જુગારનું સામ્રાજ્ય ધ્વસ્ત:કલોલમાં વર્ષોથી જુગાર ધામ ચલાવતાં કુખ્યાત નીમુ બારોટનાં સામ્રાજય પર દરોડો, 16 જુગારીઓની 1.12 લાખનો મુદ્દામાલ સાથે ધરપકડ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બારોટ વાસમાં જગ્યાઓ બદલીને ચલાવવામાં આવતાં જુગારનાં સામ્રાજ્ય પર લોકલ ક્રાઇમ બ્રાંચ ત્રાટકી
  • રાજકીય વગનાં કારણે નીમુ બારોટનું દિવસે ને દિવસે કલોલમાં વર્ચસ્વ વધવા લાગ્યું હતું

ગાંધીનગર કલોલનાં બારોટ વાસમાં વર્ષોથી જુગાર ધામ ચલાવતાં નીમેશ ઉર્ફે નીમુ મહેન્દ્રભાઈ બારોટનાં સામ્રાજય પર ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રાટકીને 16 જુગારીઓને રંગેહાથ જુગાર રમતાં ઝડપી પાડી રોકડ રકમ, મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 1.12 લાખ જેટલો મુદામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. જ્યારે મુખ્ય સૂત્રધાર નીમુ બારોટ રેડ પડતાં ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જો કે રાજકીય વગનાં કારણે કુખ્યાત બની ગયેલ નીમુ બારોટને બચાવવા માટે મોટાભાગના લોકોએ એલસીબીનું નામ સાંભળી ભલામણ કરવાનું પણ ટાળી દીધું હતું.

કોઈપણ સંજોગોમાં નીમુ બારોટનું જુગાર સામ્રાજય ધ્વસ્ત કરવાની સૂચના હતી
કલોલના બારોટ વાસમાં રહેતાં નીમુ બારોટે ઘણા વર્ષોથી તેના વાસમાં જુગારનું મોટું સામ્રાજ્ય ઉભું કર્યું છે.જેમાં તેનો સાથીદાર બોરીસણાની સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં રહેતો મદનલાલ ભવાનભાઈ રાજપૂત પણ મદદગારી કરતો હતો. પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે નીમુ બારોટે તેના રહેણાંક વિસ્તારમાં એવું નેટવર્ક ઊભું કરી રાખ્યું હતું કે પોલીસ બારોટ વાસમાં અંદર ઘૂસે તોય નીમુ બારોટને આગોતરી જાણ થઈ જતી હતી. એમાંય રાજકીય વગનાં કારણે છેલ્લાં ઘણાં સમયથી નીમુ બારોટનું અત્રેના વિસ્તારમાં વર્ચસ્વ પણ વધી ગયું હતું. ત્યારે રેન્જ આઈજી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ દ્વારા કોઈપણ સંજોગોમાં નીમુ બારોટનું જુગારનું સામ્રાજય ધ્વસ્ત કરી દેવાની સૂચના આપવામાં આવી હતી.

LCB પીઆઈ ઝાલાએ જુગારના સામ્રાજય પર ત્રાટકવા સ્ટ્રેટેજી ઘડી
જેનાં પગલે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ એચ પી ઝાલા કલોલના બારોટ વાસમાં ચાલતાં નીમુ બારોટના જુગારના સામ્રાજય પર ત્રાટકવા સ્ટ્રેટેજી ઘડીને કલોલમાં પેટ્રોલીંગ વધારી દઈ પીએસઆઇ ડી એસ રાઓલ સહિતના સ્ટાફના માણસોને મોકલી આપ્યા હતા. ઘણા દિવસથી બારોટ વાસ પર વોચ ગોઠવ્યા પછી ગઈકાલે એલસીબી ની ટીમને ચોક્ક્સ બાતમી મળી ગઈ હતી કે બારોટ વાસમાં શ્યામસુંદર બ્રહ્મભટ્ટનાં મકાનમાં જુગારીઓ બાઝી માંડીને બેઠા છે.

