યોજના:જિલ્લાના 1.55 લાખ ખેડૂતે સાડા ત્રણ વર્ષમાં કુલ 3.10 અબજ લીધા

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ દર વર્ષે મળતા રૂપિયા 6000
  • વડાપ્રધાન મોદીએ 2018ના ડિસેમ્બર માસમાં આ યોજના શરૂ કરી હતી

જિલ્લાના 1.55 લાખ ખેડુતોને છેલ્લા સાડા ત્રણ વર્ષ સુધીમાં અંદાજે કુલ રૂપિયા 3.10 અબજ પીએમ કિસાન યોજના અંતર્ગત ખાતામાં જમા થયા છે. પ્રધાનમંત્રી સમ્માન નિધી અંતર્ગત પ્રત્યેક ખેડુત ખાતેદારને દર વર્ષે રૂપિયા 6000 સહાય ચુકવવામાં આવે છે.

ખેડુતોને આર્થિક સહાયના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષ-2018ના ડિસેમ્બર માસમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી શરૂ કરી હતી. તેમાં દર ચાર માસે ખેડુત ખાતેદારના બેન્ક ખાતામાં રૂપિયા 2000 લેખે એક વર્ષમાં કુલ રૂપિયા 6000 જમા કરાવવામાં આવે છે. તેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત નિયત કરેલા નિયમોનુસાર ખેડુત પરિવારના 18 વર્ષથી મોટી ઉંમરથી મોટી દરેક વ્યક્તિના બેન્ક ખાતામાં રૂપિયા 6000 જમા કરાવવામાં આવે છે. આથી જિલ્લાના 1.55 લાખ ખેડુતોને છેલ્લા સાડા ત્રણ વર્ષથી પીએમ કિસાન યોજનાનો લાભ મળી રહ્યો છે. આથી જિલ્લાના ખેડુતોએ કુલ રૂપિયા 3.10 અબજ સહાયનો લાભ લીધો છે.

ખેડુતના પરિવારની વ્યક્તિ જો કેન્દ્ર કે રાજ્ય સરકારની નોકરી કરતી હોય. સાંસદ કે વિધાનસભાના સભ્ય, મેયર કે સંસ્થાની બોડીના સભ્યોને, દર મહિને રૂપિયા 10 હજારનું પેન્શન મેળવતી વ્યક્તિ, ઇન્કમટેક્ષ ભરનાર, ડોક્ટર, વકિલ, સીએ, આર્કિટેક, એન્જિનીયરને લાભ મળે નહી.

પીએમ કિસાન યોજના અંતર્ગત કોઇ વ્યક્તિ ખોટી રીતે સહાય લે નહી તે માટે ચાલુ વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા ઇકેવાયસી યોજના અમલી કરી છે. તેમાં ખેડુત ખાતેદારે આધારકાર્ડ સાથે પીએમ કિસાન સાઇટ કે કોમન સર્વિસ સેન્ટર ખાતેથી આધારકાર્ડ અપડેટ કરવાનો રહેશે. ઇ કેવાયસી કર્યું હોય તેવા ખેડુત ખાતેદારના બેન્ક ખાતામાં નાણાં જમા કરાશે.પીએમ કિસાન યોજનાનું વેરીફિકેશનની કામગીરી કેન્દ્ર સરકારના કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત ખેડુત ખાતેદારોનું કેન્દ્ર સરકાર દ્વારા યાદી મોકલવામાં આવે છે. મોકલેલી યાદીનું વેરીફિકેશન કરીને તેનો રિપોર્ટ કેન્દ્ર સરકારમાં મોકલવાનો હોય છે.

જોકે ગત વર્ષ-2020-21માં વેરીફિકેશન 5 ટકા હતું. પરંતુ વર્ષ-2021-22માં વેરીફિકેશનનો રેશિયો 10 ટકા કરવામાં આવ્યો છે. પીએમ કિસાન યોજનાનો લાભા લેવા માટે નિયત કરેલા નિયમોનું પાલન થાય છે કે નહી તેની ચકાસણી કરવામાં આવે છે. ત્યારબાદ ખેડુત ખાતેદારના 7/12ના ઉતારા તેમજ 8-અના ઉતારા, આધારકાર્ડ, બેન્ક ખાતાનંબર સહિતના ડોક્યુમેન્ટના આધારે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે.

અન્ય સમાચારો પણ છે...