેનના નજરથી જોઈ રહ્યા હતા. એમાં તો ચાર વર્ષથી પ્રેમ પાંગરી ચૂક્યો છે. તો આરતીએ પણ નફ્ફટાઈથી પ્રેમ સંબંધોનો સ્વીકાર કરી સુરેશ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુકતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

લગ્નની માંગ નહીં સંતોષાતાં આરતી આપઘાત કરવા કેનાલ પહોંચી
બાદમાં બંને પરિવારના વડીલોએ કુમળી વયના પ્રેમને સ્વીકારવાનો ઈન્કાર કરીને બન્નેને ઘણા સમજાવ્યા હતા. જોકે, આરતીએ તો સુરેશ સાથે લગ્ન નહીં તો સગાઈ કરી આપવાની જીદ પકડી રાખી ખાવા પીવાનું બંધ કરી દીધું હતું. તેમ છતાં પરિવારે કોઈ મચક નહીં આપતા ગઈકાલે બપોરના સમયે આરતી ઘરે કહ્યા વિના નીકળી ગઈ હતી અને સીધી કોબા પાસેની નર્મદા કેનાલમાં આપઘાત કરવા આવી પહોંચી હતી.

રાહદારીના હાથમાંથી છટકવા આરતી ધમપછાડા કરવા લાગી
કેનાલ તરફ એકલી અટૂલી ફરતી આરતીને જોઈ એક રાહદારીને તેના ઈરાદાનો અંદાજ આવી ગયો હતો. જેણે સમયસૂચકતા વાપરીને આરતીને કેનાલમાં પડતાં પહેલાં પકડી લીધી હતી. જોકે, આરતી રાહદારીના હાથમાંથી છટકવા ધમપછાડા કરવા લાગી હતી. એટલે રાહદારીએ 181 અભયમ મહિલા હેલ્પ લાઈનને જાણ કરી હતી. આથી કાઉન્સિલર ભાવનાબેન પરમાર, કોન્સ્ટેબલ વિલાસબેન વીહોલ ડ્રાઈવર વિષ્ણુભાઈ સાથે કેનાલ પર દોડી ગયા હતા.

આરતીએ પરિવાર સાથે જવાની તૈયારી દર્શાવી
અભયમનાં કાઉન્સિલર ભાવનાબેન પરમારે કાયદાકીય આંટીઘૂંટીઓથી વાકેફ કરી અને આરતીનું કુનેહપૂર્વક કાઉન્સિલિંગ કરતાં ઉપરોક્ત ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી હતી. બાદમાં અભયમ ટીમના ભાવનાબેન પરમારે કાયદાકીય આંટીઘૂંટીઓથી આરતીને વાકેફ કરી તેના પરિવારને કેનાલ પર બોલાવી લીધો હતો. પરિવારને પણ સગીર વયની ઊંમરે બાળકો ભટકી જતાં હોવાની વાત સમજાવી હતી. જ્યારે આરતીનાં ગળે પણ અભયમની વાત ઉતરી હતી અને તેણે પરિવાર સાથે જવાની તૈયારી બતાવી હતી. આમ 181 અભયમ ટીમની વધુ એક કામગીરી સરાહનીય રહી છે. (નોંધ. બંને પાત્રો કાલ્પનિક છે)

અન્ય સમાચારો પણ છે...