કોરોનાની મહામારીને પગલે 10મી, જાન્યુઆરીથી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઇન વોરીયર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના 162417 લાભાર્થીઓને રસી અપાશે. જેમાં મનપા વિસ્તારમાંથી 10000ની સામે જિલ્લાના ચારેય તાલુકામાં કુલ 152417નો લક્ષાંક આપવામાં આવ્યો છે. પ્રિકોશન ડોઝ અન્ય રસીના સ્થળોએ જ આપવાની વ્યવસ્થા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી છે.
વડાપ્રધાને 15થી 18 વર્ષના બાળકો માટે રસીકરણ શરૂ કરી દીધું છે. જ્યારે જે લાભાર્થીઓને બે ડોઝ પુરા થઇ ગયા હોય તેમને રસીનો ત્રીજો પ્રિકોશન ડોઝ આપવાનું 10મી, જાન્યુઆરીથી શરૂ કરાશે. જોકે પ્રિકોશન ડોઝ સૌ પ્રથમ હેલ્થ વર્કર, ફ્રન્ટલાઇન વોરીયર્સ અને 60 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓને આપવામાં આવશે. જેના માટે બીજો ડોઝ લીધાને નવ માસ સમય થયો હોય તેવા લાભાર્થીઓને જ ત્રીજો પ્રિકોશન ડોઝ અપાશે. ત્રીજા પ્રિકોશન ડોઝ માટે લાભાર્થીઓએ કોવિડ સોફ્ટવેરમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન બાદ પ્રિકોશન ડોઝ માટે લાભાર્થીને કોવિન સિસ્ટમ આધારીત એસએમએસથી જાણ કરવામાં આવશે.
પ્રિકોશન ડોઝ માટે લાભાર્થીઓએ કોવિન સોફ્ટવેરમાં ઓનલાઇન એન્ટ્રી કર્યા બાદ બીજા ડોઝના આધારે પ્રિકોશન ડોઝ લાભાર્થીને આપવો કે નહી તે નક્કી કરવામાં આવશે. જોકે 60 વર્ષથી મોટી ઉંમરના લાભાર્થીઓ માટે ડોક્ટરની સલાહ મુજબ પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. જોકે તેના માટે ડોક્ટરના સર્ટીફિકેટની જરૂરીયાત રહેશે નહી.
પ્રિકોશન ડોઝ જિલ્લાના મનપા અને ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં જ્યાં રસી આપવામાં આવે છે. ત્યાં જ અાપવાની વ્યવસ્થા આરોગ્ય તંત્ર દ્વારા કરાઈ છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ચારેય તાલુકા માટે કુલ 152417નો લક્ષાંક આપવામાં આવ્યો છે. પરંતુ તેમાંથી બીજો ડોઝ લીધા બાદ નવ માસનો સમય થયો હોય તેવા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને જ રસી આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.