ક્રાઇમ:કોલવડા પાસે લોડિંગ રિક્ષા અને કારમાંથી 17 પેટી દારૂ ઝડપાયો

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બંને ચાલકો ફરાર, 3.92 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર તાલુકાના કોલવડા પાસેથી લોડિંગ રિક્ષા અને કારમાંથી 17 પેટી દારૂ પકડાતા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.આ અંગે મળતી માહિતી અનુસાર પેથાપુર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે દારૂની હેરાફેરી અંગેની બાતમીના આધારે પોલીસે પુન્દ્રાસણ-વાવોલ તરફ જવાના રોડ પર કેનાલ પાસે જઈ તપાસ કરી હતી. જેમાં કેનાલની પાસે ખરાબાની જગ્યામાં એક લોડિંગ રિક્ષા અને કાર મળી આવી હતી. રિક્ષાની નંબર પ્લેટ પર RJ27/TC/TR NO-0222 નંબર પીળા કાગળથી ચોટાડેલો હતો જેમાં વિદેશી દારૂની 8 પેટી મળી આવી હતી. જ્યારે કારમાંથી દારૂની 9 પેટી મળી આવી હતી. જોકે વાહનોની આસપાસ કોઈ જોવા મળ્યું ન હતું.

ત્યારબાદ પોલીસે વધુ તપાસ કરી 17 પેટીમાં ભરેલી 92,820ની કિંમતની દારૂની 204 બોટલ, 2 લાખની લોડિંગ રિક્ષા અને 1 લાખની કાર મળી 3,92,820નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બંને વાહનોના નંબરના આધારે ચાલકો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો. પોલીસને શંકા છે કે દારૂની એક વાહનમાંથી બીજા વાહનમાં ફેરાફેરી ચાલતી હતી. જોકે પોલીસને જોઈને આરોપીઓ ફરાર થઈ ગયા હોવા જોઈએ.છેલ્લાં કેટલાંક સમયથી ગાંધીનગર શહેર અને જિલ્લા તેમજ તાલુકાના કેટલાંક ગામોમાંથી દારૂની હેરાફેરીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આવી સ્થિતીમાં પોલીસની સતત વોચ હોવા છતાં કેટલાંક બુટલેગરો પોલીસને પણ ચકમો આપી તેમની પ્રવૃત્તિ ચાલુ રાખી દારૂની હેરાફેરી કરવામા સફળ થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...