લોકશાહીના મહાપર્વ સમાન વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મતવિસ્તાર માટે આગામી તા. 5/12/2022ના રોજ મતદાન થશે. જેમાં જિલ્લાના કુલ 13 લાખ 25 હજાર 694 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ સમગ્ર મતદાન પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લાની પાંચ બેઠકો પર કુલ 155 ઝોનલ રૂટ નક્કી કરી તેમના માટે ઝોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે.
મતદાન મથકો અનુસાર રૂટ નક્કી કરાયા
ગાંધીનગર જિલ્લાની પાંચેય બેઠકો પર આદર્શ અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ તમામ બેઠકોના ચૂંટણી અધિકારીઓ દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે. મતદાનની તમામ પ્રક્રિયાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે દહેગામ, ગાંધીનગર(ઉ), ગાંધીનગર(દ), માણસા અને કલોલ બેઠકોના ચૂંટણી અધિકારીઓ દ્વારા પોતાના મતવિસ્તારના મતદાન મથકો અનુસાર રૂટ નક્કી કરવામાં આવ્યાં છે.
ઝોનલ રૂટ અનુસાર બસના રૂટ પણ નક્કી કરાયા
આ માટે ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગની બેઠકો પર કુલ 1350 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા યોજાશે. જેમાં દહેગામમાં 255, ગાંધીનગર(દ)માં 351, ગાંધીનગર(ઉ)માં 242, માણસામાં 265 અને કલોલમાં 237 મતદાન મથકોનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર મતદાન મથક અનુસાર ઝોનલ રૂટ નક્કી કરવામાં આવ્યાં છે. દહેગામ બેઠક માટે કુલ- 26, ગાંધીનગર(ઉ) બેઠક માટે 31, ગાંધીનગર(દ) માટે 39, માણસા બેઠક માટે 29 અને કલોલ બેઠક માટે 30 ઝોનલ રૂટ નક્કી કરવામાં આવ્યાં છે. એક રૂટમાં વધુમાં વધુ 10 મતદાન મથકોનો સમાવેશ કરવામાં આવે છે. ઝોનલ રૂટ અનુસાર બસના રૂટ પણ નક્કી કરી દેવામાં આવ્યાં છે. આ તમામ બસો જીપીએસ સિસ્ટમથી કનેક્ટ હશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.