LCBએ લાલ આંખ કરતાં જ જુગારીઓ ચૂપચાપ નીચે શિસ્ત મુદ્રામાં બેસી ગયા
જેનાં પગલે સ્થાનિક પોલીસને પણ ગંધ ના આવે એ રીતે એલસીબીની ટીમ બારોટ વાસના ઉક્ત બે માળના મકાનમાં ત્રાટકી હતી. જ્યાં પ્રથમ રૂમમાં જુગારના બે બોર્ડ ચાલતાં હતાં. અને પોલીસને જોઈને જુગારીઓ હાથમાંથી પત્તા નાખી દઈ સફાળા ઉભા થઈ ગયા હતા. જો કે એલસીબીની ટીમે લાલ આંખ કરતાં જ જુગારીઓ ચૂપચાપ નીચે શિસ્ત મુદ્રામાં બેસી ગયા હતા.

નીમુ બારોટ સહિત 16 જુગારીઓ ઝડપાયા
બાદમાં એલસીબીની ટીમે રેડની કાર્યવાહી શરૂ કરતાં એક બોર્ડ પર ખુદ નીમુ બારોટનો ભાગીદાર મદનલાલ રાજપૂત પણ જુગાર રમવા માટે બેઠો હતો. જેથી કરીને એલસીબીએ મદનલાલ રાજપૂત, રાજુ કાળાજી ઠાકોર (અભીજીનું પરૂ કલોલ), ચેતન રમેશચંદ્ર શેઠ (વિનાયક સોસાયટી, પંચવટી), રમેશ ગણપત બારોટ (સુંદરમ રો હાઉસ, કલોલ), પારસ હસમુખ દેસાઈ (મેઘા એપાર્ટમેન્ટ, બાપુનગર), રાજેન્દ્રસિંહ ધનાજી વાઘેલા (કાકાનો મઢ, કોલવડા), શિવરાવ વલ્લભ રાવ (ઈફકો ટાઉનશીપ, શેરથા), સલાઉદિન અબ્દુલકરીમ શેખ(સરખેજ), ભરત નેનજી ઠાકોર (લીંબડીયા વાસ, શીલજ), પ્રહલાદ આત્મારામ રાવળ (રઘુવીર સોસાયટી, રેલ્વે પૂર્વ), મૂકેશ શાંતિલાલ જાની (ઘનશ્યામ પાર્ક સોસાયટી, મહેસાણા), જગદીશ શંકરભાઈ વજીર(રાજુ એમ્પોરિયમ સામે કલોલ), સોહનસિંહ ડૂંગરસિંહ રાજપૂત (શેઠવાસ, કલોલ), હિતેશ બાબુલાલ શાહ (અંબાજી માતાનો વાસ, કલોલ), મહેન્દ્ર ગંગારામ પરમાર (સેકટર - 16, મકાન નંબર 8/5 છ ટાઈપ) અને મહેસાણાનાં જીતેન્દ્રસિંહ દીપુસિંહ ચાવડાની જુગાર ધારા હેઠળ ધરપકડ કરી લીધી હતી. જો કે નીમુ બારોટ જુગાર ધામ પર મળી આવ્યો ન હતો. જેનાં સામે પણ ગુન્હો દાખલ કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પીઆઈ ઝાલાનું નામ આવતાં જ મોટાભાગના લોકોએ ભલામણ કરવાનું ટાળી દીધું
જો કે પોલીસ રેડ પડતાં જ ફરાર નીમુ બારોટ ઘણી ભલામણો લાવવા માટે પ્રયત્નશીલ થયો હતો . પરંતુ એલસીબી પીઆઈ ઝાલાનું નામ આવતાં જ મોટાભાગના લોકોએ ભલામણ કરવાનું ટાળી દીધું હતું. બાદમાં એલસીબીએ રોકડાં 67 હજાર, મોબાઈલ ફોન 14 નંગ, જુગારનું સાહિત્ય મળીને કુલ રૂ. 1 લાખ 12 હજાર જેટલો મુદામાલ જપ્ત કરી જુગારનું સામ્રાજ્ય ધ્વસ્ત કરી દેવાયું હતું. જો કે રાજકીય વગનાં કારણે થોડા વખત પછી નીમુ બારોટ ભૂતકાળની જેમ ફરીવાર પણ બારોટ વાસમાં જુગાર ધામ શરૂ કરી દેય તો નવાઈ નહીં.

અન્ય સમાચારો પણ છે...