સગીરાનું અપહરણ:ગાંધીનગરનાં MLA ક્વાર્ટર્સ ખાતેથી 17 વર્ષની સગીરાનું અપહરણ, મહેસાણાનો યુવક પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયાની આશંકા

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર સેકટર - 21 MLA ક્વાર્ટર્સ ખાતેથી 17 વર્ષીય સગીરાનું અપહરણ થયાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ થઈ છે. મહેસાણાનો શખ્સ સગીરાને પ્રેમના પાઠ ભણાવીને લગ્નની લાલચ આપી ભગાડી લઈ ગયો હોવાની શંકા વ્યક્ત કરી સગીરાના ભાઈએ સેકટર - 21 પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે.

ગાંધીનગરનાં બોરીજ ગામમાં રહેતી 17 વર્ષીય સગીરા સેકટર - 21 MLA ક્વાર્ટર્સ ખાતે હાઉસ સ્કીપીંગનું કામ કરતી હતી. જેને દરરોજ સવારે એમએલએ ક્વાર્ટર્સ ઉતારીને તેનો ભાઈ પણ એફ.એસ.એલ. ગાંધીનગર ખાતે હાઉસ કીપિંગની નોકરી માટે જતો હોય છે. અને સાંજે વળતા સગીરાને લઈને ઘરે પરત ફરતો હોય છે. ગઈકાલે તેના ભાઈને ઘરે કામ હોવાથી સગીરા એકલી જ એમએલએ ક્વાર્ટર્સ ખાતે નોકરીએ ગઈ હતી. ત્યારે સાંજે પાંચ વાગે સગીરાને લેવા માટે તેનો ભાઈ ગયો હતો. પરંતુ સગીરા એમએલએ ક્વાર્ટર્સ ખાતે નહોતી. આથી તેણે તપાસ કરતાં માલુમ પડયું હતું કે, સગીરા સાડા ચાર વાગ્યાના અરસામાં એમએલએ ક્વાર્ટર્સ ખાતેથી ચાલતી નીકળી ગઈ હતી. જેથી બહેન ઘરે પહોંચી હશે એમ માનીને તેનો ભાઈ ઘરે જતો રહ્યો હતો.

જો કે ઘરે પણ સગીરા પહોંચી નહીં હોવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, આજથી મહિના અગાઉ મહેસાણાનો શખ્સ તેમના ઘરની નજીકમાં ભાડેથી રહેતાં તેના ભાઇ તથા ભાભી સાથે રહેતો હતો. અને અવાર નવાર સગીરાના ઘરે પણ આવતો હતો. જેણે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હોવાનું પણ વધુમાં જાણવા મળ્યું હતું. આથી સગીરાના ભાઈએ શખ્સની તપાસ કરતાં તે પણ સાંજથી ઘરે નહીં હોવાનું જાણવા મળ્યું હતું. અને તેનો મોબાઈલ પણ બંધ આવતો હતો. જેથી શખ્સ સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરીને ભગાડી ગયો હોવાની તેના ભાઈએ શંકા રાખી ફરિયાદ આપતાં સેકટર - 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...